વડોદરામાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ રહેણાંક વિસ્તારોમાં મગરો સંતાકૂકડી રમી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જુદા જુદા વિસ્તારોમાં ચાર મગરોએ દેખા દેતા લોકો ભયભીત થઈ ગયા હતા. આ પૈકી ત્રણ મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કારેલીબાગ વિસ્તારની વર્ધમાન સોસાયટીમાં મહાકાય મગર ધસી આવતા નાસભાગ મચી હતી.
બિહારના ગોપાલગંજમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાણેજના પ્રેમમાં પાગલ થયેલી મામીએ પોતાના પતિને છોડી દીધો હતો. બાદમાં ભાણેજ સાથે ભાગીને લગ્ન કરી લીધા. બંનેએ લગ્ન કર્યા હોવાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા પરિવારને મળી હતી. કહેવાય છે કે ત્રણ વર્ષથી બંને વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. આ મામલો કુચાયકોટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બેલવા ગામનો છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે.2 દિવસ દરમિયાન મુકુલ વાસનિક કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાતના કોંગ્રેસના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. 16, 17 તારીખે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવશે. 17 તારીખે વિવિધ સેલના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.
આણંદ તાલુકાના વઘાસી ગામની સીમમાં બેડવા બ્રીજની બાજુમાં સવશાંતિ વન્ડર લેન્ડ પાર્ટી પ્લોટની આગળ ગત તા.૧૦ મી ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ બેડવા ગામના આધેડવયના અરવિંદભાઇ મગનભાઈ પટેલની ધાતકી હત્યા કરાયેલ લાશ આણંદ રૂરલ પોલીસને મળી આવી હતી . પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અને અરવિંદ પટેલના હત્યારા જાવેદ મહંમદભાઇ મલેક રહે.કજણરી, તા.નડીઆદની ધરપકડ કરી છે .હત્યાનો ભોગ બનનાર બેડવાના અરવિંદ પટેલને બોરીઆવીની જીગ્ના રાઠોડ નામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો .જીગ્ના રાઠોડના નવા પ્રેમી જાવેદ મલેકને આ વાતની જાણ થતા તેણે જીગ્ના રાઠોડના જુના પ્રેમી અરવિંદભાઈ પટેલને ચર્ચા કરવાના બહાને ઘરેથી એક્ટીવા ઉપર બેસાડીને લઈ ગયા બાદ ચપ્પાના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. પકડાયેલ આરોપી જાવેદ મહંમદભાઇ મલેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરૂદ્ધ ચકલાસી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૪/૨૦૧૯ અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે.
ભાવનગરના મહુવામાં કુખ્યાત બુટલેગર હબીબ દોઢિયાની તેના ઘરમાં જ ઘૂસીનેને ઘાતકી હત્યા કરી આરોપી નાસી છૂટતા સનસનાટી સાથે ચકચાર મચી જવા પામી છે. મૃતક નામચીન શખ્સ એ ઉનાની એક યુવતીને ઘરમાં બેસાડી હોય આ યુવતીના પ્રેમીએ મોડી રાત્રીના ત્રણ વાગ્યે આવી કુહાડીના આડેધડ ધા ઝીંકી કરપીણ હત્યા કરી નાખ્યાનું ખુલવા પામેલ છે.
મહારાષ્ટ્રના 17 લાખ સરકારી કર્મચારીઓ તેમની વિવિધ માગણીઓ માટે 29મી ઓગસ્ટથી બેમુદત હડતાલ ઉપર જશે. રાજ્યના સરકારી કર્મચારીઓની આ હડતાલને કારણે લોકોએ પારાવર મુશ્કેલીનો સામનો કરવો પડે એવી શક્યતા છે.રાજ્ય સરકારી કર્મચારી સંગઠનની પગલાં સમિતીની આજે યોજાયેલી બેઠકમાં બેમુદત હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવતા મહિને ગણેશોત્સવ આવી રહ્યો છે, એટલે સરકારી કર્મચારીઓને હડતાલ પર ઉતરતા અટકાવવા શિંદે સરકારે પ્રયાસ કરવો પડશે.
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 થી વધુ માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. જે સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે IAS અધિકારી વિનોદ રાવ તેમજ એચ.એસ.પટેલને જવાબદાર ઠેરવ્યા હતા. હાઈકોર્ટ દ્વારા બંને IAS અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા બાદ સરકારે પણ બંને બંને IAS ને નોટીસ ફટકારતા અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે.
શિક્ષકો માટે જૂની પેન્શન યોજના મુદ્દે શૈક્ષિક મહાસંઘ દ્વારા 16 ઓગસ્ટે મહાઆંદોલન કરવામાં આવશે. તાજેતરમાં મહાસંઘની કારોબારીમાં આંદોલન કરવાનું નક્કી કરાયું હતું. ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે યોજાનારા આ મહાઆંદોલનના દિવસે જ આગળના આંદોલનની રણનીતિ પણ ઘડવાનું નક્કી કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા થયેલા સમાધાન અનુસાર અત્યાર સુધી જૂની પેન્શન યોજનાને લઈને ઠરાવ બહાર પાડવામાં આવ્યો ન હોવાથી શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો.
રાજસ્થાનમાં રવિવારે સતત મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મૃત્યુ જયપુર, ભરતપુર અને ઝુનઝુનુ જિલ્લામાં થયેલા અલગ-અલગ અકસ્માતોમાં ડૂબી જવાથી થયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં જયપુર, ભરતપુર, સવાઈ માધોપુર, કરૌલી અને ધોલપુરનો સમાવેશ થાય છે.
15મી ગુજરાત વિધાનસભાનું આગામી પાંચમું સત્ર ત્રણ દિવસનું રહેશે. ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય સત્ર 21 થી 23 ઓગસ્ટ દરમિયાન મળશે.ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે અન્ય કામો સાથે શોકનો ઉલ્લેખ, અને સરકાર દ્વારા ખસેડવામાં આવેલા બિલોની ચર્ચા અને પસાર કરવામાં આવશે.
એક ગુજરાતતીએ તેના ચાઇનીઝ સહયોગી સાથેબે વૃદ્ધ અમેરિકન યુગલોની જીવન બચતને સોનામાં ફેરવીને છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. વાસ્તવમાં હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન (HSI)ના અધિકારીઓ દ્વારા આશરે $1.4 મિલિયનની છેતરપિંડીના આરોપમાં ગુજરાતના હર્મિશ પટેલ અને ચીનના વેનહુઇ સુનની ધરપકડ કરવામાં આવી છે. હાલ બંનેની ઓપરેશનલ પહોંચની તપાસ કરવામાં આવી રહી છે.આ ફ્રોડમાં અત્યાર સુધીમાં કુલ 14 લાખ ડોલર (લગભગ 11 કરોડ 75 લાખ)થી વધુની છેતરપિંડી થઈ છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવારની NCP ને મોટો ઝટકો લાગ્યો છે. NCP નેતા માણિકરાવ સોનવલકર ભાજપમાં જોડાયા છે. મણિકરાવ સોનવલકર રાજ્ય ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપના નેતાઓએ સોનવલકરને ભાજપમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. તેમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમા ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.