AnandToday
AnandToday
Friday, 23 Aug 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 24 ઓગસ્ટ : 24 AUGUST
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર

"જય જય ગરવી ગુજરાત" ના રચયિતા કવિ નર્મદાશંકર દવેનો આજે જન્મદિવસ

ગુજરાતી સાહિત્યના શૌર્યરસનાં કવિ, પ્રસિદ્ધ નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદ લેખક, પિંગળકાર, કોશકાર, પત્રકાર, સંપાદક અને સંશોધક નર્મદ (નર્મદાશંકર લાભશંકર દવે)નો સુરતમાં જન્મ (1833)
અર્વાચીન સાહિત્યયુગનાં આદિપુરુષ કવિ નર્મદે ‘જય જય ગરવી ગુજરાત’ રચનામાં ગુજરાતનો અમૂલ્ય વારસો અને એની ભવ્યતાને સમાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા, વ્યાકરણ, નાટકો આપીને નર્મદે ગુજરાત અને ગુજરાતી સાહિત્યની અમૂલ્ય સેવા કરી છે
‘સહુ ચાલો જીવતા જંગ બ્યૂગલો વાગે,
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.’

પૂર્વ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ મંત્રી અને એડવોકેટ અરુણ જેટલીનું નવી દિલ્હીમાં અવસાન (2019)

* ભારતીય મહિલા ક્રિકેટર (1 ટેસ્ટ, 58 વનડે અને 72 ટી-20 રમનાર) પૂનમ યાદવનો મણિપુર રાજ્યમાં જન્મ (1991)

* બોમ્બે રાજ્ય (હાલનું મહારાષ્ટ્ર અને ગુજરાત)ના બીજા મુખ્યમંત્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત બાળાસાહેબ ગંગાધર ખેરનો રત્નાગીરી ખાતે જન્મ (1888)

* ક્રાંતિકારી શિવરામ હરી રાજગુરુનો મહારાષ્ટ્રમાં જન્મ (1908)
ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુએ મળીને 1928માં લાલા લાજપત રાયની હત્યાનો બદલો લેવા માટે સોન્ડર્સની હત્યા કરી તે મામલે ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ હતી

* પદ્મશ્રી, રાષ્ટ્રીય પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત સંગીતકાર બાંધવબેલડી કલ્યાણજી-આણંદજી પૈકીના કલ્યાણજીભાઈનું અવસાન (2000)
‘નાગીન’ (1954)થી બોલિવૂડમાં સફળ શરૂઆત બાદ કારકિર્દી દરમિયાન 250થી વધુ ફિલ્મોમાં સંગીત આપનાર આ સંગીતકાર જોડીની યાદગાર ફિલ્મોમાં હિમાલય કી ગોદ મૈ, બૈરાગ, જબ જબ ફૂલ ખીલે, હાથ કી સફાઈ, કોરા કાગઝ, ઉપકાર, વિધાતા, ગંગા કી સૌગંધ, સચ્ચા જૂઠા, ધર્માત્મા, સરસ્વતીચંદ્ર, ડોન, કુરબાની, મુકદ્દર કા સિકંદર, લાવારીસ, ત્રિદેવ વગેરેનો સમાવેશ થાય છે
કલ્યાણજી-આણંદજી એ ‘કલ્યાણજી વીરજી એન્ડ પાર્ટી’ નામની ઓરકેસ્ટ્રા શરૂ કરી હતી

* ભારતનાં સમાજ સુધારક અને ઈતિહાસકાર સર રામકૃષ્ણ ગોપાલ ભંડારકરનું મુંબઈમાં અવસાન (1925)
હૈદરાબાદ અને રત્નાગીરીની શાળાઓમાં હેડમાસ્ટર તરીકે કામ કર્યા બાદ, તેમને એલફિન્સ્ટન કોલેજમાં લેક્ચરર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પુણે ડેક્કન કોલેજ ખાતે સંસ્કૃતના પ્રથમ ભારતીય પ્રોફેસર બન્યાં હતાં. ભંડારકર 1894માં મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિવૃત્ત થયા હતાં

* પદ્મશ્રી અને સંગીત કલા એકેડેમી એવોર્ડથી સન્માનિત તથા ઓડિસી નૃત્યને ઓળખ અપાવનાર સર્મિપત નૃત્યાંગના સંજુક્તા પાણિગ્રહીનો ઓડિસામાં જન્મ (1944)

* રાષ્ટ્રવાદી નેતા, સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક કોયાપલ્લી કેલપ્પન નાયરનો કેરળ રાજ્યમાં જન્મ (1889)

* નોબેલ વિજેતા વિજ્ઞાની આલ્બર્ટ ક્લૌડનો બેલ્જિયમમાં જન્મ (1909)
સજીવોનાં શારીરિક બંધારણમાં પાયાનો ભાગ ભજવતાં કોષોને લગતાં સંશોધનો માટે ક્રિશ્ચિયન ડી ડ્યુ અને જ્યોર્જ એમિલ પેલાડ સાથે આલ્બર્ટ ક્લૌડ એ મેડિસિનનાં ક્ષેત્રનું નોબેલ પારિતોષિક મેળવ્યું હતું

* માનવ કલ્યાણ અને રાજકારણનો સમન્વય સાધનાર ‘ગુલામોનાં મુક્તિદાતા’ વિલિયમ વિલ્બરફોર્સનો ઈંગ્લેન્ડમાં જન્મ (1759)
ગુલામી પ્રથા નાબૂદ થાય તે માટે બિલ પસાર કરવા મથતા બ્રિટિશ સાંસદ વિલિયમ વિલ્બરફોર્સને સતત પ્રયાસો પછી 18 વર્ષે સફળતા મળી અને સંસદમાં બિલ પસાર થયું હતું

* તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનેત્રી, મોડેલ અને નિર્માતા અંજલિ દેવીનો આંધ્રપ્રદેશમાં જન્મ (1927)

* તમિલ કવિ અને સ્વતંત્રતા સેનાની વેંકટરામ રામલિંગમ (વી. રામલિંગમ પિલ્લઈ)નું ચેન્નાઇ ખાતે અવસાન (1972)

* તમિલ સુપરસ્ટાર અભિનેતા વિજયની માતા અને પ્લેબેક ગાયક, દિગ્દર્શક, લેખક તથા નિર્માતા શોબા ચંદ્રશેખરનો જન્મ (1948)

* દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પ્લેબેક સિંગર અને ડબિંગ કલાકાર ગીથા માધુરીનો આંધ્રપ્રદેશમાં જન્મ (1989)

* હિન્દી ટેલિવિઝન અભિનેતા અભિષેક મલિકનો નવી દિલ્હી ખાતે જન્મ (1990)

* ટીવી સિરિયલ ગંગામાં ગંગા શુક્લા અને સિલસિલા બદલતે રિશ્તો કામાં મૌલીના પાત્ર માટે જાણીતી ટીવી અને ફિલ્મ અભિનેત્રી અદિતિ દેવ શર્માનો લખનૌ ખાતે જન્મ (1983)

* ભારતનાં 4થા રાષ્ટ્રપતિ તરીકે વી.વી.ગીરીએ શપથ લીધા (1969)
તેઓ 24 ઑગસ્ટ, 1974 સુધી આ પદ પર રહ્યાં હતાં

* ભારતનાં 5મા રાષ્ટ્રપતિ તરીકે ફખરુદ્દીન અલી અહેમદએ શપથ લીધા (1974)
તેઓ 11 ફેબ્રુઆરી, 1977 સુધી આ પદ પર રહ્યાં હતાં

>>>> આપણને જો દરેક વાતને ઇમોશન્સના માધ્યમથી જ જોવા-અનુભવવાની ટેવ પડી ગઈ હોય, તો આપણી હાલત પોપકોર્ન મશીનમાં ભરાઈ ગયેલા મકાઈના દાણા જેવી થાય; સતત ફૂટતા જ રહેવું પડે - એ વ્યક્તિ તડતડિયો બની જાય છે. આપણે આપણી આજુબાજુમાં જે થાય છે, તેનું નિયંત્રણ નથી કરી શકતા, પણ એમાં આપણે શું કરવું તે ચોક્કસ આપણા હાથની વાત છે. ઇમોશન્સ હોવાં એ માણસ હોવાની નિશાની છે, પરંતુ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે પણ એટલું જ જરૂરી છે. ઇમોશન્સ આપણા ગુલામ હોવા જોઈએ, આપણે ઇમોશન્સના નહિ. ઇમોશન્સ એટલે એનર્જી. દુનિયામાં લોકોએ તેમની ઇમોશનલ એનર્જીને બીજી દિશામાં વાળીને અસાધારણ અને અવિશ્વસનીય કામો કર્યાં છે. 

સંકલન : વિજય એમ. ઠક્કર