AnandToday
AnandToday
Tuesday, 06 Aug 2024 00:00 am
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, રોકાણકારોને 17 લાખ કરોડનું નુકશાન

સોમવારના મોટા ઘટાડા બાદ એશિયન બજારોમાંથી મળેલા સંકેતોને કારણે મંગળવારના ટ્રેડિંગ સેશનની શરૂઆત ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળા સાથે થઈ હતી. સેન્સેક્સમાં 1100 પોઈન્ટ અને નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ બપોરે યુરોપિયન માર્કેટમાં ઘટાડો અને ભારતીય બજારોમાં વેચવાલીથી શેરબજારનો સંપૂર્ણ ફાયદો ખોવાઈ ગયો હતો.આજે પણ બપોર બાદ બજારમાં ઘટાડાથી રોકાણકારોને નુકશાની વેઠવી પડી છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 440.27 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા સત્રમાં રૂ. 441.84 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોને 1.57 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આમ રોકાણકારોને બે સત્રમાં 17 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

ભારતીય ઓટો કંપનીઓ ટૂંક સમયમાં  100 ટકા ઈથેનોલથી ચાલતી કાર અને ટુ-વ્હીલર બનાવશે

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારતીય ઓટો કંપનીઓ ટૂંક સમયમાં દેશમાં 100 ટકા ઈથેનોલથી ચાલતી કાર અને ટુ-વ્હીલરનું ઉત્પાદન કરશે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પેટ્રોલમાં ઈથેનોલ ભેળવીને દેશભરમાં વેચવામાં આવી રહ્યું છે. ઉપરાંત, તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઓટોમેકર્સ ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે.

આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે ગુજરાતે સતત બીજા વર્ષે પ્રથમ રેન્ક મેળવ્યો.

ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા તાજેતરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) ઇન્ડેક્સનો ચોથો રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમા ગુજરાત રાજ્યએ ગોલ નંબર ત્રણ - આરોગ્ય અને સુખાકારીમાં રાજ્યોની શ્રેણીમાં સતત બીજા વર્ષે પ્રથમ રેન્ક મેળવી ઉચ્ચસ્થાન હાંસલ કર્યું છે.આ ગૌરવપૂર્ણ સિધ્ધી માટે રાજ્યના આરોગ્યમં ઋષિકેશ પટેલે રાજ્યના તમામ હેલ્થકેર વર્કર્સની ફરજનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

બાંગ્લાદેશમાં LICની ઓફિસ 7 ઓગસ્ટ સુધી બંધ

બાંગ્લાદેશમાં સંકટ વચ્ચે એશિયાની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ બાંગ્લાદેશમાં તેની ઓફિસ 7 ઓગસ્ટ સુધી બંધ કરી દીધી છે. બાંગ્લાદેશમાં પ્રવર્તમાન સામાજિક-રાજકીય પરિસ્થિતિને કારણે, LIC ઑફ બાંગ્લાદેશ લિમિટેડની ઑફિસ 05 ઑગસ્ટ 2024 થી 07 ઑગસ્ટ 2024 સુધીના સમયગાળા દરમિયાન બંધ રહેશે. 

શેરબજાર ઉપરાંત સોના અને ચાંદીના ભાવમાં પણ તીવ્ર કડાકો

શેરબજાર ઉપરાંત સોના અને ચાંદીના ભાવમાં પણ તીવ્ર કડાકો બોલાઈ ગયો છે. ઘરેલુ વાયદા બજારમાં સોનાની કિંમતોમાં ઘટાડા સાથે કામકાજ થયું હતું. એમસીએક્સ ખાતે સોનાના ભાવ રૂપિયા 623 ગગડીને રૂપિયા 69,166 પર હતા. જ્યારે ચાંદીમાં તીવ્ર કડાકો બોલાયો હતો. એમસીએક્સ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 3,045 ઘટીને રૂપિયા 80 હજારની નીચે રૂપિયા 79,448 પર રહી હતી.

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી ફરીથી હોસ્પિટલમાં દાખલ

ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મંગળવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં ફરીથી દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે અડવાણીની તબિયત સ્થિર છે અને તેઓ સતત નિરીક્ષણ હેઠળ છે. ન્યુરોલોજીસ્ટ ડૉ. વિનિત સૂરીની દેખરેખ હેઠળ છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બે બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બે બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ મુંબઈની શિવડી વિધાનસભાથી બાલા નંદગાંવકર અને પંઢરપુરથી દિલીપ ધોત્રેને મેદાનમાં ઉતાર્યા છે. રાજ ઠાકરેની આ રણનીતિએ એમવીએ અને મહાયુતિ (એનડીએ) બંનેને ટેન્શનમાં મૂકી દિધા છે.

બાબા મહાકાલને બાંધવામાં આવશે રાખડી

ઉજ્જૈન શહેરમાં આ વર્ષે રક્ષાબંધનનો દિવસ ખૂબ જ ખાસ હશે, કેમકે ત્યાં તે દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર હશે અને રક્ષાબંધનની સાથે સાથે શ્રાવણ મહિનો પણ સમાપ્ત થશે. આ તહેવારને ભવ્ય બનાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 19 ઓગસ્ટે પૂજારી પરિવારની મહિલાઓ ભસ્મ આરતી પહેલા બ્રહ્મ મુહૂર્તમાં મહાકાલ બાબાને રાખડી બાંધશે. શ્રાવણ મહિનામાં જે પૂજારીઓ બાબાની ભસ્મ આરતી કરે છે, તે જ પરિવારની મહિલાઓ બાબા મહાકાલ માટે ખાસ રાખડી બનાવે છે અને રક્ષાબંધનના અવસરે બાબાને બાંધે છે.

બાંગ્લાદેશના ભુતપૂર્વ ક્રિકેટરના ઘરમાં આગ લગાડી

વિરોધીઓએ બાંગ્લાદેશમાં કથિત 'નરસંહાર અને વિદ્યાર્થીઓની સામૂહિક ધરપકડ' અંગે શાસક અવામી લીગ પાર્ટીના સાંસદ મુર્તઝા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ ઘટના પછી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં દેખાવકારો દ્વારા તેમના ઘરની તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી. મોર્તઝાએ અલગ-અલગ ફોર્મેટમાં 117 મેચોમાં બાંગ્લાદેશની કેપ્ટનશિપ કરી હતી, જે તેના દેશ માટે સૌથી વધુ છે. તેમની લાંબી ક્રિકેટ કારકિર્દી દરમિયાન, તેણે 36 ટેસ્ટ, 220 વનડે અને 54 T20 મેચોમાં 2,955 રન બનાવ્યા. નિવૃત્તિ પછી તેમણે 2018 માં તેમની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી અને શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગમાં જોડાયા. તેઓ નરેલ-2 બેઠક પરથી સાંસદ તરીકે જીત્યા હતા.

બાંગ્લાદેશમાં જેલમાંથી ભાગ્યા આતંકવાદી, ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ

બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ દરમિયાન પ્રતિબંધિત ઈસ્લામિક આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમના ઘણા સભ્યો જેલમાંથી ભાગી ગયા હોવાની બાતમી મળી છે. તેઓ ભારતમાં પ્રવેશે તેવી શક્યતાઓને લઈને એજન્સીઓ સતર્ક છે. આ આતંકવાદી સંગઠનો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સરહદી રાજ્યોમાં સક્રિય છે. અનેક પ્રસંગોએ, ભારતમાં સુરક્ષા એજન્સીઓએ પશ્ચિમ બંગાળ અને આસામમાંથી આ સંગઠનોના સભ્યોની ધરપકડ કરી છે. એવી આશંકા છે કે આ આતંકવાદી સંગઠનોના સભ્યો ભારતમાં ઘૂસણખોરી કરવા માટે વર્તમાન અશાંતિનો ફાયદો ઉઠાવી શકે છે.

ગુજરાતમાં 10 ઓગસ્ટથી ભાજપ તિરંગા યાત્રા કાઢશે

15 ઓગસ્ટની શાનદાર ઉજવણી માટે રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ તિરંગા યાત્રા કાઢશે.જેની શરૂઆત રાજકોટથી કરાશે. 10 ઓગસ્ટે ભાજપની તિરંગા યાત્રાની શરૂઆત રાજકોટથી કરાશે. જે તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.