અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સમર્થનની જાહેરાત બાદ કમલા હેરિસે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારીની જાહેરાત કરી છે .ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે યુએસ પ્રમુખપદની ચૂંટણી માટે સત્તાવાર રીતે તેમની ઉમેદવારીની જાહેરાત કરતા ફોર્મ પર હસ્તાક્ષર કર્યા. તેમણે કહ્યું કે, તેમના લોકો દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન નવેમ્બરમાં વિજયી બનશે.આગામી 5 નવેમ્બરે યોજાનારી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં જો બાઈડનના સમર્થન બાદ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે ઉતરશે. અગાઉ 26 જુલાઇએ પૂર્વ યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ જો બાઈડન રેસમાંથી બહાર નીકળ્યા પછી યુએસ પ્રમુખપદ માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને જાહેરમાં સમર્થન આપ્યું હતું.
ભારતીય શૂટર મનુ ભાકર 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટ માટે ફાઈનલમાં ક્વોલિફાય
ભારતીય શૂટર મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટ માટે ફાઈનલ ક્વોલિફાય કર્યું છે. તેણે તમામ છ શ્રેણીમાં 580 પોઈન્ટ મેળવ્યા. આ સમયગાળા દરમિયાન, તેણે આંતરિક વર્તુળ પર મહત્તમ 27 શોટ લીધા. તો રિધમ સાંગવાન તેના પ્રદર્શનથી નિરાશ. તેણે તમામ છ શ્રેણીમાં 573 પોઈન્ટ મેળવ્યા.
પેરિસ ઓલિમ્પિક 2024માં સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે 27મી જુલાઈ ભારતીય શૂટરો પાસેથી મેડલની અપેક્ષા હતી, પરંતુ તેઓ સફળ થયા ન હતા. 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બંને ભારતીય જોડી ફાઈનલ માટે પણ ક્વોલિફાઈ કરી શકી ન હતી.ઈલાવેનિલ વાલારિવન અને સંદીપ સિંહ 12મા સ્થાને રહ્યા. રમિતા જિંદાલ અને અર્જુન બબુતાએ છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. રમિતા-અર્જુને એકંદરે 628.7 માર્ક્સ મેળવ્યા છે. જ્યારે ઈલાવેનિલ-સંદીપ 626.3 અંક મેળવી શક્યા.
ગુજરાતના આશાસ્પદ યુવકનું જર્મનીમાં મોત થયું છે. આ યુવાન ચાણસ્મા તાલુકાના સેવાળા ગામનો વતની છે. ચિરાગ પટેલ નામના યુવકની લાશ તળાવમાંથી મળી આવી છે. આ યુવક પાંચ વર્ષ અગાઉ અભ્યાસ અર્થે ગયો હતો. જર્મન પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે.
જાપાનની સુઝુકી કંપની અને બનાસ ડેરી સાથે મળીને બનાસ ડેરીમાં બાયો CNG પ્લાન્ટ શરૂ કરી રહ્યા છે. આગામી સમયમાં બનાસ જિલ્લામાં પાંચ નવા બાયો CNG પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ બાયો CNG પ્લાન્ટમાં દરરોજ પાંચ લાખ કિલો ગોબર પ્રોસેસ કરવાનું આયોજન છે.
સુઝુકી કંપની અને બનાસ ડેરી સંયુક્ત રીતે 250 કરોડથી પણ વધારાનું રોકાણ કરશે. CNG પ્લાન્ટની જાહેરાત બાદ ખેડૂતોમાં આવક માટે એક નવું આશાનું કિરણ જનમ્યું બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને દૂધ સિવાય ગોબરમાંથી વધારાની આવક મળશે.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એક પત્ર બહાર પાડી ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં ઠાકોર સમાજ માટે વપરાતા એક શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાંસદ ભરતસિંહ ડાભીએ આ અંગે રજૂઆત કરી હતી. સમાજની માંગને લઈ મુખ્યમંત્રીએ આ અંગે નિર્ણય લીધો હતો.
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આજે 27 જુલાઈ સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ થયો છે. હુમલામાં એક મેજર સહિત ચાર જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટર માછિલ સેક્ટર પાસેના જંગલ વિસ્તારમાં થયું હતું. ઘાયલ થયેલા તમામ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે.
મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં રાત્રિમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનના પતિ નશાની હાલતમાં પકડાયા હતા. હર્ષાબેનના પતિ મહેશભાઈ કોપાણીયા નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યા હતા. પોલીસ પુછપરછ દરમિયાન તપાસ કરતા નશો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું.પોલીસ દ્વારા ગાડીના કાગળો અને લાયસન્સની માંગણી કરતા કોઈ જ પુરાવા સાથે રાખવામાં આવ્યા ન હતા. પોલીસે મહેશભાઈની ધરપકડ કરીને પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો અને મુદ્દામાલ તરીકે ગાડી પણ જપ્ત કરી હતી.
તાજેતરમાં 252 જેટલા પોલીસ અધિકારીઓની બઢતી મામલે જીપીએસસીની મંજુરી માંગતા હાઇકોર્ટ લાલધુમ થઇ ગઇ છે અને કહ્યું હતું કે જીપીએસસીએ તમને અધિકારીઓ સોંપ્યા છે અને તમારી પાસે બોર્ડ પણ છે તો પછી બઢતી માટે જીપીએસસીની મંજુરી કેમ માંગવી પડે છે તેવા આકરા સવાલો કર્યા હતા અને બઢતી મામલે અલગ અલગ નીતિ સામે સવાલો કરી સરકારને ખખડાવી હતી .
ગુજરાત સરકાર દ્વારા ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ અને એસઆરપીની ભરતીમાં પ્રાથમિકતા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવાયું છે કે રાજ્ય સરકાર હથિયારધારી પોલીસ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં અગ્નિવીરોને અગ્રતા આપશે. કારગીલ વિજય દિને જ રાજ્ય સરકાર દ્વારા અગ્નિવીર જવાનોને આ ભેટ અપાઇ છે.