AnandToday
AnandToday
Friday, 01 Nov 2024 18:30 pm
AnandToday

AnandToday

વડતાલમાં નુતન વર્ષે 5 હજારથી વધુ વાનગીઓનો મહાઅન્નકૂટ યોજાયો 

આ માત્ર મહાઅન્નકૂટ નથી. પરંતુ શ્રી લક્ષ્મીનારાયણદેવ ના દેરેથી દરિદ્રનારાયણના જીવનમાં મીઠાશ ધોળવાનો પ્રયાસ છે : મુખ્ય કોઠારીશ્રી ડો. સંતવલ્લભદાસજી સ્વામી.   

આણંદ ટુડે | નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતગર્ત શનિવારે નુતન વર્ષના રોજ 5 હજારથી વધુ વિવિધ વાનગીઓનો મહાઅન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદિ ના આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે મહાઅન્નકૂટની આરતી ઉતારી હતી. તેમની સાથે મંદિરના ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારીશ્રી ડો. સંતવલ્લભદાસજી સ્વામી તેમજ સંપ્રદાયના વડીલ સંતો પણ જોડાયા હતા. 

વડતાલ મંદિરના મુખ્ય કોઠારીશ્રી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ મહાઅન્નકૂટની માહિતી આપતા જણાવ્યું હતું કે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ તા. 7 થી 15 નવેમ્બર દરમિયાન ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાનાર છે. જે અંતગર્ત વડતાલ મંદિરમાં આવેલ હરીમંડપ પાછળના ગ્રાઉંડમાં 19210 સ્કવેર ફૂટ જગ્યામાં ભવ્ય ડોમ બનાવવામાં આવેલ છે. જેમાં 5 હજારથી વધુ વિવિધ વાનગીઓ, ફરસાણ, શાકભાજી, ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. નુતન વર્ષના પ્રભાતે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે મહાઅન્નકૂટનું ઉદ્ધાટન કારવામા આવ્યું હતું. ત્યારબાદ આચાર્ય મહારાજશ્રી , ચેરર્મેનશ્રી દેવપ્રકાશ સ્વામી સહિત સંપ્રદાયના વડીલ સંતોએ મહાઅન્નકૂટની આરતી ઉતારી હતી. જેના દર્શનનો લાભ લઈ હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. સંપ્રદાયના ઇતિહાસમાં અને સમગ્ર ગુજરાતમાં આ સૌથી મોટો અન્નકૂટ છે. આ માત્ર મહાઅન્નકૂટ નથી. પરંતુ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ના દેરેથી દરિદ્રનારાયણના જીવનમાં મીઠાશ ધોળવાનો વડતાલ સંસ્થાનો પ્રયાસ છે. આ અન્નકૂટ અનોખો એટલે નથી કે એમાં 5100 ઉપરાંત વિવિધ વાનગીઓ ધરાવવામાં આવી છે. આ અન્નકૂટ વિશિષ્ઠ ઍટલા માટે છે કે લક્ષ્મીનારાયણદેવને ધરાવેલ 45 ટન જેટલો પ્રસાદ અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ શાળાઓ તથા દરિદ્રનારાયણ અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડાશે. 

આ મહાઅન્નકૂટમાં સેકડો હરિભક્તોની સેકડો કલાકોની સેવા છે. અક્ષરધામના અધિપતિ શ્રી હરિકૃષ્ણ મહારાજને ભાવતા ભોજન તો છે સાથે સાથે સેવકો ની સેવા ભક્તિને રાજીપાના વરખનો શણગાર છે. દરમિયાન ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિત અન્ય મહાનુભાવોએ મહાઅન્નકૂટની આરતી ઉતારી શ્રીહરીના આશીર્વાદ મેળવ્યા હતા.