આજના મહત્વના સમાચાર
આણંદના બોરસદમાં આભ ફાટ્યું છે. છેલ્લા 4 કલાકમાં 13 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા બોરસદ પ્રાંત અધિકારી, બોરસદ મામલતદાર, બોરસદ તાલુકા વિકાસ અધિકારી સહિતના તાલુકા મથકના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા અને યોગ્ય તકેદારીના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.
ભારેથી અતિ ભારે વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી તાકીદે એસ.ડી.આર.એફ.ની 15 સભ્યોની એક ટીમ મોટર બોટ સાથે કાર્યરત થઈ છે. આ ઉપરાંત આણંદ નગરપાલિકાની એક મોટરબોટ અને બે અન્ય મોટરબોટ બોરસદ ખાતે પહોંચી ગઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
બિહારના અરવલ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યારે નિવૃત્ત શિક્ષકે પત્નીના 12 ટુકડા કરી નાખ્યા અને તેની આંગળીઓ પણ કાપી નાખી. આ ઘટના બાદ સમગ્ર ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. નિવૃત્ત શિક્ષકે પત્નીના ટુકડા કરીને તેની હત્યા કરી હતી. તેણે તીક્ષ્ણ હથિયાર વડે પત્નીના ઘણા ટુકડા કરી નાખ્યા. આ ઘટના મહેંદિયા પોલીસ સ્ટેશન હેઠળના જમુહરી ગામમાં બની હતી, એવું કહેવાય છે કે 76 વર્ષીય નિવૃત્ત શિક્ષક બીરબલ પ્રસાદનું તેની પત્ની સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
સુરતમાં ગઇકાલે બપોરથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 12 ઇંચ વરસાદ ખબકી જતા અડધુ શહેર સ્વિમિંગ પૂલમાં ફેરવાઇ ગયુ છે. સુરત તથા આસપાસના વિસ્તારોમાં ગઇકાલે સાંજથી અવિરત વરસાદ શરૂ થયો છે અને આજે સવારે પણ વરસાદ ચાલુ રહેતા અનેક સોસાયટીઓમાં ગોઠણથી કમરડૂબ પાણી ભરાઇ ગયા છે.
અમેરિકામાં રહેતા ભારતીયોએ મોદી સરકાર 3.0ના પ્રથમ બજેટના વખાણ કર્યા છે. અમેરિકામાં ભારતીય મૂળના લોકોના સંગઠન યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF)એ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેનાથી સ્થાનિક ગ્રાહકો અને વિદેશી રોકાણકારોને ફાયદો થશે.વિદેશી કંપનીઓ પર ટેક્સ ઘટાડવાના નિર્ણયની પ્રશંસા કરી છે.
નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે એક પ્લેન ક્રેશ થઈ ગયું. કાઠમંડુથી પોખરા જઈ રહેલું સૂર્યા એરલાઈન્સનું વિમાન 19 મુસાફરોને લઈને ટેકઓફ કર્યા બાદ જમીન પર પડી ગયું અને તેમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે અને એક પાયલોટને બચાવી લેવામાં આવ્યો છે. દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન રનવે પર ટેકઓફ કર્યા બાદ તરત જ જમીન પર પડી જાય છે અને આગ લાગી જાય છે.
વડોદરામાં 8 ઈંચ વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ચારેકોર પાણીની વચ્ચે વડોદરા જળબંબાકાર થયું છે. શહેરમાં હજુ પણ મૂશળધાર વરસાદ ચાલુ છે. વડોદરાના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મૂશળધાર વરસાદથી વડોદરામાં સ્થિતિ બગડી છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રાવપુરા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે
અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન તરફથી મેદાનમાં છે અને ડેમોક્રેટ્સ તરફથી કમલા હેરિસ મેદાનમાં છે. જો કે તે નિશ્ચિત નથી, તે ખૂબ જ સંભવ છે કે ભારતીય મૂળના હેરિસ હવે નવેમ્બરમાં ભૂતપૂર્વ રિપબ્લિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સામનો કરવા માટે ડેમોક્રેટિક ઉમેદવાર હશે. બંને હરીફો એકબીજાને સખત સ્પર્ધા આપી રહ્યા છે.આ દરમિયાન મંગળવારે એક સર્વે સામે આવ્યો હતો, જેમાં હેરિસને ટ્રમ્પ પર આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગ સહિત અન્ય હવામાન એજન્સીઓએ દેશના ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્યપ્રદેશના માંડલા અને મહારાષ્ટ્રના પુણેમાં ભારેથી અતિભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે.જ્યારે ગોવા, ગુજરાત, મેઘાલય, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશના ભાગો માટે ઓરેન્જ એલર્ટ છે. આ સ્થળોએ છેલ્લા 24 કલાકથી ભારેથી અતિભારે વરસાદ ચાલુ છે.
ગુજરાતમાં મંગળવારે ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ નોંધાયા છે. આ સાથે જ શંકાસ્પદ કેસનો આંક વધીને 101 થયો છે. પોઝિટિવ કેસમાં હજુ કોઈ વધારો થયો નથી અને તે હાલ 22 છે. આજે અમદાવાદ કોર્પોરેશન અને ગાંધીનગર ગ્રામ્યમાંથી 1-1ના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે. આ સાથે જ શંકાસ્પદ ચાંદીપુરાથી મરણાંક વધીને 38 થયો છે.
કોરોના મહામારીના સમયથી માંડીને આજ દિન સુધીમાં લગભગ 4,92,701 ગુજરાતી નાગરિકોને વિવિધ દેશોમાં સર્જાયેલી સમસ્યાઓની વચ્ચેથી સરકારે બહાર કાઢીને સહીસલામત ગુજરાત પરત લાવવામાં આવ્યા છે.