આણંદ ટુડે | કરમસદ
ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ તથા સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર વચ્ચે વધુ ત્રણ વર્ષ માટે સમજૂતી કરાર થયા. આ સમજૂતી કરાર સંશોધન અને વિકાસ, શિક્ષણ અને તાલીમ, આરોગ્ય સુરક્ષા અને સુવિધાના ઉપયોગને અનુલક્ષીને થયા છે.
તા. ૨૫ ઑક્ટોબરના રોજ ભાઈકાકા યુનિવર્સિટીના બોર્ડ રૂમ ખાતે સમજૂતી કરાર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. અભય ધમસી, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. નિરંજન પટેલ, ભાઈકાકા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર, ડૉ. જયોતિ તિવારી, સરદાર પટેલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર, શ્રી ભાઈલાલભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ચિફ ઓપરેટીંગ ઓફિસર ડો. વિક્રમ નાયડુ, શ્રી કૃષ્ણ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેશ દેસાઈ, સર્જરી વિભાગના વડા ડો. શિરીષ શ્રીવાસ્તવ, મેડિસિન વિભાગના વડા ડો. ભાલેન્દુ વૈષ્ણવ, ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત વિવિધ ઈન્સ્ટિટટ્યૂટના પ્રિન્સિપાલ-ડૉ. હરિહરા પ્રકાશ અને ડૉ. સોનલ ચિત્રોડા તથા સરદાર પટેલ યુનિવર્સિટીના મેડિકલ ઑફિસર ડો. વૈદહી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
એમ.ઓ.યુ.ના ભાગરૂપે સરદાર પટેલ યુનિવર્સિટીના વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓ અને તેના પરિવારોને શ્રી કૃષ્ણ હોસ્પિટલની આશીર્વાદ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના જરૂરિયાતમંદ દર્દીઓને રાહતદરે અથવા નિઃશુલ્ક સારવાર પૂરી પાડે છે.
વધુમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે ભાઈકાકા યુનિવર્સિટીના નિષ્ણાત તબીબો દ્વારા રોગ નિયંત્રણ અને કાળજી અંગે માહિતીપ્રદ સત્રોનું આયોજન કરવામાં આવશે.
તદુપરાંત નક્કી કરવામાં આવ્યું હતું કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં એક હેલ્થ કિયોસ્ક સ્થાપિત કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને શિક્ષકોને પ્રાથમિક તપાસ પૂરી પાડવામાં આવશે. અન્ય દરખાસ્તમાં, ઓક્ટોબર માસમાં સ્તન કેન્સર જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે જેને અનુલક્ષીને સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે વ્યાપક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે.
ભાઈકાકા યુનિવર્સિટીના ડોક્ટર્સ દ્વારા સ્ત્રી રોગ, માનસિક રોગ, નેત્ર રોગ, હૃદય રોગ અને બાળ રોગ માટે સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે.