આણંદ ટુડે | ચાંગા
ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ) સંચાલિત ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) -સેક્શન-8 કંપનીને ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ દ્વારા નોડલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત આ પ્રતિષ્ઠિત માન્યતા ઇનોવેટીવ સ્ટાર્ટઅપ્સના વિકાસને સમર્થન અને વેગ આપવાની ચારુસેટની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ઉપલબ્ધિને CIVFના ડીરેકટરો ડો. આર. વી. ઉપાધ્યાય, શ્રી અશોકભાઈ પટેલ, શ્રીમતી મધુબેન પટેલ, શ્રી ગીરીશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ અને ડો. અતુલ પટેલ દ્વારા બિરદાવવામાં આવી છે.
CIVF ના સીનીયર એકઝીક્યુટીવ ઓફિસર ડો. સ્વાતિ જોશીએ જણાવ્યું હતું કે આ માન્યતા પ્રાપ્ત થતા નોડલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે CIVF હવે સ્ટાર્ટઅપ્સને વધુ આર્થિક સહાય આપી શકે છે, જેમાં સ્ટાર્ટઅપ્સને સીડ સપોર્ટ તરીકે રૂ. 30 લાખ સુધીની સહાય આપવામાં આવશે. (તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટ છે. આથી કોઈ ચાર્જ લાગુ પડતો નથી અને ન તો તે કંપનીનો હિસ્સો લેશે). સ્ટાર્ટઅપ્સને દર મહિને રૂ.20,000 નું નિર્વાહ ભથ્થું અને મહિલાઓ સંચાલિત સ્ટાર્ટઅપ્સને એક વર્ષના સમયગાળા માટે પ્રતિ મહિને રૂ.25,000 અપાશે. સમાજ પર નોંધપાત્ર અસર પેદા કરતા સ્ટાર્ટઅપ્સ માટે સીડ સપોર્ટ રૂ.40 લાખ સુધી આપવામાં આવશે.
વળતરના ધોરણે સોફ્ટ સ્કિલ્સમાં તાલીમ મેળવવા માટે સ્ટાર્ટઅપ દીઠ રૂ. 1 લાખ સુધીની સહાય તેમજ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત કાર્યક્રમોમાં નોંધણી અને ભાગ લેવા માટે રૂ. 3 લાખ સુધીની સહાય અપાશે. સ્ટાર્ટઅપ્સના મિડ-લેવલ પ્રી-સિરીઝ A ફંડિંગ માટે ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (જીવીએફએલ) અંતર્ગત રૂ. 50 લાખથી રૂ. 3 કરોડ વચ્ચેના સ્મોલ ટિકિટ ફંડિંગ માટે અલગ ફંડ આપવામાં આવશે. MSME ને સહાય માટે યોજનાની જોગવાઈઓ હેઠળ અરજદારોને ટર્મ લોન પર વધારાની 1 ટકા વ્યાજ સબસિડી અને મહત્તમ 9 ટકા સુધી વ્યાજ સબસિડી અપાશે.
આ ઉપલબ્ધિ વાઇબ્રન્ટ ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ સર્જવાના ચારુસેટના સતત ચાલતા પ્રયાસોની સાબિતી છે. ચારુસેટ સ્ટાર્ટઅપ્સની ભાવિ યાત્રા માટે અને સ્ટાર્ટઅપ્સના નવતર વિચારોને વાસ્તવિકતામાં ફેરવવામાં તમામ સહાય કરવા સદા તત્પર છે. આ સહાયનો લાભ લેવા માટે કોઈ પણ સ્ટાર્ટઅપ્સે મોબાઈલ નંબર 73834 91911 ઉપર સંપર્ક કરવો.