AnandToday
AnandToday
Sunday, 05 Jan 2025 18:30 pm
AnandToday

AnandToday

આણંદ બોરસદ ચોકડી સરકારી ગોડાઉન પાછળ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યુ

૧૮૦ જેટલા  કાચા પાકા મકાનોના દબાણો દૂર કરી અંદાજિત ૧૨ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ

આણંદ,
આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે જમીન મહેસુલ અધિનિયમમાં દર્શાવેલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે આણંદ સ્થિત બોરસદ ચોકડી પાસે આવેલ ઝુપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ સવારથી બોરસદ ચોકડી પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીએ પણ સ્થળ મુલાકાત કરી હતી, ત્યારબાદ ટીમ દ્વારા બોરસદ ચોકડી પાસેની ઝુપડપટ્ટી વિસ્તારના આશરે ૧૮૦ જેટલા કાચા પાકા મકાનો ના દબાણો દૂર કરી અંદાજિત ૧૨ હજાર ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે.
આ દબાણ હટાવ ઝુંબેશમાં ૦૯ જેટલા ટ્રેક્ટર, ૦૭ જેસીબી મશીન અને માર્ગ અને મકાન વિભાગના લેબર અને આણંદ મહાનગરપાલિકા ના લેબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આણંદ મહાનગરપાલિકાની ટીમ, સીટી સર્વે ની ટીમ, મામલતદાર ની ટીમ, પોલીસ વિભાગની ટીમ અને માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. 
બોરસદ ચોકડી ખાતે હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવવાની ઝુંબેશમાં આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર, આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે ગરવાલ, ગ્રામ્ય મામલતદાર શ્રી અનિલ પટેલ  અને સીટી મામલતદાર શ્રી ચાર્મી રાવલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંચાલ, ટાઉન પીઆઇ શ્રી ઝાલા, સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ શ્રી અશોક રાવલ, માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ, પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી - કર્મચારીશ્રીઓની ટીમ ઉપસ્થિત રહી હતી.

સ્વેચ્છાએ સરકારી પડત૨ જમીન પર કરેલ દબાણો દૂર કરો આણંદ પ્રાંત અધિકારીની અપીલ

આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમારના જણાવ્યા અનુસાર સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણો લોકોએ સ્વેચ્છાએ દૂર કરે તે જરૂરી છે, અન્યથા નિયમ અનુસાર ની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જિલ્લા પ્રશાસન દ્વારા સરકારી પડતર જમીન ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવશે.

*****