AnandToday
AnandToday
Monday, 21 Oct 2024 18:30 pm
AnandToday

AnandToday

ખેડૂતોની સમૃદ્ધિ સાથે કુ-પોષણ મુક્ત ભારતના નિર્માણ માટે એન.ડી.ડી.બી. પ્રતિબધ્ધ-સહકારિતા મંત્રીશ્રી અમિત શાહ

આણંદ NDDB ના હીરક જયંતિ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની ૧૨૧ મી જન્મ જયંતિ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિ

એન.ડી.ડી.બી. જેવા સંગઠિત ક્ષેત્રો દ્વારા દેશમાં વપરાશકર્તાઓને ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ દૂધ મળી રહ્યું છે : કેન્દ્રીય ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે આણંદમાં NDDB ઓફિસની નવી ઇમારત, વડોદરાના ઇટોલામાં મધર ડેરીનો ફ્રૂટ એન્ડ વેજિટેબલ પ્રોસેસિંગ પ્લાન્ટ અને નરેલા,  દિલ્હીમાં IDMC લિમિટેડના પોલિફિલ્મ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું

મધર ડેરીમાંથી ગીર ઘી અને ઉત્તરાખંડ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનમાંથી બદ્રી ઘી નું મંત્રીશ્રીના હસ્તે લોન્ચિંગ

આણંદ, મંગળવાર 
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે જણાવ્યું હતુ કે, એન.ડી.ડી.બી. સહકારીતાના માધ્યમથી  દેશના ખેડૂતો, મહિલાઓને સંગઠિત કરવા સાથે તેમનું સશકિતકરણ કરી રહ્યું છે. ખેડૂતોની સમૃદ્ધિ સાથે કુ-પોષણ મુક્ત ભારતના નિર્માણ માટે પણ આ સંસ્થા પ્રતિબદ્ધ છે.
આ સંદર્ભે તેમણે કહ્યું કે, ગ્રામીણ અને દેશના વિકાસ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે એન.ડી.ડી.બી. સતત પ્રયાસો કરી રહી છે. હવે એન.ડી.ડી.બી. માત્ર દેશની નહિ પરંતુ, વૈશ્વિક સંસ્થા બની ગઈ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે  આણંદમાં એન.ડી.ડી.બી.ના ટી.કે. પટેલ ઓડિટોરિયમ ખાતે એન.ડી.ડી.બી.ના હીરક જયંતિ વર્ષ અને અમૂલના સ્થાપક શ્રી ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે  આણંદમાં એન.ડી.ડી.બી.ની ઓફિસની નવી ઇમારત, વડોદરાના ઇટોલામાં મધર ડેરીનો ફ્રૂટ એન્ડ વેજિટેબલ પ્રોસેસિંગ પ્લાન્ટ અને નરેલા, દિલ્હીમાં IDMC લિમિટેડના પોલિફિલ્મ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવા સાથે મધર ડેરીના ગીર ઘી અને ઉત્તરાખંડ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનના બદ્રી ઘી નું લોન્ચિંગ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ વિવિધ ખેડૂતલક્ષી જન કલ્યાણકારી યોજનાઓના લાભોના ચેકનું વિતરણ કર્યું હતું.

ભારત ૨૩૧ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે સમગ્ર વિશ્વમાં અગ્રેસર

કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારત ૨૩૧ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે સમગ્ર વિશ્વમાં અગ્રેસર છે. ભારતનો દૂધ ઉત્પાદનનો વૃદ્ધિ દર ૬ ટકા છે. જ્યારે વિશ્વનો વૃદ્ધિ દર માત્ર બે ટકા છે. 
તેમણે કહ્યું કે, દેશના ગ્રામિણ પરિવારો પૈકી માત્ર ૧.૫૦ કરોડ પરિવારો સહકારી ક્ષેત્રે જોડાયા છે. બાકી રહેતા ૬.૫૦ કરોડ પરિવારોને સહકારી ક્ષેત્ર સાથે જોડવા સમગ્ર દેશમાં નવી બે લાખ સહકારી મંડળીઓ બનાવવામાં આવી રહી છે. આ તમામને સહકારી ક્ષેત્રના માધ્યમથી દૂધના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે એન.ડી.ડી.બી. આગળ વધી રહી છે. એન.ડી.ડી.બી. દ્વારા દેશભરમાં ૧૦ હજાર એફ.પી.ઓ. ની નોંધણી કરવામાં આવી છે. 
મંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્વેતક્રાંતિ ૨.૦ હેઠળ દેશમાં વધુ ૧ લાખ નવી ડેરીની રચના કરવામાં આવશે. સહકારિતા મંત્રાલય દ્વારા દેશમાં ખેડૂતોને શુદ્ધ બીજ, પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વૈશ્વિક બ્રાન્ડીંગ અને વિશ્વ બજારમાં ખેડૂતોના ઉત્પાદનોનું નિકાસ કરવા માટે નિકાસ મંડળી બનાવવા જેવી વ્યૂહાત્મક કામગીરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહી છે. એટલું જ નહિ પશુચારો, બીજ કૃત્રિમ ગર્ભાધાન અને ગોબર ધન ક્ષેત્રે પણ આપણે આગળ વધી રહયા છીએ. 

દેશના ૬.૫૦ કરોડ પરિવારોને સહકારી ક્ષેત્ર સાથે જોડવા નવી બે લાખ સહકારી મંડળીઓ બનાવવામાં આવી રહી છે

સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રિભુવનદાસ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા સહકારીતા આંદોલનથી ગુજરાતમાં સહકારીતાનો શુભારંભ થયો હતો, સહકાર ક્ષેત્રના ઉદ્દભવના ૭૦ વર્ષો બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકારીતાને રાષ્ટ્રીય ફલક ઉપર  વેગ આપવાનું કાર્ય કર્યું છે. ત્રિભુવનદાસ એ રોપેલું સહકાર ક્ષેત્રનું બીજ આજે દેશના કરોડો લોકોને સહકારિતા સાથે જોડતું વટવૃક્ષ બન્યું છે.
સહકાર મંત્રીશ્રીએ સહકાર ક્ષેત્રે એન.ડી.ડી.બી.ની સ્થાપના બાદ શરૂ થયેલા સહકારી યુગનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, ૧૯૬૪ માં શરૂ સ્થપાયેલી એન.ડી.ડી.બી. એ ૬૦ વર્ષોમાં દેશભરની મહિલાઓ, ખેડૂતો, પશુપાલકોને જાગૃત કરી તેમને સહકાર સાથે જોડવાનું સંનિષ્ઠ કાર્ય કર્યું છે. એન.ડી.ડી.બી. એ આજે સમગ્ર વિશ્વમાં સહકાર ક્ષેત્રનું સૌથી મોટું સંસ્થાન બન્યું છે.  ત્રિભુવનદાસ પટેલ અને એન.ડી.ડી.બી. એ સહકારીતા ક્ષેત્રે આપેલા યોગદાન એ દેશના ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપી છે.
શ્રી અમિત શાહે સહકારી ક્ષેત્રમાં અમૂલના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે, અમુલ સાથે આજે ૩૫ લાખ કરતા વધુ સભાસદો જોડાયેલા છે, ૧૦૦ રૂપિયાની શેરપુંજીથી શરૂ થયેલ આ સંસ્થા આજે ૬૦,૦૦૦ કરોડનો વ્યાપાર કરી રહી છે. આ સહકારી સંસ્થાના કોઈ માલિકો નથી, આ સંસ્થાના માલિકો ખેડૂતો, પશુપાલકો છે, અને તેથી જ અમૂલ અને એન.ડી.ડી.બી. માં પવિત્રતા સાથે વ્યાપાર થાય છે.

સહકાર ક્ષેત્રના ઉદ્દભવના ૭૦ વર્ષો બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકારીતાને રાષ્ટ્રીય ફલક ઉપર  વેગ આપવાનું કાર્ય કર્યું છે

દેશની સહકારી ચળવળને વેગ આપનાર અને ખેડૂતોના હિત માટે જીવન સમર્પિત કરનાર ત્રિભુવનદાસ પટેલને નમન કરતાં તેમણે કહ્યું કે, ત્રિભુવનદાસ પટેલે ગુજરાતમાં દૂધ સહકારીતાનો જે પાયો નાંખ્યો હતો તે દેશવ્યાપી સહકારી ચળવળનો મજબૂત આધાર બન્યો હતો. તેમના દ્વારા સ્થપાયેલ અમૂલ માત્ર પશુપાલકોને આત્મ નિર્ભર બનાવી નથી રહયું, પરંતુ દેશના પોષણમાં પણ મહત્વનું યોગદાન આપી રહી છે. તેમનું જીવન સહકારથી સમૃધ્ધિના માર્ગ ઉપર પ્રેરણા આપતું રહેશે.  
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, ત્રિભુવનદાસ પટેલ એવું કર્મઠ વ્યક્તિત્વ હતુ, જેની વ્યાખ્યા થઈ શકે તેમ નથી. પોલસન ડેરીએ અન્યાય ના કર્યો હોત તો આજે અમૂલ ના હોત, અમૂલના પાયામાં ત્રિભૂવનદાસ પટેલનો મહત્વનો ફાળો રહયો છે. ત્રિભુવનદાસ પટેલે ‘સ્વ’ ને ઓગાળીને ગરીબો, ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ માટે જે કામ કર્યું તેના પરિણામે દેશના પાંચ કરોડ પશુપાલકો આજે સુખ-ચેનની જીંદગી જીવી રહયાં છે.    
કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રીશ્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે, પશુપાલન અને ડેરી ક્ષેત્રને સંગઠિત કરવા માટે એન.ડી.ડી.બી. સંકલ્પબધ્ધ છે. એન.ડી.ડી.બી. જેવા સંગઠિત ક્ષેત્રો દ્વારા દેશમાં વપરાશકર્તાઓને ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ દૂધ મળી રહ્યું છે. જે સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ છે.

ત્રિભુવનદાસ પટેલનું જીવન સહકારથી સમૃધ્ધિના માર્ગ ઉપર પ્રેરણા આપતું રહેશે

તેમણે ઉમેર્યું કે, ભારત સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ૫૭.૬૨ ટકા વૃદ્ધિ સાથે પ્રથમ સ્થાને અને પ્રતિ વ્યક્તિ ૪૫૯ ગ્રામ દૂધ ઉપલબ્ધતા સાથે અગ્રેસર છે. તેમણે દેશમાં શ્વેત ક્રાંતિ ૨.૦ હેઠળ હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી.
મંત્રીશ્રીએ રાષ્ટ્રીય ગોકુળ મિશન અને રાષ્ટ્રીય પશુધન મિશન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન અને ઉત્તમ ઓલાદના પશુધન, ઘાસચારો અને પશુધનને બિમારીથી મુકત કરવા માટે ચાલી રહેલા અભિયાનની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે આ તકે સરદાર સાહેબની પ્રેરણાથી સહકારીતા આંદોલનના જનક ત્રિભુવનદાસ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.  
પ્રારંભમાં સૌને આવકારતા એન.ડી.ડી.બી. ના અધ્યક્ષ ડો. મિનેશ શાહે જણાવ્યું કે, એન.ડી.ડી.બી.ના ૬૦ માં વર્ષના પ્રવેશ પ્રસંગે સમગ્ર દેશમાં સહકારિતાનો માર્ગ પ્રશસ્ત કરનાર અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

દેશમાં શ્વેત ક્રાંતિ ૨.૦ નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને પરિણામે દેશમાં ૫૬ હજાર નવી ડેરી સમિતિ અને ૪૬ હજાર હયાત સમિતિઓનું સુદ્રઢીકરણ અને પેકસના સમન્વયથી સહકારિતાને વેગ મળશે. વિકસિત ભારતના લક્ષને સાકાર કરવા અને ખેડૂતોના જીવનમાં ખુશાલી લાવવા એન.ડી.ડી.બી. સતત પ્રયાસરત છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. 

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહે એન.ડી.ડી.બી. પરિસરમાં વૃક્ષારોપણ કરી ત્રિભુવનદાસ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું 

આ પ્રસંગે  કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ રાજ્ય મંત્રી ડો. એસ.પી. સિંહ બઘેલ, રાજ્ય મંત્રીશ્રી શ્રી જ્યોર્જ કુરિયન, રાજયના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, ધારાસભ્યશ્રી યોગેશ પટેલ, કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી વિભાગના સચિવ શ્રીમતી અલકા ઉપાધ્યાય, અમૂલના ચેરમેન શ્રી વિપુલ પટેલ, સહકારી અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા.

******