આણંદ ટુડે | આણંદ
બ્રહ્મયુવા શક્તિ સેના ગુજરાત, આણંદ દ્વારા તારીખ 29 સપ્ટેમ્બરના રોજ આણંદ ખાતે હજારોની સંખ્યામાં બ્રહ્મ પરિવારની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો ઐતિહાસિક 'પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ'. આ પરશુ દીક્ષા સમારંભમાં પરમ ધ.ધ.૫.પૂ. ડો. જયોતિરનાથજી આદેશ, પરમ પૂજ્ય ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શૈલેષાનંદજી મહારાજ સનાતન પરિવાર જેવા સંતોના આશીર્વાદ સાથે તેમની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો.
પરશુ દીક્ષા સમારંભમાં સમસ્ત ગુજરાતમાં થી બ્રહ્મ યુવાન-યુવતીઓ અને વડીલો ઉત્સાહભેર ભાગ લેવા બ્રહ્મ ગૌરવ સાથે પધાર્યા હતા. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને તેના દ્વારા ધર્મપથ સુધી પહોંચવાના મહા સંકલ્પ સાથે ૧૫૦૦થી વધુ બ્રહ્મ યુવાનો અને યુવતીઓ આમાં પરશુ દીક્ષા ગ્રહણ કરી. મુખ્ય અતિથિ સ્થાને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા), પૂર્વ ધારાસભ્ય અને અમુલ ડેરી ડિરેકટર પપ્પુભાઈ પાઠક, વિમલ ઉપાધ્યાય, પૂર્વ બિન અનામત ઉપાધ્યક્ષ, રવિ કિશન ગોર , પ્રભારી ગુજરાત કોંગ્રેસ, દિનેશ રણેજાજી, રાષ્ટ્રીય પરશુરામ અધ્યક્ષ પધાર્યા હતા. પૂજ્ય સંતગણ દ્વારા બ્રાહ્મણ હોવાના ગૌરવ વિષયે અને સમાજમાં એકતા લાવીને સમાજને ઉપર લઇ જવા વિશે ચિંતન થવા પામ્યું. ઉપરાંત મુખ્ય અતિથીઓ દ્વારા સમાજને તન, મન, ધનથી સહકાર આપી પરસ્પર એકબીજાની તાકાત બનવા વિશે ધ્યાન દોરવામાં આવ્યું હતું.
બ્રહ્મશક્તિ ગુજરાતના યુવા સંયોજક શ્રી જપીનભાઈ ઠાકર દ્વારા આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ માટે આહવાન કરવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક સમારંભમાં અનેક પૂજ્ય સંતો-મહંતોની ઉપસ્થિતિ સાથે તેમના આશીર્વચન નો લાભ બ્રહ્મ સમાજને તો મળ્યો જ પણ એક બ્રાહ્મણ હોવાનો ગૌરવ પણ સૌના મનમાં વધુ જાગૃત થયો. બ્રહ્મ સમાજના ગૌરવ અને સમાજની એકતાના મહત્વ વિશે પણ પૂજ્ય સંતોનું માર્ગદર્શન મળ્યું. સંતો દ્વારા સમજાવવામાં આવ્યું કે સનાતન વૈદિક સંસ્કૃતિમાં જેટલું મહત્વ શાસ્ત્રનું છે તેટલું જ મહત્વ શસ્ત્રનું પણ છે માટે બ્રાહ્મણ કેવળ શાસ્ત્રમાં જ નહીં પરંતુ શસ્ત્રમાં પણ નિપુણ હોવો જોઈએ. બ્રહ્મ સમાજ એક થાય અને એકીકરણથી સમાજનું ઉથ્થાન થાય તેવા શુભ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમમાં રાજ્યભરમાં થી મોટી સંખ્યામાં ભૂદેવો સહ પરિવાર પધારવાનાં છે.
આ કાર્યક્રમ થકી સમગ્ર ગુજરાતમાં બ્રાહ્મણ એક્તાના દર્શન થવા જઈ રહ્યા હોય ત્યારે દરેક બ્રાહ્મણ પરિવારોએ ઉપસ્થિત રહેવા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જપીન ઠાકર સાથે ધર્મેશ ગોર, સતીષ ભટ્ટ, વિજય પંડ્યા સાથે આણંદ બ્રહ્મ શક્તિ સેના ની સમગ્ર ટીમ, મહેસાણા, મહીસાગર, ખેડા બ્રહ્મ સમાજ ની ટીમે સંપૂર્ણ સાથ સહકાર આપી આયોજનને સફળ બનાવેલ છે.