AnandToday
AnandToday
Thursday, 08 Aug 2024 18:30 pm
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

ભાજપના ભ્રષ્ટાચારના ઘડા સાથે મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળી 

કોંગ્રેસ દ્વારા આજથી ગુજરાત ન્યાયયાત્રાની શરૂઆત મોરબીથી કરવામાં આવી છે. ગુજરાતના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ જેવી ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે આજથી શરૂ થયેલી આ યાત્રા 23 ઓગસ્ટે ગાંધીનગર ખાતે પુરી થશે.દરરોજ આ યાત્રામાં 100 લોકો 20-25 કિલોમીટર પદયાત્રા કરશે. આજે આ યાત્રાની શરૂઆત દરબારગઢ ખાતેથી થઇ હતી. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો હાજર રહ્યા હતા.

વડોદરા એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રોગચાળો વકર્યો,10 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી

વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રોગચાળો ફેલાયો છે. ગર્લ્સ હોસ્ટેલમાં રોગચાળો ફેલાવાના કારણે 10 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી છે. વિદ્યાર્થિનીઓની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.એમ. એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રોગચાળો ફેલાયા બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હતું. તંત્ર દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં ફોગીંગ કરવામાં આવ્યું છે.

શાકભાજીના રાજા ગણાતા રીંગણનો ભાવ 100ને પાર થયો

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે શાકભાજીનો ભાવ આસમાને શાકભાજીના રાજા ગણાતા રીંગણનો ભાવ પણ 100ને પાર થયો છે. તુવેર, કંકોડા, તથા વટાણા 200 રૂપિયે કિલોએ વેચાય છે. ગ્રામીણ વિસ્તારમાં રીંગણનો ભાવ 150 રૂપિયે કિલોએ પહોચ્યો છે.જેને લઇને ગરીબ અને મધ્યમવર્ગના બજેટ ખોરવાયા છે. 

બ્રિટન - ફૅમિલી વિઝા માટે હવે વાર્ષિક આવકની મર્યાદા 41 લાખથી ઘટાડીને 30 લાખ કરાઈ

બ્રિટનની નવી લેબર સરકારે પ્રવાસી ભારતીય પ્રોફેશનલ્સના પક્ષમાં મહત્ત્વનો નિર્ણય લીધો છે. ફૅમિલી વિઝા માટે હવે વાર્ષિક આવકની મર્યાદા 41 લાખથી ઘટાડીને 30 લાખ કરી દેવાઈ છે. આ નિર્ણયને પગલે બ્રિટનમાં રહેનારા 50 હજારથી વધુ ભારતીય પ્રોફેશનલ્સને લાભ થશે. અગાની ઋષિ સુનક સરકારે પ્રવાસીઓની સંખ્યા ઘટાડવા માટે આવકમર્યાદા 30 લાખથી વધારીને 41 લાખ કરી હતી.

દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા17 મહિના પછી જેલમાંથી બહાર આવશે.

સુપ્રીમ કોર્ટે દારૂ નીતિ કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. કોર્ટે શરતો લાદી અને તેને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા નિર્દેશ આપ્યો. હવે સિસોદિયા 17 મહિના પછી જેલમાંથી બહાર આવી શકે છે.દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી સિસોદિયાને એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન મળી ગયા છે.

લ્યો વાત કરો... વર્ષમાં એક વખત અમેરિકાથી ગુજરાત આવે છે આ શિક્ષિકા, છતાં તંત્ર પગાર ચૂકવે છે...

ગુજરાતના બનાસકાંઠાના અંબાજીની પાંછા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા ભાવનાબેન પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ છે. ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકાના શિકાગો ખાતે શિફ્ટ થયા છે. તેમ છતાં અંબાજીની શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ભાવનાબેન પટેલનું નામ ચાલી રહ્યું છે. સાથે જ તેમનો પગાર પણ વિભાગ દ્વારા ચૂકવવામાં આવી રહ્યો છે.બીજી તરફ, વાલીઓ અને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

ISIS મોડ્યુલનો સૌથી કુખ્યાત આતંકવાદી રિઝવાન ઝડપાયો

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને 15 ઓગસ્ટ પહેલા મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે ISIS મોડ્યુલના આતંકવાદીની ધરપકડ કરી છે. આતંકીની ઓળખ રિઝવાન અલી તરીકે થઈ છે. રિઝવાન દિલ્હીના દરિયાગંજનો રહેવાસી છે. NIAએ રિઝવાન પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. રિઝવાન અને તેના સાથીઓએ દિલ્હીના અનેક VIP વિસ્તારોની તપાસ કરી હતી. તપાસ એજન્સી NIAએ આતંકી રિઝવાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ દર્શાવ્યો

વડોદરાની વિશ્વા વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટના પરિણામ 60 દિવસ વિતી ગયા હોવા છતાં આવ્યા નથી. જેથી આજે વિદ્યાર્થીઓ ભારે આક્રમક મોડમાં જોવા મળ્યા છે. આજે ડિન ઓફીસ બહાર :રઘુપતિ રાઘવ રાજા રામ ડીન કો સદબુદ્ધિ દે ભગવાન' ની ધુન બોલાવીને અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

કોંગ્રેસ પાર્ટીના તમામ 99 સાંસદોને ગેરલાયક ઠેરવવા -PIL 

લોકસભા ચૂંટણીમાં સરકાર બને તો દર મહિને સાડા આઠ હજાર રૂપિયા આપવાનો કોંગ્રેસ પાર્ટીનો વાયદો હવે કાયદાની કસોટી પર ચકાસાશે. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલ એ નિવેદનના આધારે દાખલ કરવામાં આવી છે કે પૈસા સીધા ખાતામાં ટ્રાન્સફર થાય છે.અરજીમાં કોંગ્રેસ પાર્ટીના તમામ 99 સાંસદોને ગેરલાયક ઠેરવવા, પાર્ટીનું ચૂંટણી ચિન્હ જપ્ત કરવા અને પાર્ટીની નોંધણી રદ કરવાની માંગણી કરવામાં આવી છે

GTU ના 290 વિદ્યાર્થીઓનું પરિણામ રદ

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિર્સિટી (GTU) દ્વારા લેવાયેલી સમર એકઝામમાં ગેરરીતિ કરતાં કુલ 341 વિદ્યાર્થી ઝડપાયાં હતા. આ વિદ્યાર્થીઓનું GTU દ્વારા હાથ ધરાયેલ રૂબરૂ હિયરીંગમાં કુલ 332 વિદ્યાર્થીઓને જુદા-જુદા લેવલની સજા ફટકારવામાં આવી છે. જ્યારે 9 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જે સજા થઈ છે એમાં 290 વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરાયું છે.