AnandToday
AnandToday
Wednesday, 05 Feb 2025 18:30 pm
AnandToday

AnandToday

આણંદમાં રાજેશ્રી ટોકીઝ પાસે ટીપી-૧૦માં માર્ગ પરના અનઅધિકૃત દબાણ દુર કરાયા 

આ માર્ગને ૧૫ મીટર ખુલ્લો કરીને આ માર્ગ પર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી

ટ્રાફિકની સમસ્યા હળવી થવા સાથે નાગરિકોને રાહત મળશે

જાહેર માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ લારીગલ્લા ન મૂકવા મનપા તંત્ર દ્વારા અનુરોધ

આણંદ
આણંદ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી મુખ્ય માર્ગો પરના ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે આજે આણંદ શહેરમાં રાજેશ્રી ટોકીઝ પાસે ટીપી-૧૦માં આવેલ અવકુડા માર્ગ પર પાંચ કાચા પાકા મકાનોનું અનઅધિકૃત દબાણ દૂર કરી આ માર્ગને ૧૫ મીટર ખુલ્લો કરવામાં આવ્યો હતો.
આણંદ મહાનગરપાલિકા દ્વારા આજે જે.સી.બી અને ટ્રેકટર સાથે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ માર્ગ પર રોડ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થવા સાથે નાગરિકોને રાહત મળશે.
પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર,નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે.ગરવાલ,મનપાની દબાણ તેમજ અવકુડા ટીમની ઉપસ્થિતિમાં આ દબાણો હટાવવામાં આવ્યા હતા.
 અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિન્દ બાપનાએ દબાણ ટીમને સાથે રાખી ગત સપ્તાહમાં આ માર્ગનું નિરીક્ષણ કર્યું હતું.મનપા ટીમ દ્વારા દબાણકર્તાઓને નોટીસ પણ આપવામાં આવી હતી.આણંદ મનપામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગ પરના ટ્રાફિકને અડચણરૂપ અનઅધિકૃત દબાણો તબક્કાવાર દૂર કરવા માટે મનપાની દબાણ ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આણંદ મનપા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ  દબાણકર્તાઓ પાસેથી રૂ. ૭૨ હજાર વહીવટી ચાર્જ વસુલ કરાયો

આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા મનપામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે દબાણકર્તાઓને નોટીસ આપવામાં આવી હતી.છેલ્લા ત્રણ દિવસમાં એસ્ટેટ વિભાગ દ્વારા આવા દબાણકર્તાઓ પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂ. ૭૨ હજારની રકમ વસુલ કરવામાં આવી છે.
આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી ટ્રાફિકને નડતરરૂપ અનઅધિકૃત દબાણો દૂર કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે તબક્કાવાર વિવિધ વિસ્તારોમાંથી આવા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
આણંદ મનપા દ્વારા જાહેર માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ લારીગલ્લા ન મૂકવા અનુરોધ કરવામાં આવ્યો છે.