AnandToday
AnandToday
Saturday, 24 Aug 2024 00:00 am
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

દિલ્હીમાં અલ કાયદાના આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 11 શકમંદોની ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અલ કાયદાના એક મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને 11 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે, જ્યારે લગભગ અડધો ડઝન લોકોની હજુ પણ પૂછપરછ ચાલી રહી છે. આ ઓપરેશન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી હાથ ધરવામાં આવ્યું હતું. અલ કાયદાના મોડ્યુલમાંથી પકડાયેલા શકમંદોમાંથી 6ની રાજસ્થાનના ભિવડીમાંથી, 4ની રાંચીમાંથી, એકની હજારીબાગમાંથી અને 4ની યુપીના અલીગઢમાંથી અટકાયત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને જન્માષ્ટમીની આપી મોટી ભેટ 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છેમુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ૪.૫ એફ.એસ.આઇસુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે. બિન અધિકૃત રહેણાંક માટે ૨૦૦૦ ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે ૧૦૦૦ ચો. મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરાશે.

વડોદરામાં રોગચાળો વકર્યો, એક મહિલાનું ડેન્ગ્યૂથી મોત

વડોદરાના વિવિધ વિસ્તારમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે.તો બીજી તરફ હોસ્પિટલમાં દાખલ કરાયેલ 38 વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત થયુ હોવાની વાત સામે આવી છે.કોલેરાના 6 શંકાસ્પદ કેસ પૈકી એક કેસ પોઝિટિવ નોંધાયો છે.ફતેગંજની 32 વર્ષીય મહિલાનો કોલેરાનો કેસ પોઝિટિવ આવ્યો છે,સાથે સાથે અત્યાર સુધી કોલેરાના કુલ 28 કેસ નોંધાયા છે. 

અમદાવાદના યુવકનું અપહરણ કરનાર વ્યાજખોરની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

અમદાવાદમાં એક વ્યક્તિએ 35 હજાર રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા. જેની સામે મુડી અને વ્યાજ પેટે પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાંય વ્યાજખોરે વધુ 40 હજાર માગીને યુવકનું અપહરણ કર્યુ હતું. અમદાવાદના વસ્ત્રાપુરમાં યુવકનું અપહરણ કરનાર વ્યાજખોરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. યુવકે બાઇકના હપ્તા ભરવા માટે વ્યાજખોર પાસેથી 35 હજાર રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા, જેની સામે તેને મુડી અને વ્યાજ પેટે પૈસા ચૂકવી દીધા હતા, તેમ છતાંય વ્યાજખોરે વધુ 40 હજાર માંગીને યુવકનું અપહરણ કર્યુ હતું.

કાચા કામના કેદીઓ માટે ખુશીના સમાચાર,
એક - તૃતિયાંશ સજા કાપી ચુકેલા અંડરટ્રાયલ કેદીઓને મુકત કરવા સુપ્રિમ કોર્ટનો આદેશ

ગુનો સાબીત થયા વિના જેલમાં કેદ અંડરટ્રાયલ ગુનેગારોની મુકિત વિશે સર્વોચ્ચ અદાલતે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે નવા ભારતીય નાગરીક સુરક્ષા સંહીતાની કલમ 479 હેઠળ પ્રથમ વખત ગુનો આચરનારા અંડરટ્રાયલ આરોપીઓ ગુનાની મહતમ સજાનો એક તૃતિયાંશ સમય જેલમાં વિતાવ્યો હોય તો તેને જેલમુકત કરવાની જોગવાઈ છે.આ જોગવાઈ પાછલી અસરથી લાગુ કરવાનો નિર્દેશ સર્વોચ્ચ અદાલતે આપ્યો છે.

અમદાવાદમાં લૂંટેરી પુત્રવધૂનો કિસ્સો સામે આવ્યો

લૂંટેરી દુલ્હનના કિસ્સા તો સાંભળ્યા હશે પરંતુ અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં તો લૂંટેરી પુત્રવધૂનો કિસ્સો સામે આવ્યો છે. મેઘાણીનગર વિસ્તારમાં રહેતી બે બાળકોની માતાએ દીકરાઓ મોટા થઈ ગયા છે. ઘરમાં રહેવાની અગવડ પડી રહી છે તેમ કહીને સસરાનું મકાન વેચીને બીજું નવું મકાન લઈને મકાનના રૂપિયા તથા સોના-ચાંદીના દાગીના લઈને પુત્રવધૂ રફૂચક્કર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.

રાજસ્થાનના સુંધા માતાના મંદિરે આભ ફાટ્યું: 5 પ્રવાસી તણાયા, એક મહિલાનું મૃત્યુ

ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.પર્વત પરથી વહેતા ધોધમાં 5 પ્રવાસીઓ તણાયા હતાં તથા માતાના દર્શને આવેલી એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે.

બિહારમાં ગંડક નદીમાં બોટ પલ્ટી 6 લોકો ડૂબ્યા, SDRFનું સર્ચ ઓપરેશન

બિહારના પશ્ચિમ ચંપારણના બગાહા ખાતે ગંડક નદીમાં એક બોટ પલટી જતાં તેમાં સવાર છ લોકો ડૂબી ગયા છે. પાણીના વહેણમાં દરેક વ્યક્તિ ગુમ છે. ઘટના બાદ આ વિસ્તારમાં ભયનો માહોલ છવાયેલો છે. બોટ પલટતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. SDRFની ટીમ સ્થાનિક તરવૈયાઓની સાથે મળીને છ લોકોની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી

આગાહીકારો સાથે હવામાન વિભાગે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવશે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને 'ગિફ્ટમાં' સસ્પેન્શન મળ્યું

ટુંબિક ભત્રીજીને પ્રેમ કરનારા અને ભાગી જઈને લગ્ન કરનારા બેગુસરાયના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને 'ગિફ્ટમાં' સસ્પેન્શન મળ્યું છે. ૧૨ ઑગસ્ટે શિવશક્તિ કુમારને તેમની કૌટુંબિક ભત્રીજી ઑફિસમાં મળવા આવી હતી. એ પછી બન્ને ગુમ થઈ ગયાં હતાં. પછીથી જાણવા મળ્યું કે બન્નેએ લગ્ન કરી લીધાં છે. યુવતીના પરિવારજનોએ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં આવીને પૂછપરછ કરી ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનાં કરતૂત જાણવા મળ્યાં.કોઈ જ કારણ આપ્યા વિના ગુમ થઈ ગયેલા શિવશક્તિ કુમારે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે અને લોકસેવકના આચરણ પ્રત્યે અશોભનીય કૃત્ય કર્યું છે એવું ઠેરવીને વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા છે.

૨૪ વર્ષમાં માત્ર પાંચ જ બળાત્કારીઓને ફાંસીની સજા

એનસીઆરબીના ડેટા અનુસાર, બળાત્કારના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ હોવા છતાં ૨૪ વર્ષમાં માત્ર પાંચ બળાત્કારીઓને જ ફાંસીની સજા આપવામાં આવી છે.૨૦૦૪માં ધનંજય ચેટરજીને ૧૯૯૦ના રેપ કેસમાં ફાંસી આપવામાં આવી હતી. યારે, માર્ચ ૨૦૨૦ માં, નિર્ભયાના ચાર દોષિતો - મુકેશ, વિનય, પવન અને અક્ષયને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.એટલું જ નહીં, બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવાનો દર માત્ર ૨૭ થી ૨૮ ટકા છે. એટલે કે બળાત્કારના ૧૦૦માંથી માત્ર ૨૭ કેસમાં જ આરોપી દોષિત સાબિત થાય છે, બાકીના કેસમાં તે નિર્દેાષ છૂટી જાય છે.

સમાચારમાં આપેલ તસવીર - પ્રતિકાત્મક સોર્સ ગૂગલ