AnandToday
AnandToday
Tuesday, 03 Dec 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની નવતર પહેલ

કલેકટર કચેરીની મુલાકાતે આવતા અરજદારો પોતાનો પ્રતિભાવ કયુઆર કોડ સ્કેન કરીને આપી શકશે

જિલ્લાની તમામ સરકારી કચેરીઓ બહાર પણ કયુઆર કોડ લગાવાશે

આણંદ ટુડે | આણંદ, 
રાજ્ય સરકારના પારદર્શક અભિગમને ધ્યાને લઈ આણંદ કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલ કચેરીઓમાં તેમના કામ માટે આવતાં અરજદારોના પ્રતિભાવો જાણવા માટે ક્યુઆર કોડ મૂકવામાં આવેલ છે.

અરજદારો રેશનકાર્ડમાં સુધારા વધારા કરાવવા, આધાર કાર્ડ અપડેટ માટે, પ્રાંત કચેરી ખાતે, જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી ખાતે, સ્ટેમ્પ ડ્યુટી ની કચેરી ખાતે, જમીન સંપાદનની કચેરી ખાતે તથા જનસેવા કેન્દ્રમાંથી આવકના અને જાતિના દાખલા મેળવવા માટે આવતા હોય છે.  

જેને ધ્યાને લઈ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ નવતર પહેલના ભાગરૂપે કલેકટર કચેરીમાં આવેલ વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી સંદર્ભે અરજદારો પોતાને થયેલ અનુભવ અભિપ્રાય રૂપે આપી શકે તે માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ તમામ કચેરીઓની બહાર ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે. સબંધિત કચેરીઓની મુલાકાતે જનાર અરજદાર કચેરી બહાર લગાવવામાં આવેલ આ ક્યુઆર કોડ સ્કેન કરીને પોતાનો પ્રતિભાવ આપી શકશે. અરજદારો દ્વારા આપવામાં આવેલ આ પ્રતિભાવો કલેકટરશ્રી જાણી શકશે.

નોંધનીય છે કે, જિલ્લા કલેકટરશ્રીની સૂચના અનુસાર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ બહાર પણ આ ક્યુઆર કોડ લગાવવામાં આવશે. જેના કારણે સબંધિત કચેરીઓમાં કામ અર્થે આવતા અરજદારો તેમના અનુભવો આ કયુઆર કોડ સ્કેન કરી જણાવી શકશે.