AnandToday
AnandToday
Sunday, 25 Aug 2024 00:00 am
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે.-વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસ પર મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે. કોઈ પણ વ્યક્તિનું શોષણ થાય, તેને બક્ષવામાં આવવો જોઈએ નહીં.જે કોઈ પણ રીતે તેની મદદ કરે છે તે પણ બચવા જોઈએ નહીં. હોસ્પિટલ હોય, શાળા હોય, ઓફિસ હોય અથવા પોલીસ તંત્ર, જે પણ સ્થળે લાપરવાહી થતી હોય સૌનો હિસાબ થવો જોઈએ. ઉપરથી લઈને નીચે સુધી સૌને સ્પષ્ટ સંદેશો જવો જોઈએ કે આ પાપ અક્ષમ્ય છે, અરે સરકાર આવતી જાતી રહે છે પરંતુ જીવનની અને નારીની રક્ષા, એ સમાજના રુપે અને સરકારના રુપે...આપણું પરમ કર્તવ્ય છે. મહિલા પર અત્યાચાર કરનારાઓ સામે કડકમાં કડક સજા કરવા માટે અમારી સરકાર કાયદામાં ફેરફાર પણ કરી રહી છે.

હૈદરાબાદ સાયબર ક્રાઈમ સેલે ગુજરાતમાં મોટું ઓપરેશન હાથ ધર્યું ,36 લોકોની ધરપકડ

હૈદરાબાદ સાયબર ક્રાઈમ સેલે ગુજરાતમાં મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સાયબર ક્રાઈમ પોલીસે જુદા જુદા વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી હતી. અલગ અલગ ગુનાઓમાં સામેલ 36 લોકોની ધરપકડ કરી હતી. ઝડપાયેલા લોકો 3 અલગ અલગ મોડર ઓપરેન્ડીથી 983 જેટલા ઓનલાઈન ગુના આચર્યા હતા.પોલીસનાં હાથે ઝડપાયેલા લોકો ઈન્વેસ્ટમેન્ટ, ફ્રોડ અને KYC ના નામે છેંતરપીંડી કરતા હતા. તેમજ રોકાણમાંથી ઉંચું વળતરની લાલચ આપી ચિટીંગ કરતા હતા. તેમજ મની લોન્ડરિંગ થયું હોવાનું ધમકાવીને છેંતરપિંડી આચરતા હતા. તેમજ લોકોને મુંબઈ પોલીસમાં હોવાનું કહી ધમકાવી છેંતરપિંડી આચરતા હતા

સ્પેસમાં ફસાયેલી મહેસાણાની દીકરી માટે વતનમાં હોમ-હવન, પ્રાથના દોર શરૂ

નાસાએ જાહેર કર્યું છે કે અવકાશમાં ફસાયેલ સુનિતા વિલિયમ આગામી ફેબ્રુઆરી 2025 માં પરત ફરી શકે છે. અવકાશયાત્રી સુનિતા વિલિયમ અવકાશમાં અટવાઈ છે જેની સૌથી વધુ ચિંતા તેના વતનવાસીઓમાં જોવા મળી રહે છે સુનિતા વિલિયમ્સના વતન એવા મહેસાણાના ઝુલાસણ ગામે અત્યારે હોમ હવન પ્રાર્થના અને રામધૂન કરી સુનિતા વિલિયમ્સ સત્વરે સહી સલામત પરત ફરે એવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

અમેરિકામાં નેપાળી પત્નીની હત્યાના આરોપસર ગુજરાતી પતિની ધરપકડ

અમેરિકામાં ગુજરાતી નરેશ ભટ્ટ પર તેની નેપાળી પત્ની મમતાની હત્યાનો આરોપ લાગ્યો છે. 28 વર્ષની મમતા ત્રણ અઠવાડિયાથી ગુમ હતી. તેના પતિએ જ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હવે તપાસ કર્તાઓએ તેના પર જ તેની પત્નીની હત્યાનો અને તેની લાશને ઘસડીને બહાર લઇ જવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી છે.

કોલકાતા રેપ-મર્ડર કેસમાં 7 આરોપીઓનો પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો 

કોલકાતા રેપ-મર્ડર કેસમાં 7 આરોપીઓનો પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી સંજય રોયની જેલમાં પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, 4 સાથી ડૉક્ટરો, 1 વોલેન્ટિયરની સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમ દ્વારા પોલિગ્રાફી ટેસ્ટ લેવામાં આવ્યો હતો.

માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને ખતમ કરી દઈશું.-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

દેશમાં નકસલવાદ માથાનો દુખાવારુપ છે. તેઓ છાસવારે હુમલાઓ કરીને જવાનોના પ્રાણ હરતાં હોય છે. નકસલવાદને ખતમ કરવાની તાતી જરુર છે. કેન્દ્ર સરકારે હવે નકસલવાદના ખાતમાને લઈને એક ડેડલાઈન જાહેર કરી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુરમાં પત્રકાર પરિષદમાં એવું કહ્યું કે અમે માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને ખતમ કરી દઈશું.

પાકિસ્તાનમાં બે બસના અકસ્માત, ૩૭ લોકોના મોત

પાકિસ્તાનના લાહોરથી એક સાથે બે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં બે બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. એક બસ ઈરાનથી પંજાબ પ્રાંતમાં શિયા શ્રદ્ધાળુઓને પરત લાવી રહી હતી, જ્યારે બીજી બસ હવેલી કહુટાથી રાવલપિંડી તરફ જઈ રહી હતી. ૨૫ ઓગસ્ટે પાકિસ્તાનની બે બસો મોટા અકસ્માતનો શિકાર બની હતી. બે અલગ-અલગ બસ અકસ્માતમાં ૧૧ શ્રદ્ધાળુઓ સહિત ઓછામાં ઓછા ૩૭ લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા

અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે 48 પર 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો

અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે 48 પર 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. બિસ્માર રસ્તા અને ભારે વરસાદને લઈને રસ્તાઓનું ધોવાણ થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો વાહનો અહીં કલાકોથી ટ્રાફિકમાં ફસાયા છે. મોટા પ્રમાણમાં વાહનો છેલ્લા ચાર કલાકથી ટ્રાફિકમાં ફસાયા છે. રસ્તાઓનું ધોવાણ જતાં વાહનવ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે, જેને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

બનાસકાંઠાના અંબાજીમાં ૧૨ સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરૂ

બનાસકાંઠાના અંબાજીમાં ૧૨ સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાનો છે. ભાદરવી પૂનમના મેળાને લઇ આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ના પડે, યાત્રિકોની હાઇવે પર સુરક્ષા, રસ્તા પર ભરાતા વરસાદી પાણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

દેવ ડેમમાંથી 645 ક્યુસેક પાણી છોડાયું, વાઘોડિયા -ડભોઈ તાલુકાના 25 ગામોને એલર્ટ કરાયા

 દેવ ડેમમાંથી નીચાણવાસમાં 645 કયુસેક પાણી છોડતા નદીમાં પૂર આવવાના સંજોગોને કારણે વાઘોડિયા અને ડભોઈ તાલુકાના 25 ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.