આણંદ ટુડે | આણંદ,
રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજયની કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક કૃષિ માટે વિવિધ સંશોધનો હાથ ધરી મહત્તમ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા આહ્વાન કર્યું છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીન બિનઉપજાઉ બની છે અને જમીનના ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટયું છે. માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ સામે ગંભીર પડકારો ઊભા થયા છે. આ તમામ સમસ્યાઓનો ઉકેલ એક માત્ર પ્રાકૃતિક કૃષિ છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૧મો પદવીદાન સમારોહ આજે રાજયપાલશ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આણંદ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિવિધ વિદ્યાશાખાના ૫૮૦ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા ૪૩ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. રાજ્યપાલશ્રીએ શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા અને શ્રેષ્ઠ વિસ્તરણકર્તાનું બહુમાન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું વિમોચન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા.
ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે 'રાષ્ટ્રીય મિશન' બની ગયું છે તેમ જણાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને વિવિધ ક્ષેત્રે વિશ્વ પટલ પર આગળ વધારવા સાથે કૃષિ અને પશુપાલનના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે.
રાજયપાલશ્રીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પણ મળે છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થવા સાથે ઝેરમૂકત કૃષિ ઉત્પાદનો લોકોને મળે છે. પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, પાણી, જમીન અને ગૌ માતાને બચાવવા સાથે આત્મનિર્ભર ભારત અને સ્વસ્થ સમાજના નિર્માણ સહિત ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે.
રાજ્યપાલશ્રીએ પદવી ધારકોને કારકિર્દીના ઉચ્ચ શિખરો સર કરવા શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્બોધન કરતાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સ્નાતક-અનુસ્નાતકની પદવી અને ચંદ્રકો મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, શિક્ષિત યુવા તરીકેનું વિદ્યાર્થીઓનું પ્રદાન સમાજ અને દેશના સામાજિક વાતાવરણમાં પણ અવશ્ય પ્રતિબિંબિત થવું જોઈએ. પદવી મેળવીને સારી નોકરી મેળવવી કે કારકિર્દીનું ઘડતર કરવા સાથે યુવાનો સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું ઉત્તરદાયિત્વ પણ નિભાવે તે જરૂરી છે.
કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતે બાયોટેકનોલોજી, આઈટી, સ્ટુડન્ટ સ્ટાર્ટ- અપ એન્ડ ઇનોવેશન સહિત ૧૧ જેટલી મહત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે પ્રો-પીપલ ગવર્નન્સ, પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે.
ભારત સરકારના સ્ટાર્ટ-અપ રેન્કિંગ મુજબ ગુજરાત છેલ્લા ચાર વર્ષોથી દેશભર સતત પ્રથમ સ્થાને રહ્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટીનું એએયુ ઇન્કયુબેશન સેન્ટર કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના સ્ટાર્ટઅપ માટે પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે, તેમ જણાવી કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોનું યોગદાન મહત્વનું રહેશે. આ સંસ્થાએ ગુજરાત અને રાષ્ટ્રના કૃષિ વિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
તેમણે ગુજરાતમાં ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ એ વડાપ્રધાનશ્રીની દૂરદર્શિતાનું પરિણામ છે, તેમ જણાવી ઉમેર્યું હતું કે, ઉત્તમ સિંચાઈ વ્યવસ્થાપન, સૂક્ષ્મ સિંચાઈ અને ભૂગર્ભજળ રિચાર્જ કરવા જેવી યોજનાઓએ ગુજરાતને પાણીદાર પ્રદેશ બનાવ્યો છે. કૃષિમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ સહિતની ટેકનોલોજીનો પ્રયોગ પ્રધાનમંત્રીશ્રીની પ્રોત્સાહક નીતિનું પરિણામ છે.
કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, "વિના સહકાર નહિ ઉધ્ધાર", "સૌનો સાથ સૌનો વિકાસ"ની સહકારિતાની ભાવના આપણા સ્વભાવ અને સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે. "સહકારથી સમૃદ્ધિ"ના સૂત્ર સાથે સહકાર ક્ષેત્રે આગળ વધવાના કાર્ય મંત્ર સાથે સરકાર સહકારી ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવા કાર્ય કરી રહી છે.
દીક્ષાંત પ્રવચન આપતાં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના ચેરમેન ડો. મિનેષ શાહે જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદન અને દેશમાં મુખ્યત્વે લેક્ટો-શાકાહારી વસ્તીની પોષક જરૂરિયાતોને પહોંચી વળવા ડેરી ક્ષેત્રના ટકાઉ અને સમાવેશી પરિવર્તનની કલ્પના અને વૈશ્વિક ડેરી વેપારમાં અગ્રેસર રહેવાનો આ યોગ્ય સમય છે.
તેમણે ઉમેર્યું કે, દુધાળા પશુઓની ઉત્પાદકતામાં ત્રણ ગણો, સંગઠિત ડેરી ક્ષેત્રના વ્યાપમાં બે ગણો, સહકારી ક્ષેત્રમાં મૂલ્ય વર્ધિત દૂધ ઉત્પાદનોના હિસ્સામાં બે ગણો અને વૈશ્વિક ડેરી વેપારના હિસ્સામાં દસ ગણો વધારો થયો છે.
ડો .શાહે ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૫ને 'આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જે લાખો ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવા સાથે કૃષિ ઉત્પાદકતા વધારવાની અને દેશને સહકારી નવીનીકરણમાં, ટકાઉપણું અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કરવાની ક્ષમતામાં વધારો કરશે.
તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા શ્વેતક્રાંતિ ૨.૦ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ બોર્ડ દ્વારા સમગ્ર દેશમાં એક લાખ ગામોમાં ડેરી, મત્સ્ય અને કૃષિ મંડળીઓની સ્થાપના કરવામાં આવશે. બોર્ડ દ્વારા બહુરાજ્ય સહકારી સંસ્થાઓની સ્થાપના કરવા સાથે પશુપાલકોને રાહત દરે સેક્સોરેટેડ સીમેન પુરું પાડવામાં આવી રહ્યું છે. બોર્ડ દ્વારા પશુપાલકો અને પશુઓના હિતમાં કરવામાં આવી રહેલ કામગીરીની વિગતો આપી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રી કે.એમ. મુનશીના નેતૃત્વમાં સ્થાપિત આ યુનિવર્સિટી ઉત્કૃષ્ટતાનું પ્રતિક છે, જે શિક્ષણ, સંશોધન અને વાસ્તવિક-વિશ્વ વચ્ચેના અંતરને સાકાર કરવામાં યોગદાન આપી રહી છે.
તેમણે પદવીધારકોને હંમેશા સહયોગ અને સર્વસમાવેશકતાની ભાવનાને જાળવી રાખી સૌના માટે ખાદ્ય-સુરક્ષા, ખેડૂતોની આર્થિક સધ્ધરતા અને પર્યાવરણીય રીતે ટકાઉ ભાવિ બનાવવા માટે માર્ગદર્શકની ભૂમિકા અદા કરવા જણાવ્યું હતું. તેમણે યુવા સ્નાતકોને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સહયોગથી સંશોધન પ્રોજેક્ટ્સ, ઇન્ટર્નશિપ્સ, ફિલ્ડવર્ક નવીન ઉદ્યોગસાહસિક પહેલ દ્વારા અર્થપૂર્ણ ભાગીદારી સાથે ગ્રામીણ સમુદાયોને આર્થિક રીતે સક્ષમ બનાવવા જણાવ્યું હતું.
પ્રારંભમાં સૌને આવકારતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.બી.કથીરિયાએ યુનિવર્સિટીની સિધ્ધિઓની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૪માં આણંદ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના બાદ સરદાર સાહેબ અને કનૈયાલાલ મુનશીના વિચારો અને જ્ઞાનની પ્રતિબધ્ધતાને સતત આગળ વધારી રહી છે.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે યુનિવર્સિટી દ્વારા ૧૧ હજાર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી છે. યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી માટે, પર્યાવરણના રક્ષણ માટે સંશોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટીની ૪૦ હેકટર જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે છે. શ્રી કથીરિયાએ યુનિવર્સિટીએ શૈક્ષણિક ક્ષેત્રે મળેલ સિધ્ધિઓ, ગુણવત્તાયુક્ત બીજ સંશોધન સહિત નવીન વિકસાવેલ પાકની જાતો, સ્વચ્છ ટકાઉ અને હરિત ઊર્જા ક્ષેત્રે થયેલી કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી. અંતમાં યુનિવર્સિટીના કુલસચિવશ્રી ગૌતમ પટેલે આભારવિધિ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને કાર્યક્રમના સ્થળે ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.જે. જસાણી, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. સી. કે. ટીમ્બડીયા, અન્ય કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, મેનેજમેન્ટ બોર્ડના સભ્યો, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, ફેકલ્ટી ડીન, કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-------------------