AnandToday
AnandToday
Monday, 14 Oct 2024 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટ-BDIPSની વિદ્યાર્થીની ખદીજા દૂધિયાવાલા દ્વારા લો વિઝન ધરાવતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં આશીર્વાદરૂપ રિસર્ચ

નેશનલ લેવલની પ્રતિષ્ઠિત ‘ધ બ્રાયન હોલ્ડન ઓપ્ટોમેટ્રી રિસર્ચ રોલિંગ ટ્રોફી’ જીતનાર ખદીજા ગુજરાતની સૌપ્રથમ વિદ્યાર્થીની

આણંદ ટુડે | ચાંગા

ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સીસ (BDIPS)ના ઓપ્ટોમેટ્રી વિભાગની ઈન્ટર્ન ખદીજા દૂધિયાવાલાએ લો વિઝન ધરાવતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં  આશીર્વાદરૂપ રિસર્ચ  કર્યું છે.  આ રિસર્ચને નેશનલ લેવલે પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે. ખદીજાએ પ્રતિષ્ઠિત ‘ધ બ્રાયન હોલ્ડન ઓપ્ટોમેટ્રી રિસર્ચ રોલિંગ ટ્રોફી-2024’  જીતીને ચારુસેટનું ગૌરવ વધાર્યું છે અને રોલિંગ ટ્રોફી જીતનાર ગુજરાતમાંથી સૌપ્રથમ વિદ્યાર્થીની તરીકે વિશિષ્ટ સન્માન પ્રાપ્ત કર્યુ છે.

ઈન્ડિયન વિઝન ઈન્સ્ટિટ્યૂટ (IVI) દ્વારા વર્ષ 2024માં આયોજિત આ સ્પર્ધા માટે ભારતમાંથી કુલ 5 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી જે પૈકી BDIPSની ખદીજાએ ફાઇનલિસ્ટ તરીકે પસંદ થઈ રોલિંગ ટ્રોફી અને રૂ. 10 હજારનું કેશ પ્રાઈઝ જીત્યું હતું.   

ખદીજાએ BDIPS ના આસિસ્ટન્ટ પ્રોફેસર દેવાંશી દલાલના માર્ગદર્શન હેઠળ ‘વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ફોર વિઝન: અ ટેકનોલોજી-ડ્રીવન સોલ્યુશન ફોર લો-વિઝન એજ્યુકેશન’ વિષય પર રીસર્ચ કર્યું હતું.  

લો-વિઝન એવી સ્થિતિ છે જે ચશ્મા અથવા સર્જરી કરવા છતાં પણ વ્યક્તિની જોવાની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થઇ શકતો નથી. આ ક્ષતિ ઘણીવાર શૈક્ષણિક કાર્યમાં પણ અસર કરે છે, આથી વિદ્યાર્થીઓ શીખવા માટે બ્રેઇલ અથવા બીજી ગ્રંથિઓ પર આધાર રાખે છે. જેના કારણે  લો-વિઝન ધરાવતા વિદ્યાર્થીઓ, નોર્મલ વિઝનના વિદ્યાર્થીઓ કરતા અભ્યાસમાં પાછળ પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખી આ રીસર્ચ કર્યું હતું. 

VR ટેક્નોલોજી આ સમસ્યા માટે નવતર ઉકેલ આપે છે. VR ટેક્નોલોજી શૈક્ષણિક હેતુને વિદ્યાર્થીઓ સમક્ષ દર્શાવે છે અને વિદ્યાર્થીઓને વિઝયુઅલ લર્નિંગમાં મદદ કરે છે. પોતાના રીસર્ચ દ્વારા ખદીજાએ દર્શાવ્યું કે VR એ મનોરંજન કે ગેમિંગ સિવાય પણ લો વિઝન ધરાવતા વિદ્યાર્થીઓમાં લર્નિંગ એક્સપીરીયન્સ વધારવાની ક્ષમતા ધરાવે છે. આ ટેક્નોલોજી લો વિઝન ધરાવતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવાની નવી તકો આપે છે.

BDIPS ના પ્રિન્સીપાલ ડો. હેમંતકુમાર, ઓપ્ટોમેટ્રી વિભાગના વડા જયદેવસિંહ પરગરા અને ગાઈડ દેવાંશી દલાલના માર્ગદર્શન હેઠળ ખદીજાના આ રિસર્ચ પ્રોજેક્ટને સફળતા પ્રાપ્ત થઇ હતી.  

ઉલ્લેખનીય છે કે IVI એ ભારતમાં આંખની સંભાળ, વિઝન સાયન્સ અને ઓપ્ટોમેટ્રીને સમર્પિત સંસ્થા છે. IVI રોલિંગ ટ્રોફી વાર્ષિક સ્પર્ધા છે, જેની શરૂઆત 2014થી થઇ છે, જે સમગ્ર ભારતમાંથી યુવા ઓપ્ટોમેટ્રી સંશોધકોની પ્રતિભા બહાર લાવે છે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટ વિઝન સાયન્સ અને ઓપ્ટોમેટ્રી ક્ષેત્રે નવતર સંશોધનને હાઈલાઈટ કરે છે તેમજ ઉભરતી પ્રતિભાઓને શ્રેષ્ઠ કાર્ય પ્રદર્શિત કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.