AnandToday
AnandToday
Saturday, 23 Nov 2024 00:00 am
AnandToday

AnandToday

આણંદ જિલ્લા કલેકટરશ્રીને મળ્યો "શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી" નો એવોર્ડ

કોરોનાના કપરા સમયમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની ઉત્કૃષ્ટ સેવાઓને રાજ્ય સરકારે બિરદાવી

ગીર-સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીના હસ્તે  “કર્મયોગી પુરસ્કાર” અર્પણ કરી જિલ્લા કલેકટરશ્રીને સન્માનિત કરાયા

આણંદ ટુડે | આણંદ,
 ગીર-સોમનાથ ખાતે તારીખ ૨૧ થી ૨૩ નવેમ્બર દરમિયાન યોજાયેલી ચિંતન શિબિરમાં આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ વર્ષ ૨૦૨૦-૨૧ માં જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ખૂબ સારી કામગીરી કરી હતી. કોરોનાના કપરા સમયમાં પણ તેમણે લોકસુખાકારી માટે કરેલા કાર્યને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૦-૨૧ ના વર્ષમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકેની તેમની ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવાઓને  “કર્મયોગી પુરસ્કાર” એનાયત કરી બિરદાવી છે.

ગીર સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીને પ્રશસ્તિપત્ર અને રૂપિયા ૫૧,૦૦૦/- નો ચેક અર્પણ કરી તેમના કાર્યને બિરદાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તે સમયે વહીવટી તંત્રને મજબૂત બનાવવા માટે કરેલા કાર્ય બદલ તેમને રાષ્ટ્રીય સ્તરનો દિનદયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર પણ મળ્યો છે.

******