આણંદ ટુડે | આણંદ,
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કર્યા બાદ તેના પહેલા કમિશ્નર તરીકે આણંદના જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપનાની નિમણૂક કરતા તેઓએ આજે આણંદ મહાનગરપાલિકા ખાતે કમિશ્નર તરીકેનો ચાર્જ ગ્રહણ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી મિલિંદ બાપનાએ જણાવ્યું હતું કે, મારા માટે પણ આ ગર્વની વાત છે કે આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશ્નર તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે, આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશ્નર તરીકે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા એ મારી પહેલી પ્રાથમિકતા રહેશે, મહાનગરપાલિકાના નગરજનોને આરોગ્ય અને શિક્ષણ ને લગતી સુવિધા સાથો સાથ પારદર્શક રીતે વહીવટ કરવાની મારી જવાબદારી હું નિભાવીશ. આણંદ મહાનગરપાલિકા ખાતે કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી ને પણ વહીવટદાર તરીકે નિમવામાં આવ્યા છે, ત્યારે અમારા બંનેની પ્રાથમિકતા આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવવાની રહેશે. તેમણે આ તકે આણંદ મહાનગરપાલિકા શ્રેષ્ઠ મહાનગરપાલિકા બની રહે તે પ્રકારની કામગીરી કરવાની નેમ વ્યક્ત કરી હતી.
તેમણે આણંદ મહાનગર પાલિકા વિસ્તારમાં ગેરફાયદેસર દબાણો દૂર કરવાની સાથે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે નિયમાનુસાર પાર્કિંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શહેરની દરેક ચાર રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલો દ્વારા પાલન કરાવવામાં આવશે. આમ આણંદ મહાનગરપાલિકાના નિમાયેલ પ્રથમ કમિશ્નરે આણંદ નગરપાલિકાને શ્રેષ્ઠ સુવિધાઓ સાથે નગરજનોને ટ્રાફિક અડચણરૂપ ન થાય શહેર મહાનગર સ્વચ્છ અને સુંદર બને તે રીતે મહાનગરપાલિકા કામ કરશે, જેમાં સહયોગ આપવા પણ તેમણે અનુરોધ કર્યો છે.
*