વલ્લભ વિદ્યાનગર
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સરદાર સાગા : સરદાર ૧૫૦ અંતર્ગત અખંડ ભારતના શિલ્પી, વિશ્વવિભૂતિ અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રને સમર્પિત જીવન-કવન- આદર્શને અંજલી આપતો અનોખો કાર્યક્રમ - સરદાર વોક એન્ડ વૉલ યોજવામાં આવી.
આ અનોખી યાત્રા તારીખ ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૫ - સવારે ૧૦:૩૦ કલાકે સરદાર પટેલના નિવાસ સ્થાન કરમસદથી શરૂ કરી અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, કવન, આદર્શ સાથે સંકળાયેલા મહત્વના પડાવોને આવરી લઈને સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) ખાતે પહોંચી હતી. એકતા, દ્રઢતા અને રાષ્ટ્રનિર્માણની સહિયારી જવાબદારીના પ્રતીક સમાન – સરદાર વલ્લભભાઈ પટેલની પાવન સ્મૃતિમાં આ અદ્વિતીય કાર્યક્રમ એકતા અને અખંડિતતા નોંધ સંદેશ ફેલાવ્યો હતો.
દરેક મહત્વના પડાવ પર આ કાર્યક્રમના સહભાગીઓસરદાર પટેલના જીવન અને વિઝન સાથે સંકળાયેલા પ્રતિકાત્મક સીમાચિહ્નોનું સ્મરણ કર્યું હતું અને દરેક મહત્વના સ્થાન પર હ્યુમન વોલ બનાવી, સામૂહિક શક્તિ અને સંવાદિતાનું પ્રદર્શન કરીને એકતાની ભાવનાને મજબૂત કરી હતી.
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, મહામંત્રી સુનિલભાઈ શાહ, પેટલાદ ધારાસભ્ય કમલેશભાઇ પટેલ, આણંદ જિલ્લાપૂર્વ સાંસદ દિલીપભાઇ પટેલ, સરદાર પટેલ ચેરના ચેરમેન હસિત મહેતા, ચરુતર વિદ્યા મંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતા, કરમસદના સરદાર પ્રેમી લોકો અલગ અલગ સ્થાનેથી રેલીમાં જોડાય હતા. આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નીરંજન પટેલ, કુલસચિવ ડો. ભાઈલાલભાઈ પટેલ તથા બહોળી સંખ્યામાં યુનિવર્સિટી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
આ રેલીમાં જોડાયેલા લોકો દ્વારા ૧૧ કલાકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણદિન નિમિત્તે ૨ મિનિટનું મૌન પાડ્યું હતું.
સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ માત્ર એક યાત્રા નથી, પરંતુ યુવા પેઢીમાં સરદાર સાહેબના આદર્શોને જીવંત કરતું, અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતું એક સશક્ત માધ્યમ છે. એક મજબૂત, અખંડ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે યોજાઈ રહેલા આ અનોખા કાર્યક્રમ -સરદાર વોક એન્ડ વોલમાં દરેક નાગરિક યથાશક્તિ યોગદાન આપ્યું છે.”