AnandToday
AnandToday
Sunday, 19 Jan 2025 00:00 am
AnandToday

AnandToday

કોગ્રેસના વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા સરકાર પર વરસ્યા..!

અનેક લોકોના જીવ લેનાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢવાની સરકારમાં હિંમત છે?-અમિત ચાવડા

આણંદ ટુડે | આણંદ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી લૂંટફાટ કરતા આરોપીઓ કે, અસામાજિક તત્વોનો પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે છે. ત્યારે વરઘોડાની કાર્યવાહીને લઈને કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અને આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પૈસા કમાવા માટે લોકોના જીવ લેનાર બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની 65 દિવસ પછી ધરપકડ કરવામાં આવી છે. સરકાર અને પોલીસની મિલી ભગતના કારણે 65 દિવસ સુધી કાર્તિક પટેલે વિદેશમાં જલસા કર્યા છે. રાતોરાત તેની નાટકના ભાગરૂપે ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. સરકાર ગરીબ લોકોના વરઘોડા કાઢે છે,અમરેલીની પાટીદાર દીકરી પાયલનો વરઘોડો કાઢે છે, પણ ખ્યાતિ કાંડના આરોપી કાર્તિક પટેલનો વરઘોડો નહીં કાઢે. ભાજપનો ખેસ પહેરેલો, ભાજપ સાથે જોડાયેલા હોય તેવા BZ ગ્રુપના કૌભાંડીઓનો વરઘોડો નહિ નીકળે. સરકાર આરોપીઓને સબક શીખડાવવા માંગતી હોય તો તેમના મળતીઓનો પણ વરઘોડા કાઢવામાં આવે. સરકારે લોકોના જીવ લેનાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢી બતાવે.કાર્તિક પટેલનો વરઘોડો નહીં નીકળે, કારણ કે તે સરકારના માનીતા છે, અને ભાજપને ચૂંટણીઓમાં મદદ કરે છે.તેમ કહી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા