AnandToday
AnandToday
Friday, 29 Nov 2024 18:30 pm
AnandToday

AnandToday

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લીધી

મુખ્યમંત્રીશ્રીએ ડિજિટલ એક્ઝામીનેશન સેન્ટર (મલ્ટી યુટિલિટી કોમ્પ્લેક્ષ) ની મુલાકાત લઈ પરીક્ષાર્થીઓને પાઠવી શુભેચ્છાઓ

ચારૂસેટ યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ શ્રી આર.વી.ઉપાધ્યાય, રજિસ્ટ્રાર શ્રી અતુલ પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું

ડિજિટલ પેપરલેસ પરીક્ષાથી પેપર પ્રિન્ટીંગ ખર્ચના રૂ.૫૦ લાખ, ૬૨૫ વૃક્ષો તથા ૯૦૦ થી વધુ માનવ કલાકની બચત થશે

આણંદ ટુડે | આણંદ,
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ચારૂસેટ યુનિર્વિસટી કેમ્પસમાં કાર્યરત વિવિધ વિદ્યાશાખાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે કેમ્પસમાં ઊભા કરવામાં આવેલા પેપરલેસ પરીક્ષાના ખ્યાલને ઓપ આપતું ડિજિટલ એક્ઝામીનેશન સેન્ટર (મલ્ટી યુટિલિટી કોમ્પ્લેક્ષ) ની મુલાકાત લઈ આ સેન્ટરમાં ઉભી કરવામાં આવેલ સુવિધાની જાણકારી મેળવી પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૌ પ્રથમ ડિજિટલ પેપરલેસ એક્ઝામીનેશનની શરૂઆત ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. સમગ્ર યુનિવર્સિટીની ૦૯ કોલેજોના કુલ ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ સેન્ટરમાં પરીક્ષા આપે છે. આ  માટે ૧૨૫૦ જેટલા  ટેબલેટની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ છે. જેના કારણે દર વર્ષે પેપર પ્રિન્ટીંગ તેમજ તેના  વિતરણ-જાળવણીના રૂ.૫૦ લાખનો ખર્ચ તેમજ ૬૨૫ વૃક્ષો તથા ૯૦૦ થી વધુ માનવ કલાકની બચત થશે. 

ચારૂસેટ યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ શ્રી આર.વી.ઉપાધ્યાય, રજિસ્ટ્રાર શ્રી અતુલ પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.  

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સત્તાવીસ ગામ પાટીદાર કેળવણી મંડળના હોદ્દેદારો સાથે બેઠક કરી યુનિવર્સિટીમાં ચલાવવામાં આવતા વિવિધ અભ્યાસક્રમો, ભાવિ આયોજનો, વિવિધ વિભાગોની જાણકારી મેળવી
હતી.        

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપના, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી યોગેશ પટેલ, કમલેશ પટેલ, વિપુલ પટેલ અને ચિરાગ પટેલ સહિત યુનિવર્સિટીના અધિકારી - પદાધિકારીઓ જોડાયા હતા.