AnandToday
AnandToday
Tuesday, 31 Dec 2024 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટમાં શુધ્ધ સુવર્ણ ચંદ્રક એનાયતની પરંપરા 

ચારૂસેટ કેમ્પસના રજત જયંતી પર્વ નિમિત્તે 14મા પદવીદાન સમારંભમાં 39 ગોલ્ડમેડલ એનાયત થશે

મુખ્ય અતિથિ તરીકે વિખ્યાત ઉદ્યોગપતિ અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીર મહેતા ઉપસ્થિત રહેશે

37 તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી સહિત કુલ 2725 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે

ચાંગા
સન 2000માં સ્થાપિત ચારૂસેટ કેમ્પસની રજત જયંતી પર્વની હાલમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ, ગુજરાત સરકાર દ્વારા 'સેન્ટર ઓફ એક્સલન્સ' ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા ગુજરાતની શ્રેષ્ઠ ત્રણ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં સમાવિષ્ટ ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) ચાંગાનો 14મો પદવીદાન સમારંભ 4 જાન્યુઆરી, 2025ના રોજ શનિવારે સાંજે 4 કલાકે ચારૂસેટ કેમ્પસમાં યોજાશે. આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે વિખ્યાત ઉદ્યોગપતિ અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીર મહેતા દિક્ષાંત પ્રવચન આપશે. અધ્યક્ષસ્થાને ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.  
અમદાવાદસ્થિત ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીર મહેતા દ્વારા સંચાલિત ટોરેન્ટ ફાર્માસ્યુટીકલ્સ, ટોરેન્ટ પાવર, ટોરેન્ટ કેબલ, ટોરેન્ટ ગેસ વગેરે કંપનીઓ છે. 
આ પ્રસંગ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે ચારુસેટના ઈતિહાસમાં પ્રથમવાર સાંજનો દીક્ષાંત સમારોહ યોજાશે. ઉલ્લેખનીય છે કે ચારૂસેટના સન 2012માં આયોજિત પ્રથમ પદવીદાન સમારંભથી તેજસ્વી વિદ્યાર્થીઓને 14 કેરેટના 15 ગ્રામ વજનના શુદ્ધ સુવર્ણ ચંદ્રક આપવાની પરંપરા રહી છે અત્યાર સુધીમાં કુલ 13 પદવીદાન સમારંભમાં 400 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. જયારે સુવર્ણમંડિત ચંદ્રક આપવાની પરંપરા છે ત્યારે આગામી પદવીદાન સમારંભમાં શુદ્ધ સુવર્ણના ચંદ્રકો આપવામાં આવશે. જેમાં 39 ગોલ્ડમેડલ અર્થે શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
આ પદવીદાન સમારોહમાં કુલ 1069 વિદ્યાર્થિનીઓ અને 1656 વિદ્યાર્થીઓ સહિત કુલ 2725 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 39 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં 24 વિદ્યાર્થિનીઓ અને 15 વિદ્યાર્થીઓ છે. જ્યારે 14 વિદ્યાર્થિનીઓ અને 23 વિદ્યાર્થીઓ સહિત કુલ 37 તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી થશે.    
આ પદવીદાન સમારોહ અંતર્ગત  ચારૂસેટની ફેકલ્ટી ઓફ ફાર્મસીના 158, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 380, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 254, ફેકલ્ટી ઓફ  સાયન્સના 235,  ફેકલ્ટી ઓફ કોમ્પુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં કુલ 576, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ છ વિદ્યાશાખાઓના 1122 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવશે. જેમાં અંડર ગ્રેજયુએટ 2103, પોસ્ટ ગ્રેજયુએટ 547, પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા 42 અને પી. એચ. ડી. 37 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવશે.    
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર અને સમાજ માટે મહત્વનું યોગદાન આપનાર મહાન વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને આદરણીય હસ્તીઓને આમંત્રિત કરવાની ચારૂસેટની આગવી પરંપરા પ્રમાણે કુલ 13 પદવીદાન સમારંભમાં અનુક્રમે ડો. અબ્દુલ કલામ, ડો. આર. એ. મશેલકર જેવા ખ્યાતનામ વૈજ્ઞાનિક, શ્રી પંકજ પટેલ જેવા ખ્યાતનામ ઉદ્યોગપતિ, વિખ્યાત વૈજ્ઞાનિક ડો. ટી. રામાસામી, ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી, વિખ્યાત ઉદ્યોગપતિ ડો. એમ. આઈ. પટેલ, વિખ્યાત વૈજ્ઞાનિક અને ઈસરોના ચેરમેન એ. એસ. કિરણકુમાર, પરમાણુ વૈજ્ઞાનિક ડો. ટી. રામાસ્વામી, કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, ભારતની વિખ્યાત આઈટી કંપની ઓનવર્ડ્સ ટેક્નોલોજીસના સ્થાપક અને એક્ઝીક્યુટીવ ચેરમેન અને નાસ્કોમના સર્વપ્રથમ ચૂંટાયેલા ચેરમેન શ્રી હરિશ મહેતા, પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને અમદાવાદની એપેકસ હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તેજસ પટેલ, ઇન્ટરનેશનલ લો કમિશન, યુએનમાં ચૂંટાયેલા સભ્ય અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડો. બિમલ પટેલ, યુ.એસ.એ. સ્થિત સફળ ટેક્નોપ્રીન્યોર અને બિઝનેસમેન શ્રી અશોક પટેલ અને ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા વિભાગના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.