આણંદ ટુડે | કરમસદ
સમગ્ર વિશ્વમાં મિલ્ક સિટીના હુલામણા નામથી જાણીતા આણંદ શહેરને 2025 ના નવા વર્ષના પ્રારંભે એટલે કે ૧લી જાન્યુઆરી ના રોજ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. આ મહાનગરપાલિકામાં અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જેનો ગ્રામજનો દ્વારા ભારે સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ અંતર્ગત સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામને વિશેષ દરજ્જો આપવાની માંગ કરી હતી .અને લોહપુરુષ સરદાર પટેલની કર્મભૂમિની ઓળખ જળવાઈ રહે તે માટે અલગ તાલુકો કે આણંદના બદલે કરમસદ મહાનગરપાલિકા બનાવવાની માંગ કરાઈ હતી.અને આ માંગ ન સંતોષાય તો છઠ્ઠી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ કરમસદ બંધના એલાનની ચીમકી ઉચ્ચારાઈ હતી .
જે અંતર્ગત છઠ્ઠી જાન્યુઆરીને સોમવારના રોજ સવારથી જ કરમસદ ગામના તમામ નાના-મોટા વેપારીઓ આ બંધ એલાનમાં જોડાયાં હતા. જેથી ગામ આખું સજ્જડ બંધ જોવા મળ્યું હતું કરમસદ બંધના એલાનના પગલે ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. શાળા-કોલેજોમાં રજા અપાઈ, મંદિરો પણ બંધ રખાયા કરમસદ ગામમાં આવેલ બેંકો અને મેડિકલ સ્ટોર અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો સિવાય તમામ દુકાનો-ઓફિસો સાથે-સાથે ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળા-કોલેજો સહિત વિવિધ વિસ્તારના લોકો સ્વેચ્છિક રીતે બંધમાં જોડાયા હતા .
સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથીલેશ અમીને જણાવ્યું હતું કે, સરકારે આજે સરદાર સાથે છેતરપિંડી કરી છે, દગો કર્યો છે અને વિશ્વાસઘાત કર્યો છે. મોદી સરકાર અને તેમના મંત્રીઓ મતોની લાલચમાં વખતોવખત આ જ સરદાર વલ્લભભાઈ પટેલના ગામમાં આવી સરદાર પટેલના સ્ટેચ્યૂ ઉપર હાર ચઢાવી જય સરદારના નારા લગાવ્યા હતા અને અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામને સ્પેશિયલ દરજ્જો મળવો જોઈએ તેવી માગણીઓ કરી હતી. પરંતુ મોદી સરકાર હવે વાયદા અને વચનોથી ફરી ગઈ છે, સરદાર સાથે દગો કર્યો છે.
સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના આણંદ જિલ્લા અધ્યક્ષ મહર્ષિ પટેલે જણાવ્યું હતું કે, કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવવાના વિરોધમાં ગઈકાલે ગ્રામજનોએ ભેગાં થઈને ગામેરૂ બોલાવ્યું આવ્યું હતું. જેમાં સરકાર સામે વિરોધ નોંધાવવા માટે કરમસદ બંધનું એલાન જાહેર કર્યું હતું. જે મુજબ આજે કરમસદ ગામ સંપૂર્ણ બંધ છે. સરકારના નિર્ણયથી ભગવાન પણ નારાજ થયા છે. જેનાથી સરકારને અને ભક્તોને પણ ખબર પડશે કે, આપણે જે ભગવાનની ભક્તિ કરીએ છીએ, તે ભગવાને જો સરદાર વલ્લભભાઈ પટેલને બુદ્ધિ ના આપી હોત અને નકશો ના બનાવ્યો હોત, તો આજે આ હિન્દુસ્તાનના કેટલાય ભાગલા હોત. પણ આજે આ જ સરદારનું ગામ નકશામાંથી જાણે ભુસાઈ ગયું છે.જેના વિરોધમાં આજે કરમસદ ગામ સ્વયંભૂ બંધ રહ્યું હતું .