AnandToday
AnandToday
Thursday, 30 Jan 2025 18:30 pm
AnandToday

AnandToday

“જ્ઞાન વિજ્ઞાન અને પ્રજ્ઞાનનો સમન્વય એટલે જ્ઞાનોત્સવ”

ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીનો મેગા-ઇવેન્ટજ્ઞાનોત્સવ 3.0 ૨૦૨૫કાર્યક્રમનો આજથી શુભારંભ 
  
પ્રથમ દિવસે ૧૯ શાળાઓના ૨૦૬૬  વિદ્યાર્થીઓ તેમજ ૯૮૬  મુલાકાતીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો

આણંદ
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યા મંડળ સંચાલિત ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટી દ્વારા ‘જ્ઞાનોત્સવ 3.0 ૨૦૨૫’ નો આજે ૩૧મી જાન્યુઆરીએ પ્રારંભ થયો છે. આ અદભુત, વિશાળ અને વૈવિધ્ય-સભર જ્ઞાનોત્સવમાં આકર્ષક પ્રદર્શનો, વર્કશોપ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી મેદાન ખાતે યોજાઈ રહેલ આ જ્ઞાનોત્સવ કાર્યક્રમ ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૫ ની સવારના ૯:૦૦ કલાકે આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 
 સી.વી.એમ. યુનિવર્સિટી દ્વારા આયોજેલાં જ્ઞાનોત્સવ જેવાં ભવ્ય કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થીઓ પોતાનામાં સમાયેલ રચનાત્મક કળા અને સર્જનાત્મક કૌશલ્ય પ્રદર્શિત કરી રહ્યા છે. જ્ઞાન અને મનોરંજનથી ભરપુર જ્ઞાનોત્સવમાં એક્ઝિબિશન, આઇડિયા લેબ, મનોવિજ્ઞાન, પોલિટિકલ સાયન્સ, સ્પર્ધા, કરિયર કાઉન્સેલિંગ, હેન્ડસ ઓન વર્કશોપ, ગમ્મત સાથે જ્ઞાન, આરોગ્ય વિજ્ઞાન, પ્રોડક્ટ, આર્ટ, કલ્ચરલ ઇવેન્ટ્સ, ફૂડ ઝોન, મૂટ કોર્ટ, તેમજ સેલ્ફી ઝોન જેવાં અલગ અલગ ઝોનનું આયોજન કરવામાં આવેલ છે. ચાર દિવસના આ કાર્યક્રમમાં જ્ઞાન-વિજ્ઞાન અને પ્રજ્ઞાનનો આનંદ માણવા આણંદ જિલ્લાના તેમજ આસપાસનાં વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ, આચાર્યગણ, શિક્ષકગણ તથા વાલીઓ ભરપૂર માત્રામાં મુલાકાતે આવશે.  
  
સી.વી.એમ. યુનિવર્સિટીના દ્વિતીય પદવીદાન સમારોહની ભવ્ય સફળતા બાદ બીજા મેગા-ઇવેન્ટ જ્ઞાનોત્સવ 3.0નું વિવિધ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે આણંદ જિલ્લાના કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક જી. જી. જસાણી તથા કમિશનર ઓફ મ્યુનિસિપલ કોર્પોરેશન, આણંદ શ્રી મિલિંદ બાપના એ વિશેષ હાજરી આપી હતી. આ ઉપરાંત, 
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઇ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી મનીષભાઈ પટેલ, સેક્રેટરી શ્રી એસ. જી. પટેલ, માનદ સહમંત્રીઓ શ્રી આર. સી. તલાટી, શ્રી મેહુલભાઈ પટેલ, શ્રી વિશાલભાઈ પટેલ તથા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. હેમંત ત્રિવેદી, રજિસ્ટ્રાર ડૉ. સંદીપ વાલિયાના દ્વારા કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચારુતર વિદ્યા મંડળ અને ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટીના જુદા જુદા હોદેદારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં જેમના દ્વારા જાહેર જનતાને મુલાકાત લેવા માટે ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મંડળ અને યુનિવર્સિટીના વિવિધ હોદ્દેદારો, કર્મચારીઓ અને કોલેજના આચાર્યો અને અદ્યાપકો વગેરેએ આ કાર્યક્રમના ઉદઘાટન દરમ્યાન હાજરી આપી હતી.

આ ઇવેન્ટની ખાસિયત એના વિવિધતા ભર્યા પ્રોડક્ટ્સ તથા સ્ટોલ્સ છે. જેમાં ૯૦ થી વધારે પ્રોજેક્ટ્સ, ૩૦ થી વધારે પ્રોડક્ટ્સ, ૩૦ થી વધારે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સ, ૧૫ થી વધુ વર્કશોપ્સ, ૧૫ થી વધુ સ્પર્ધાઓ તેમજ લગભગ ૨૦ થી વધુ રમતોનો સમાવેશ થાય છે જે યુનિવર્સિટીના જ્ઞાન, વિજ્ઞાન તથા પ્રજ્ઞાનના મૂળ મંત્રને સિધ્ધ કરે છે.

વિચારો, કૌશલ્યો અને જ્ઞાનને એકસાથે લાવતો જ્ઞાનોત્સવ 3.0 એક વાર્ષિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યો છે. જેમાં વિદ્યાર્થી-સંચાલિત પ્રોજેક્ટ્સ, ઉત્પાદન પ્રદર્શનો અને નવીન વિભાવનાઓનું પ્રદર્શન કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનો છે. આ ચાર દિવસનો કાર્યક્રમ ૩૧મી જાન્યુઆરી ૨૦૨૫ થી તારીખ ૦૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી શાસ્ત્રી મેદાનમાં  આયોજીત કરવામાં આવ્યો છે. આ અવસર સવારે ૯:૦૦ કલાકથી સાંજે ૦૮:૦૦ કલાક સુધી જાહેર જનતા તથા વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જેના પહેલા દિવસે ૧૯ શાળાઓના લગભગ ૨૦૬૬ જેટલા વિદ્યાર્થીઓ તેમજ ૯૮૬ જેટલા મુલાકાતીઓએ સી. વી.એમ યુનિવર્સિટીના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.