AnandToday
AnandToday
Thursday, 22 Aug 2024 18:30 pm
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

ગુજરાતના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકશાની બદલ સહાય પેકેજ જાહેર કર્યું છે.350 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાન બદલ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.SDRFના નિયમો ઉપરાંત સરકારે પોતાના ભંડોળની જાહેરાત કરી છે. બિન પિયત ખેતી પાકના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 11 હજાર પ્રતિ હેકટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવાશે. પિયત પાકોના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 22 હજાર પ્રતિ હેકટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવાશે. પાકોના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 22500 પ્રતિ હેક્ટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવશે.

આરોપી સંજય રોય 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર

કોલકાતા બળાત્કાર અને હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયને શુક્રવારે સિયાલદાહ કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટની રાત્રે એક તાલીમાર્થી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી. હોસ્પિટલના ઈમરજન્સી બિલ્ડિંગના સેમિનાર હોલમાંથી મૃતક ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો.કોલકાતા પોલીસે દુષ્કર્મ અને હત્યાના આરોપમાં કોલકાતા પોલીસના સિવિક વોલન્ટિયર સંજય રોયની ધરપકડ કરી છે .શુક્રવારે સીબીઆઈએ તેને કોલકાતાની સિયાલદહ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે સંજય રોયના 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડનો આદેશ આપ્યો છે. તેને કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં રાખવામાં આવ્યો છે.

નેપાળમાં ભારતીય મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી, 14ના મોત

નેપાળમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. 40 ભારતીયોને લઈ જતી બસ નદીમાં પડી હતી. બચાવ કાર્ય ચાલુ છે. જેમાં 14 લોકો માર્યા ગયા છે. નેપાળ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે 40 લોકોને લઈને જતી એક ભારતીય પેસેન્જર બસ તનાહુન જિલ્લામાં માર્સ્યાંગડી નદીમાં પડી છે.જિલ્લા પોલીસ કચેરી તનાહુનના ડીએસપી દીપકુમાર રાયાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.

શનિવારે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર

શનિવારે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદ આવી રહ્યો છે. આઈએમડી દ્વારા 24થી 26 ઓગસ્ટ સુધી અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

કંગના રણોતની ફિલ્મ 'ઈમરજન્સી' પર પ્રતિબંધ મૂકવા શીખ સંગઠનોની માગણી

લોકસભામાં સાંસદ બન્યા પછી કંગના રણોતની પહેલી ફિલ્મ ઈમરજન્સી રિલીઝ થવાની તૈયારીમાં છે. કંગનાએ લોકસભા ચૂંટણીના પગલે ફિલ્મની રિલીઝ અટકાવી હતી, પરંતુ હવે તેણે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. કંગનાની 'ઈમરજન્સી'નું ટ્રેલર લોન્ચ થતાં જ વિવાદની શરૂઆત થઈ ગઈ છે. અકાલ તખ્ત અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી જેવી શીખ સંસ્થાઓએ કંગનાની આ ફિલ્મ સામે વાંધો ઊઠાવ્યો.શીખ સમાજને ખોટી રીતે રજૂ કરાયો હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી થઈ છે.

ગોધરા સીટી સરવે સુપરિટેન્ડન્ટ આઠ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

ગોધરા સીટી સરવે સુપરિટેન્ડન્ટ બી.સી.માલીવાડને મહીસાગર એસીબીએ આઠ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા છે. અરજદારની વેચાણ નોંધ મંજૂર કરવાની કામગીરી પેટે લાંચની માંગણી કરી હતી જેથી અરજદારે એસીબીમાં ફરિયાદ કરી હતી અને બી.સી માલીવાડને તેઓની કચેરીમાં જ લાંચ લેતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

જન્માષ્ટમી પહેલા સોનાના ભાવમાં થયો જોરદાર ઘટાડો

જન્માષ્ટમી પહેલા સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે સારા સમાચાર છે. બુલિયન માર્કેટ મુજબ આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સોનું ગઈકાલની સરખામણીએ 500 રૂપિયા સસ્તું થઈ ગયું

ગુજરાતન ચાર સ્પેશ્યાલિસ્ટ તબીબો અનિશ્ચિતકાળ સુધી સસ્પેન્ડ

ગુજરાત રાજ્યની મેડીકલ રેગ્યુલેટરી બોડી ગુજરાત મેડીકલ કાઉન્સિલે સખ્ત પગલાં લીધા છે. ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા રાજ્યના ચાર સ્પેશ્યાલિસ્ટ તબીબોને અનિશ્ચિતકાળ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરાના ડૉ. વિલ્યેશ ઘેટિયા અને ડૉ. મનાલી ઘેટિયા, હિંમતનગરના ડૉ. પલ્લવ પટેલ અને વેરાવળના ડૉ પ્રવીણ વૈન્સના લાયસન્સ બેદરકારી, ગેરરીતી, ગેરશિસ્ત જેવા કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રોકેટ હુમલાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન; 11 પોલીસકર્મીઓના મોત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગઈકાલે રાત્રે પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો લૂંટારાઓએ કર્યો હતો, જેમણે પોલીસકર્મીઓ પર રોકેટ હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર પણ કર્યો હતો. હુમલામાં 11 પોલીસકર્મીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને તેમને બંધક બનાવી લીધા છે.આ હુમલો લાહોરથી લગભગ 400 કિમી દૂર રહીમ યાર ખાન જિલ્લામાં થયો હતો

સરકારે તાવ, શરદી માટે વપરાતી પેરાસિટામોલ સહિત 156 દવાઓ પર લગાવ્યો પ્રતિબંધ

સરકારે તાવ, શરદી, એલર્જી અને પીડા માટે ઉપયોગમાં લેવાતી 156 સામાન્ય દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આમાંની ઘણી દવાઓ એન્ટીબેક્ટેરિયલ છે અને તેને ફિક્સ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે કહ્યું કે આ દવાઓ મનુષ્યો માટે ખતરો બની શકે છે.

ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યો,નડિયાદમાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠા જિલ્લાના વડગામમાં 112 મિ.મી (4.4 ઈંચ) વરસાદ વરસ્યો છે. આ સિવાય ખેડાના નડિયાદમાં 96 મિ.મી. (પોણા 4 ઈંચ) અને મહુધામાં 92 મિ.મી. (સાડા 3 ઈંચ) જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે.આ સિવાય અમરેલીના બગસરામાં 91 મિ.મી., ગાંધીનગરના દહેગામમાં 80 મિ.મી., નર્મદાના સાગબારામાં 78 મિ.મી., ખેડાના કપડવંજમાં 63 મિ.મી, સાબરકાંઠાના પોશીનામાં 62 મિ.મી., સુરતના ઉમરપાડામાં 61 મિ.મી તેમજ પંચમહાલના કાલોલમાં 60 મિ.મી વરસાદ ખાબક્યો છે.