AnandToday
AnandToday
Saturday, 18 Jan 2025 00:00 am
AnandToday

AnandToday

ચારૂસેટની ડ્રોન ટીમએરિયલ એસિસ’નું ભારતની સૌથી મોટી રોબોટિક્સ કોમ્પીટીશન રોબોફેસ્ટ 4.0 POC રાઉન્ડમાં ઝળહળતું પ્રદર્શન

આ સ્પર્ધામાં IIT, NITs અને BITS પિલાની જેવી જાણીતી ખાનગી સંસ્થાઓ સહિત ભારતની ટોચની સંસ્થાઓએ ભાગ લીધો હતો.

આણંદ ટુડે | ચાંગા
 ચારુસેટ યુનિવર્સીટી સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (CSPIT) ના  વિદ્યાર્થીઓ સાક્ષી શાહ, ધર્મીલ પટેલ અને શાશ્વત મહિન્દ્રુની આગેવાની હેઠળ ચારુસેટની ડ્રોન ટીમ એરિયલ એસિસે ગુજકોસ્ટ દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી રોબોટિક્સ કોમ્પીટીશન ROBOFEST 4.0 ના પ્રૂફ ઓફ કોન્સેપ્ટ (POC) રાઉન્ડને સ્વરમ રોબોટસ કેટેગરીમાં ક્લીયર કરીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ટીમે જ્યુરી પેનલની સામે તેમના નવતર અને સંકલિત ડ્રોન સ્વોર્મનું પ્રદર્શન કર્યું હતું. 
આ ટીમને ડૉ. ઉપેશ પટેલ (HOD- Electronics & Communication), ડૉ. તૃષિત ઉપાધ્યાય (પ્રિન્સિપાલ -CSPIT) અને  ડૉ. વિજય ચૌધરી (ડીન -FTE) દ્વારા મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું. તેમના નેતૃત્વ અને સમર્થને ટીમની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સ્પર્ધામાં IIT, NITs અને BITS પિલાની જેવી જાણીતી ખાનગી સંસ્થાઓ સહિત ભારતની ટોચની સંસ્થાઓએ ભાગ લીધો હતો. આવા પ્રતિષ્ઠિત સ્પર્ધકો વચ્ચે ચારુસેટની ડ્રોન ટીમનો ઉત્કૃષ્ટ દેખાવ ટીમના અસાધારણ કૌશલ્યો અને દ્રઢ નિશ્ચયને પ્રદર્શિત કરે છે. 
આ સિદ્ધિના ભાગરૂપે ચારુસેટની ડ્રોન ટીમે અંતિમ રાઉન્ડમાં વધુ ડેવલપમેન્ટ માટે રૂ. 2 લાખની ગ્રાન્ટ મેળવી છે. આ ભંડોળ તેમના ડ્રોન સ્વોર્મને વિસ્તૃત કરવા અને ભાવિ પડકારો સામે તૈયાર કરવામાં સક્ષમ બનાવશે. ચારુસેટની ડ્રોન ટીમની સફળતાને પ્રોવોસ્ટ  ડો. આર. વી. ઉપાધ્યાય અને રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલે બિરદાવી વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકોને ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ROBOFEST 4.0 નો અંતિમ રાઉન્ડ ટીમની સમસ્યાઓ હલ કરવાની ક્ષમતાઓ અને ઇનોવેટીવ એપ્રોચની ચકાસણી કરશે, જે તેમની કુશળતા દર્શાવવા માટે ઉત્તમ પ્લેટફોર્મ ઓફર કરશે. આ સિદ્ધિ હાંસલ કરવાની સાથે ચારુસેટે રોબોટિક્સમાં પ્રતિભા અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવામાં પોતાની શ્રેષ્ઠતા દર્શાવવાનું યથાવત રાખ્યું છે. 
ચારુસેટ દ્વારા ડ્રોન ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને ફાઇનલમાં તેમના અસાધારણ પ્રદર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.