આણંદ ટુડે | પેટલાદ
આણંદ જિલ્લાના પેટલાદમાં મહિલા બુટલેગર પાસેથી પ્રોહિબીશનના કેસની પતાવટ માટે રૂ.૪૫ હજારની લાંચ માંગનાર પેટલાદ ટાઉન પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારીઓને નડિયાદ એસીબીએ ઝડપી પાડયા હતા. લાંચ લેતા એસીબીના છટકામા આબાદ રીતે ઝડપાયેલા પોલીસ કર્મચારીઓમાં (૧) રામભાઇ વેલાભાઇ ખોડા, એ.એસ.આઇ.(૨) ધનરાજભાઇ કેસરીસિંહ મહીડા, પોલીસ કોન્સ્ટેબલ, અને (૩) હિતેશકુમાર દિપસંગભાઇ રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ નો સમાવેશ થાય છે.
બનાવવાની વિગત એવી છે કે ફરીયાદી મહિલા બુટલેગરના પતિનું પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન, ખાતે દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના કેસમાં આરોપી તરીકે નામ ખુલેલ હતું. આ ગુનાની તપાસ કરનાર આરોપી નંબર ૧ રામભાઇ વેલાભાઇ ખોડાએ ફરીયાદીના પતિને નાસતા-ફરતા આરોપી તરીકે દર્શાવેલ હતા. આ ગુનામાં ફરીયાદીના પતિને હાજર કરવા, માર નહી મારવા અને વધુ રીમાન્ડ નહી માંગવા સારૂ આરોપી નંબર : (૧) રામભાઇ વેલાભાઇ ખોડા
તથા આરોપી (૨) ધનરાજભાઇ કેસરીસિંહ મહીડા એ પ્રથમ રૂપિયા એક લાખની લાંચની માંગણી કરતા ફરીયાદીએ રકઝક તથા વિનંતી કરતાં બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારીમાં રહી રૂ. ૪૫,૦૦૦ /- લાંચ પેટે આપી જવા જણાવેલ. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય ખેડા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતાં તા. ૧૪/૧૦/૨૦૨૪ ના રોજ લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું . ટ્રેપ દરમ્યાન આરોપી નંબર : (૧) રામભાઇ વેલાભાઇ ખોડા, એ.એસ.આઇ. તથા આરાંપી નંબર (૨) ધનરાજભાઇ કેસરીસિંહ મહીડા, પોલીસ કોન્સ્ટેબલ, નાઓએ હેતુલક્ષી વાતચીત કરી જે અનુસંધાને આરોપી નંબર : (૩) હિતેશકુમાર દિપસંગભાઇ રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ
નાઓએ રૂ. ૪૫,૦૦૦ /- લાંચ પેટે સ્વીકારી તમામ આરોપીઓએ એકબીજાની મદદગારીમાં રહી લાંચ લેતા પકડાઇ ગયા હતા . લાંચ લેતા પકડાયેલ ત્રણેય પોલીસ કર્મીઓને નડિયાદની કચેરી ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેટલાદ ટાઉન પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે .