AnandToday
AnandToday
Tuesday, 16 Jul 2024 18:30 pm
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

ગુજરાત રાજ્યમાં વર્ગ-1 થી 3ની જગ્યાઓ પર કાયમી ભરતીની તૈયારી

ગુજરાતના સરકારી તંત્રમાં હવે સરકારી વિભાગોમાં કાયમી ભરતી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ દિશામાં નિર્ણય લઇને મુખ્ય સચિવને નવું ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે અને આ પ્રક્રિયા ઝડપથી આગળ વધારવા સૂચના આપી છે. વર્ગ-1, 2 અને 3ની ખાલી જગ્યા ભરવાની તૈયારી હવે સરકાર ઝડપભેર કરવાની છે.

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સંરક્ષણ મંત્રાલયને નોટિસ જારી કરી

નાગાલેન્ડના 13 સામાન્ય નાગરિકોની ઉગ્રવાદી સમજી સેનાના જવાનો દ્વારા કરાયેલી હત્યા મામલે સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સંરક્ષણ મંત્રાલયને નોટિસ જારી કરી છે. આ કેસની આગામી સુનાવણી 3 સપ્ટેમ્બરના રોજ યોજાશે. 2021માં નાગાલેન્ડમાં હાથ ધરાયેલા એક ઉગ્રવાદી વિરોધી અભિયાન દરમિયાન સેનાના જવાનો દ્વારા 13 નાગરિકોની ઉગ્રવાદી સમજી તેમની હત્યા કરાઈ હતી.

કેનેડાના ટોરોન્ટોમાં વરસાદે તબાહી મચાવી

ત્રણ મોટા વાવાઝોડાએ મંગળવારે કેનેડાના ટોરોન્ટોના ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો થે, જેના કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. મોટા એક્સપ્રેસવે પર ઘણા વાહનચાલકો ફસાયા હતા, શહેરમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી અને એરલાઈન્સે સેવાઓ ઘટાડવી પડી હતી.રિપોર્ટ મુજબ શહેરમાં 100 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો, જેને 1941નો રેકોર્ડ તોડ્યો છે. સ્થાનિક વીજળી વિતરણ કંપની ટોરોન્ટો હાઈડ્રોએ જણાવ્યું હતું કે 167,000 થી વધુ ગ્રાહકો વીજ વિહોણા છે. તેમાં જણાવ્યું આવ્યું હતું કે ટ્રાન્સમિશન સ્ટેશન પર શંકાસ્પદ પૂરના કારણે વિક્ષેપ સર્જાયો હતો.

દરિયામાં જહાજ  ડૂબી ગયું,13 ભારતીયો સહિત16 ક્રૂ મેમ્બરો લાપત્તા

ઓમાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ યમન તરફ જઈ રહેલું એક ઓઈલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબી ગયું છે. ઓમાનના મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ઓઈલ જહાજ ટેન્કરનું નામ પ્રેસ્ટિજ ફાલ્કન હોવાનું સામે આવ્યું છે, જેના પર સવાર 16 ક્રૂ મેમ્બરનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. આ ઓઈલ જહાજ પર સવાર 16 ક્રૂ મેમ્બર્સમાંથી 13 ભારતીય નાગરિકો છે અને ત્રણ શ્રીલંકાના નાગરિક હોવાનું કહેવાય છે, પરંતુ તેઓ ક્યાં અને કઈ સ્થિતિમાં છે તેની કોઈ જાણકારી નથી.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર ,કુલ 13 કેસ નોંધાયા, 9બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13 કેસ નોંધાયા છે. જેમાંથી 8 બાળકોના મોત થયા છે. ચાંદીપુરા વાઈરસના સાબરકાંઠા જિલ્લામાં 4, અરવલ્લી જિલ્લામાં 3, મહિસાગર અને ખેડા જિલ્લામાં 1-1 શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાનના બે દર્દીઓ અને મધ્ય પ્રદેશમાંથી એક દર્દીને સારવાર અપાઈ છે.

સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરી લીંબડી પાસેથી ઝડપાઈ

સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીને ગુજરાત એટીએસ ઝડપી પાડી છે. સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં નીતા ચૌધરી રોકાઈ હતી. આરોપી બુટલેગરના સગાને ત્યાં નીતા ચૌધરી રોકાઈ હતી. તેની ધરપકડ કરી એટીએસ કચેરી લાવવામાં આવી હતી.
સીઆઇડી ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેદ થારમાંથી દારૂ મળી આવવા સાથે પીએસઆઇ પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. બંને સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતાં રિમાન્ડ નકારી બીજા દિવસે નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે જામીનને રદ્દ કરવા ઉપલી કોર્ટમાં જતા જામીન રદ કરવામાં આવ્યા હતા અને હાલ પોલીસ ધરપકડથી બચવા અને જેલમાં જવાના ડરે આરોપી ફરાર થઈ ગઈ હતી અને તેમને પકડવા ટીમો બનાવવામાં આવી હતી.

અજિત પવારના જૂથને મોટો આંચકો લાગ્યો, એક સાથે ચાર મોટા નેતાઓએ આપ્યું રાજીનામું

અજિત પવારના જૂથને મોટો આંચકો લાગ્યો છે. તેમની પાર્ટી NCPના પિંપરી-ચિંચવડ યુનિટના ચાર મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે.NCPના પિંપરી-ચિંચવડ એકમના વડા અજીત ગવાને, પિંપરી-ચિંચવડ વિદ્યાર્થી પાંખના વડા યશ સાને અને ભૂતપૂર્વ કોર્પોરેટર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકરે અજિત પવારને તેમના રાજીનામા સુપરત કર્યા છે.માનવામાં આવે છે કે આ ચારેય નેતાઓ ફરી એકસાથે શરદ પવાર કેમ્પમાં જોડાઈ શકે છે. લોકસભા ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં NCPના નિરાશાજનક પ્રદર્શનના થોડા મહિના પહેલા આ ઘટના બની છે. આ કારણે અજિત પવારનું ટેન્શન પણ વધી ગયું છે

બાંગ્લાદેશમાં અનામતની આગ ભડકી, હિંસક અથડામણમાં 4 વિદ્યાર્થીના મોત ,100 ઘાયલ

બાંગ્લાદેશમાં અનામતને લઈને હોબાળો થઈ રહ્યો છે. લોકોએ રસ્તા પર ઉતરી આવીને સરકાર વિરોધ રોષ પ્રગટ કર્યો છે. તે ઉપરાંત અમુક હિંસક જૂથે પથ્થરમારો પણ કર્યો છે. જોકે આ વખતે બાંગ્લાદેશમાં અનામત માટે સમર્થકો અને વિરોધ પક્ષના લોકો સામસામે આવી ગયા છે. ત્યારે આ ઘમાસાણમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. તે ઉપરાંત આ હિંસક હુમલામાં 4 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે

સોનાના ભાવ 76000 ની સપાટી પાર કરી ગયું

આજે ફરી સોનાના ભાવમાં વધારો થયો છે અને 76હજાર સુધી પહોંચ્યો છે. સોનાના ભાવે 76000 ની સપાટી પાર કરી ગયું છે. સ્થાનિક બજારમાં 76,713 સોનાનો ભાવ નોંધાયો છે.સોનું ફરી ઐતિહાસિક સપાટી નજીક પહોંચવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી હતી. બુલિયન માર્કેટમાં મજબૂતી જોવા મળી છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2500 ડોલર જેટલું ઉચ્ચકાતા ફરી તેજીનો પવન મુકાયો છે.

અમરનાથ- 3,700 શ્રદ્ધાળુઓનો નવો સમૂહ કાશ્મીર ઘાટી માટે રવાના થયો 

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે, બુધવારે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી અમરનાથ ગુફા મંદિર માટે 3,700 શ્રદ્ધાળુઓનો નવો સમૂહ કાશ્મીર ઘાટી માટે રવાના થયો હતો.યાત્રાળુઓની 20મી ટુકડી સીઆરપીએફ સુરક્ષા હેઠળ 127 વાહનોમાં સવારે 3:05 વાગ્યે ભગવતી નગર બેઝ કેમ્પથી નીકળી હતી. આ બેચમાં 2,734 પુરૂષો, 952 મહિલાઓ અને નવ બાળકોનો સમાવેશ થાય છે.