AnandToday
AnandToday
Wednesday, 29 Jan 2025 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટની નેશનલ લેવલે સિદ્ધિ,રોબોફેસ્ટ 4.0માં પ્રથમ સ્થાને વિજેતા થઇ રૂ. 10 લાખનું ઇનામ પ્રાપ્ત કર્યું

3 વિદ્યાર્થીઓએ બનાવેલા ડ્રોન ફોરેસ્ટ, પોર્ટ, ઓઈલ ફિલ્ડ, મેડીકલ ડીલીવરી, 24X7 સર્વેલન્સ માટે ઉપયોગી
 
ચાંગા
ચારુસેટ યુનિવર્સિટીની ટીમ એરિયલ એસિસે ગુજકોસ્ટ દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ 4.0માં નેશનલ લેવલે પ્રથમ સ્થાને વિજેતા થઈ અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ચારુસેટ સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (CSPIT) ના  વિદ્યાર્થીઓ શાશ્વત મહિન્દ્રુ, સાક્ષી શાહ અને ધર્મીલ પટેલની ટીમે સ્વોર્મ રોબોટ્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી 10 લાખ રૂપિયાનું  ઈનામ મેળવ્યું હતું. આ સિદ્ધિ  રોબોટિક્સ અને ઈનોવેશનના ક્ષેત્રમાં ચારુસેટની વધતા જતા મહત્વને પ્રતિબિંબિત કરે છે.
ચારુસેટની ટીમે IITs, NITs અને BITS પિલાની સહિત દેશની ટોચની સંસ્થાઓ સામે સ્પર્ધા કરીને 25 થી વધુ સ્વોર્મ ફોર્મેશનને સફળતાપૂર્વક એક્ઝિક્યુટ કરીને અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના વિકસિત અને ડિઝાઇન કરેલા અદ્યતન ડ્રોન ‘ગગનમિત્ર’ માં સ્વોર્મ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. સ્પર્ધામાં વર્ષ દરમિયાન યોજાયેલા ત્રણ રાઉન્ડનો સમાવેશ થતો હતો: આઇડિયાએશન, પ્રૂફ ઓફ કોન્સેપ્ટ (POC), અને ગ્રાન્ડ ફિનાલે. ટીમ એરિયલ એસિસે સમગ્ર સ્પર્ધા દરમિયાન ત્રણેય રાઉન્ડમાં ઓલ ઈન્ડિયા ફર્સ્ટ પોઝિશન મેળવીને વર્ચસ્વ જાળવી રાખ્યું હતું, જે તેમની શ્રેષ્ઠતા અને નવીનતાનો પુરાવો છે. આ અગાઉ  ટીમ એરિયલ એસિસે તેમના અંતિમ રાઉન્ડના પ્રોટોટાઇપ વિકસાવવા રૂ. 2.5 લાખની ગ્રાન્ટ મેળવી હતી, જેનાથી તેઓ તેમના ડ્રોન સ્વોર્મને વિસ્તૃત કરી શકે અને તેમના પ્રદર્શનને શ્રેષ્ઠ બનાવી શકે. 
સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં પ્રતિભાને પ્રદર્શિત કરવા અસાધારણ પ્લેટફોર્મ પૂરું પાડવા અને સ્પર્ધકોની સમસ્યાને ઉકેલવાની કુશળતા, ટેકનિકલ નોલેજ અને ઇનોવેશનના અમલીકરણનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 
આ ટીમે જણાવ્યું હતું કે અમે 5 એરિયલ રોબોટ-ડ્રોન બનાવ્યા હતા એમાં માસ્ટર ડ્રોન અને અન્ય 4 ડ્રોન ફોલોઅર્સ હતા. માસ્ટર-સ્લેવ કોન્ફીગરેશનમાં કેટલાક શેપ-ફોર્મેશન બનાવવાના હતા. અમે  અલ્ગોરિધમ જાતે બીલ્ડ કર્યું હતું જે ડ્રોનને કોમ્યુનીકેટ કરે છે. અમે આ ડ્રોન હાર્ડવેર સ્ક્રેચથી જાતે બનાવ્યું છે.  હાર્ડવેર-સોફટવેરનું ઈન્ટીગ્રેશન સરળ હતું એથી અમને લાભ મળ્યો હતો. આ સ્પર્ધામાં અમે 25 થી 30 ફોર્મેશન-શેપ બનાવ્યા હતા. આ ડ્રોનનો ઉપયોગ સર્વેલન્સ માટે થાય છે. ફોરેસ્ટ, પોર્ટ, ઓઈલ ફિલ્ડ, પ્રાઇવેટ બીઝનેસ એરિયા, ફેક્ટરી કે જ્યાં 24X7 સર્વેલન્સની જરૂર પડતી હોય છે ત્યાં આ ડ્રોનનો ઉપયોગ થાય છે. આ ડ્રોનનો ઉપયોગ એકથી દોઢ કીલોમીટરના એરિયામાં  મેડીકલ ડીલીવરી, પેકેટ ડ્રોપ્સ વગેરે ડ્રોન ડીલીવરી માટે થાય છે. આ ડ્રોનની રેન્જ 200 થી 300 મીટર છે જે હાર્ડવેર અપગ્રેડ કરી વધારી શકાય છે. ડ્રોનનો ફ્લાઈટ ટાઇમ 15થી 20 મિનીટ છે. 
આ સિદ્ધિ વિશે ટીમે ચારુસેટ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી જે રિસર્ચ  અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરે છે.  
ટીમને ડૉ. ઉપેશ પટેલ, HoD EC એન્જિનિયરિંગ, ડો. અમિત ઠક્કર, HoD CS એન્જિનિયરિંગ, ડૉ. તૃષિત ઉપાધ્યાય, પ્રિન્સિપાલ, CSPIT, ડૉ. વિજય ચૌધરી, ડીન FTE દ્વારા મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું. તેમની કુશળતા અને નેતૃત્વએ ટીમના અભિગમ અને વ્યૂહરચનામાં  મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ટીમની સિદ્ધિને પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય અને રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ સાથે ટીમ એરિયલ એસિસે ચારુસેટનું ગૌરવ વધાર્યું છે અને મહત્વાકાંક્ષી રોબોટીસ્ટ્સ માટે ઉચ્ચ માપદંડ સ્થાપિત કર્યો છે. આ ટીમ હવે ડ્રોન ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન ક્ષેત્રે ભાવિ પડકારોને ધ્યાનમાં રાખી આગળ પ્રગતિ કરશે.