AnandToday
AnandToday
Tuesday, 24 Dec 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદ શહેર સહિત જિલ્લામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના હર્ષોઉલ્લાસભેર વધામણાં

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય, ચાવડાપુરા- જીટોડીયા ખાતે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી 

ખ્રિસ્તીબંધુઓએ એકબીજાને હેપ્પી ક્રિસ્મસ, મેરી ક્રિસ્મસ કહી નાતાલની શુભેચ્છા પાઠવી

પ્રભુ ઈસુના જન્મદિવસે સૌ જગતવાસીઓ પ્રેમ, શાંતિ અને ભાઈચારા થી રહે તે જ આજના દિવસનો સંદેશ- ફાધર જગદીશ મેકવાન

વિવિધ દેવાલયોમાં ખ્રિસ્તયજ્ઞ અને વિશેષ પ્રાર્થના સભા,રાત્રિના ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા

આણંદ,
આણંદ શહેર-જિલ્લામાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી .જિલ્લાના વિવિધ દેવાલયોમાં ખ્રિસ્તયજ્ઞ અને વિશેષ પ્રાર્થના સભાનું આયોજન તેમજ  રાત્રિના ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો નું આયોજન કરાયું હતું .આણંદ શહેર પાસેના નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય, ચાવડાપુરા- જીટોડીયા ખાતે ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ધર્મજનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરતા ફાધર આરોકે જણાવ્યું હતું કે સાચી નાતાલ ત્યારે જ કહેવાશે જ્યારે આપણે સૌ પ્રભુ ઈસુ ની જેમ એકબીજાને માફી આપીશું, આપણે સૌ નાતાલ પર્વની ઉજવણી માટે ભેગા મળ્યા છીએ ત્યારે પ્રભુ ઈસુએ આપણને સૌને પ્રેમ, શાંતિ, ભાઈચારો અને એકબીજાને માન આપીને સંપથી રહેવા એકબીજાને માફી આપીને સૌ સાથે મળીને રહેવાનો સંદેશો આપ્યો હતો.
આજના દિવસે સૌ ખ્રિસ્તજનો એકબીજાને હેપ્પી ક્રિસ્મસ, મેરી ક્રિસ્મસ ની શુભકામના પાઠવે છે અને એકબીજાને ગળે મળીને પ્રભુ ઈસુના જન્મના વધામણા સ્વરૂપે એકબીજાને શુભેચ્છા પાઠવે છે.
પ્રભુ ઈસુ આ ધરતી ઉપર આવ્યા અને તેમણે પ્રેમ અને શાંતિનો સંદેશો ફેલાવ્યો તેમ આપણે સૌ જ્યાં પણ ફરજ ઉપર છીએ, જ્યાં રહીએ છીએ, ત્યાં પ્રભુ ઈસુની જેમ એકબીજાને માફી આપીએ અને સૌની સાથે મળી સંપીને રહીએ અને આ ધરતી ઉપર પણ શાંતિ સ્થપાય તે માટે આજે ખ્રિસ્તજનો એ પણ ખાસ પ્રાર્થના કરી હતી. 
ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે આજે નાતાલના પર્વ નિમિત્તે સૌ નગરજનોને પણ નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી એકબીજા સાથે ભાઈ-ચારાથી રહેવાની અપીલ પણ કરી હતી.
ફાધર  જગદીશ મેકવાનએ  પ્રભુ ઈસુના જન્મના દિવસે સાચો સંદેશો એ જ કહેવાશે તમે એકબીજા પર પ્રેમ રાખો અને એકબીજાને માફી આપો એ જ સાચી નાતાલ કહેવાશે.
ચર્ચના અન્ય ફાધર અને સિસ્ટરોએ સૌ ધર્મજનોને નાતાલ પર્વની  શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે આણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા.
***