કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં ભારે હોબાળા વચ્ચે વક્ફ સંશોધન બિલ 2024 રજૂ કર્યું હતું. સરકારે બિલ રજૂ કર્યા બાદ કોંગ્રેસે કહ્યું કે આ બિલ દ્વારા સમાજમાં ભાગલા પાડવાની કોશિશ થઈ રહી છે. આ બિલ દ્વારા વકફ એક્ટમાં અનેક ફેરફારો થશે. વકફ કાનૂન 1995નું નામ બદલીને એકીકૃત વકફ પ્રબંધન, સખતીકરણ, દક્ષતા અને વિકાસ અધિનિયમ, 1995 હશે. લોકસભામાં કોંગ્રેસે કહ્યું હતું કે આ બંધારણ પર હુમલો છે.કિરેન રિજિજુએ કહ્યું - કેટલાક લોકોએ વક્ફ બોર્ડ પર કબજો જમાવ્યો, કોંગ્રેસની ભૂલને સુધારી રહ્યા છીએ
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આ માહિતી તેમના દીકરા સુચેતન ભટ્ટાચાર્યએ આપી હતી. બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ લાંબા સમય સુધી બંગાળ પર શાસન કર્યું. બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું કોલકાતાના બાલીગંજમાં તેમના પામ એવન્યુ નિવાસસ્થાને અવસાન થયું. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓથી પીડિત હતા. તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.
વંદે ભારત ટ્રેનને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હવે દેશમાં પહેલી વાર 20 કોચની વંદે ભારત ટ્રેન દોડશે. હાલ અમદાવાદ મુંબઇ વચ્ચે 16 કોચની 2 વંદે ભારત ટ્રેન દોડી રહી છે. બંને ટ્રેનો 100 ટકા પેસેન્જર સાથે અવર જવર કરી રહી છે. જેને ધ્યાને રાખી 20 કોચની વંદે ભારત ટ્રેન દોડાવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે નવ રાજ્યોમાં ખાલી પડેલી રાજ્યસભાની 12 બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ પેટાચૂંટણી 3જી સપ્ટેમ્બરે યોજાશે. રાજ્યસભાના 10 સાંસદો તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા છે, જેના કારણે આ 10 બેઠકો ખાલી પડી છે.જેમાં અસામની બે, બિહારની બે, મહારાષ્ટ્રની બે અને હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓરિસ્સાની એક-એક સીટ સામેલ છે.
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસમાં આજે સામાન્ય વધારો થયો છે. અને રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-161 કેસો થઈ ગયા છે. આ સાથે જ જીવલેણ ચાંદીપુરા વાઈરસથી રાજ્યમાં વધુ એક દર્દીનું મોત થતા કુલ મૃત્યુઆંક વધીને 72 પર પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.
વડાપ્રધાન મોદી 10 ઓગસ્ટે કેરળના વાયનાડ જશે. તે હવાઇ યાત્રા દ્વારા સર્વે કરશે અને સ્થિતિની સમીક્ષા કરશે. મહત્ત્વપૂર્ણ છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ 400થી વધુ લોકોના મોત થયા છે.કેરળના વાયનાડમાં 29 જુલાઇની મોડી રાત્રે ભૂસ્ખલનમાં મૃતકોની સંખ્યા 413 પહોંચી ગઇ છે. દૂર્ઘટનામાં ગાયબ લોકોને શોધવાનું કામ હજુ પણ ચાલુ જ છે.
જાપાનમાં ફરી એકવાર ભૂકંપથી લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ગુરુવારે દક્ષિણ જાપાનમાં ફરી 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અનેક શહેરોમાં તેના આંચકા અનુભવાયા છે.ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી જાહેર કરી છે. સુનામી 07:50 GMT વાગ્યે દક્ષિણ જાપાનમાં ત્રાટકે તેવી ધારણા છે. જાપાનના હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે.
દેશભરના અલગ અલગ રાજ્યોમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ ઓઇલની પાઇપ લાઇનમાં પંકચર કરી 400 કરોડથી પણ વધુના ઓઇલ ચોરી કૌભાંડના માસ્ટરમાઇન્ડની સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે. આરોપી અને તેની ગેંગ દ્વારા અગાઉ રાજસ્થાન ખાતે બંધ પેટ્રોલપંપ ભાડે રાખી ત્યાંથી IOC ની લાઈન સુધી અંડરગ્રાઉન્ડ 100 મીટર સુધીની લાઈન લંબાવવામાં આવી હતી.જ્યાં IOC લાઈનમાં પંકચર કરી ટેન્કરના ટેન્કરના ભરી ઓઇલ ચોરી કરવામાં આવ્યું હતું. મસમોટા ચાલતા આ રેકેટનો રાજસ્થાન એસઓજી અને એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં સંદીપ વિજેન્દ્ર ગુપ્તાની સંડોવણી હોવાનું માલુમ પડતાં ગુજરાત આવેલા સંદીપ ગુપ્તાને અમદાવાદથી ઝડપી પાડયો હતો.
15 ઓગસ્ટથી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. જેથી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદથી પૂરની સ્થિતિ પણ પેદા થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો ફરી એક વખત લોકોને મુશ્કેલી ભોગવવી પડશે.ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર થતી જ નથી. આવામાં અમદાવાદના સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનવા જઈ રહ્યો છે. સાબરમતી અચેરથી કેમ્પ સદર બજાર વચ્ચે 250 કરોડના ખર્ચે બનનાર બેરેજ કમ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેનાથી રોજ 65 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશે. 73.65 કરોડના ખર્ચે બનનાર બ્રિજનું કામ ચોમાસા પછી શરૂ થશે.