AnandToday
AnandToday
Wednesday, 07 Aug 2024 00:00 am
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

ગુજરાતમાં દ્વિચક્રી વાહનો માટે 15 દિવસમાં હેલમેટ પહેરવું ફરજિયાત

ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્વપૂર્ણ આદેશ કરીને રાજ્યના દ્વિચક્રી વાહન ચાલકો અને તેની પાછળ બેસતા સવારોને 15 દિવસની અંદર હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરાવવા  ઉપરાંત રોંગ સાઈડ ઉપર ડ્રાઇવિંગ કરતા લોકોને જાગૃત કરવા માટે સાઈનબોર્ડ સહિતની કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારને જણાવવામાં આવેલું છે. હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.

જેને સેમી ફાઈનલમાં હરાવી તેને જ ફાઈનલમાં મળ્યું સ્થાન

પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં ભારતીય સ્ટાર વિનેશ ફોગાટે એક જ દિવસમાં ફાઇનલમાં પહોંચવાની સફર પૂર્ણ કરી હતી. વિનેશે તેની ત્રણેય મેચો જીતી લીધી અને ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ  સુનિશ્ચિત કરવા માટે ફાઇનલમાં પહોંચી, પરંતુ બીજા દિવસે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી. વિનેશનું વજન 100 થી 150 ગ્રામ વધુ હતું, જેના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી અને હવે તેને કોઈ મેડલ નહીં મળે. વિનેશે ગઈ કાલે સેમી ફાઈનલમાં ક્યૂબાને હરાવી હતી તેને જ હવે ફાઈનલમાં સ્થાન મળ્યું છે. 

બાંગ્લાદેશના 10 મંદિર પર હુમલા અને આગચંપી

બાંગ્લાદેશમાં અનામતની આગથી ભડકેલી હિંસા રોકાવાનું નામ નથી લઈ રહીબાંગ્લાદેશથી આવી રહેલા રિપોર્ટ પ્રમાણે સોમવાર અને મંગળવારે હિંસામાં કુલ 97 સ્થળો પર હિંદુઓ અને લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન હિંદુઓના ઘર અને દુકાનોમાં ભારે લૂંટફાટ કરવામાં આવી અને આગચંપી કરી દેવામાં આવી. ઓછામાં ઓછા 10 હિંદુ મંદિર પર પણ હુમલા કરાયા. બાગેરહાટમાં એક વ્યકિતને ઢોરમાર મારીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી.

ઉતરપ્રદેશ-મુખ્તાર અંસારી અને માફિયા શહાબુદ્દીનનો શાર્પ શૂટર ઠાર

યુપી પોલીસને મોટી સફળતા મળી છે. મથુરામાં, યુપી એસટીએફની ટીમે 1 લાખનું ઈનામ ધરાવનાર ગુનેગાર પંકજ યાદવ સાથે એન્કાઉન્ટર કર્યું હતું, જેણે મન્ના સિંહ હત્યા કેસના મુખ્ય સાક્ષી અને તેના પોલીસ સુરક્ષા કર્મચારીઓની હત્યા કરી હતી, જેમાં પંકજ એસટીએફ દ્વારા ઘાયલ થયો હતો. પંકજ યાદવ મુખ્તાર અંસારી અને માફિયા શહાબુદ્દીનનો શાર્પ શૂટર હતો.ઉપરાંત, તે કોન્ટ્રાક્ટ કિલર હતો જેણે પૈસા માટે હત્યા કરી હતી.

બાંગ્લાદેશી હિંસાનો અમેરિકામાં પડઘો,બાંગ્લાદેશી દૂતાવાસમાં તોડફોડ

અમેરિકામાં રહેતા બાંગ્લાદેશીઓએ ન્યૂયોર્કમાં બાંગ્લાદેશના કોન્સ્યુલેટ પર હુમલો કર્યો છે. પ્રદર્શનકારીઓએ બિલ્ડિંગમાં પ્રવેશીને શેખ મુજીબુર રહેમાનની તસવીર હટાવી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હુમલાના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી.

તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો, દેશનું ગૌરવ છો-વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકની ફાઈનલમાં ભાગ લેવા પર રોક લગાવી દેવામાં આવી છે. વિનેશ 50 કિલોગ્રામની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. નિર્ધારિત વજન કરતાં વધુ હોવાનું માલૂમ પડતાં તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે. વિનેશ સામેની કાર્યવાહી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સક્રિય થઈ ગયા છે.

શ્રાવણ મહિનામાં 7 જ્યોતિર્લિંગના દર્શન માટે IRCTC સ્પેશિયલ ટ્રેન શરૂ

શ્રાવણ મહિનામાં 7 જ્યોતિર્લિંગના દર્શન માટે IRCTC દ્વારા શ્રાવણ સ્પેશિયલ ટ્રેન શરૂ કરાવવામાં આવી છે. આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ 20થી 29 ઓગસ્ટ (9 રાત્રિ- 10 દિવસ) માટે હશે. આ ટ્રેન રાજકોટથી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, ચાંદલોડિયા, નડિયાદ, આણંદ, છાયાપુરી (વડોદરા), ગોધરા, દાહોદ, મેઘનગર, રતલામ અને નાગદાથી બેસી શકશે.આ ટ્રેન યાત્રામાં મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર, ગ્રિષ્ણેશ્વર, પરલી વૈજનાથ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરવાનો લાભ મળશે. સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર) માટે રૂ. 20,900, કમ્ફર્ટ ક્લાસ-3 AC માટે રૂ. 34500 અને સુપિરિયર ક્લાસ- 2AC માટે રૂ. 48900 કિંમત નક્કી કરવામાં આવી છે

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 68.41 ટકા વરસાદ નોંધાયો .

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 68.41 ટકા વરસાદ નોંધાયો .દક્ષિણ ગુજરાતમાં સિઝનોનો 82.53 ટકા વરસાદ નોંધાયો. મધ્ય ગુજરાતમાં સિઝનનો 49.29 ટકા વરસાદ નોંધાયો હતો.ઉપરવાસમાં સારા વરસાદનાં લીધે 64.54 ટકા ડેમ ભરાયો હતો. રાજ્યનાં 61 ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે

સાયબર છેતરપિંડીના મામલે ગુજરાત દેશમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે

ગુજરાત રાજ્યમાં સાયબર ગુનાખોરો ગુજરાતીઓ પાસેથી પ્રતિ મિનિટ સરેરાશ રૂ. 26,052 લૂંટી રહ્યા છે, જે રાજ્યમાં સરેરાશ માસિક પગાર રૂ. 18,880થી ક્યાંય વધુ છે. વર્ષ 2024ના પહેલા સાત મહિનામાં રાજ્યના રહેવાસીઓનાં બેન્ક ખાતાઓમાંથી સાયબર ગુનાખોરોએ રૂ. 787.83 કરોડ ઉઠાવી લીધા છે. જેથી સાયબર છેતરપિંડીના મામલે ગુજરાત દેશમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે આવી ગયું છે, એમ સત્તાવાર ડેટા કહે છે.

બાંગ્લાદેશમાં આવતીકાલ 8 ઓગસ્ટે  નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુરુવારે 8 ઓગસ્ટ રાત્રે 8:30 વાગ્યે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને આ અંગેની જાણકારી આપી છે. નવી સરકારમાં 15 સભ્યો હશે