AnandToday
AnandToday
Thursday, 11 Jul 2024 18:30 pm
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 25 જૂનને બંધારણ હત્યા દિવસ જાહેર કરાયો

કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા 25 જૂનને બંધારણ હત્યા દિવસ જાહેર કર્યો છે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. 25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી.અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, - 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા દર્શાવતા દેશમાં કટોકટી લાગુ કરીને ભારતીય લોકશાહીના આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કારણ વગર જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ભારત સરકારે દર વર્ષે 25 જૂનને 'બંધારણ હત્યા દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. આ દિવસ એ તમામ લોકોના વિરાટ યોગદાનની યાદ અપાવશે, જેમણે 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી મોટો ઝટકો લાગ્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી મોટો ઝટકો લાગ્યો છે. ઇડીના મની લોન્ડગિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા બાદ રાઉઝ એવન્યુ કોર્ટે  સીબીઆઈ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી છે. ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આગામી સુનાવણી 25 જુલાઈના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે.

ઘરમાં સોનું રાખવાની મર્યાદા,સ્ત્રીઓ કેટલું સોનું રાખી શકે?

ભારત સરકારના આવકવેરા નિયમો હેઠળ, ઘરમાં સોનું રાખવા માટે એક મર્યાદા (ભારતમાં ગોલ્ડ સ્ટોરેજ લિમિટ) નક્કી કરવામાં આવી છે. આવકવેરા કાયદા અનુસાર પરિણીત મહિલાઓ 500 ગ્રામ સોનું પોતાની પાસે રાખી શકે છે. જ્યારે અપરિણીત મહિલાઓ માટે આ મર્યાદા 250 ગ્રામ રાખવામાં આવી છે. તે જ સમયે, પુરુષોને માત્ર 100 ગ્રામ સોનું રાખવાની છૂટ છે.

આણંદ થી રાપર જતી બસને નડ્યો ગોઝારો અકસ્માત ડ્રાઇવર સહિત ચારના મોત

પાટણ જીલ્લાનાં રાધનપુર તાલુકાનાં શબ્દલપુરા વચ્ચે ખારિયાપુલ નજીક ગતરોજ મધ્ય રાત્રીએ એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી, જેમાં  ડ્રાઈવર સમેત 4 લોકોના મોત અને 6 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલીક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ બસ આણંદથી રાપર જઈ રહી હતી, ત્યારે જ રાધનપુરના ખારીયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાનથી આગળના માર્ગ પર રાત્રે 2:00 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. એસટી અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે, બસ અને ટ્રકના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો

પઠાણી ઉઘરાણી કરી પરિવારને મોતના મુખમાં ધકેલનાર બે શખ્સોની ધરપક્ડ

જામનગરના આહીર દંપતી તેમજ તેમના પુત્ર-પુત્રીના મૃતદેહ સંદર્ભે સામુહિક આપઘાતના પ્રકરણમાં ઘટસ્ફોટ થયો હતો કે તેઓએ પૈસાની લેતીદેતી બાબતે આત્યંતિક પગલું ભરી લીધું હતું. 20 લાખ વસુલવા માટે મૃતક કારખાનેદારને મારકૂટ કરીને બળજબરીથી લખાણ કરાવી લીધાની વીડિયો ક્લિપ સહિતનાં જરૂૂરી પુરાવા મળ્યા છે.આ સાથે મળેલી સ્યૂસાઈડનોટનાં આધારે મેટલનાં ધંધાર્થી સહિત બે શખસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા જ પોલીસે બંને આરોપીને ઝડપી લીધા છે. પોલીસે આરોપી જામનગર ના વિશાલ સિંહ ફતુભા જાડેજા અને વિશાલ પુરુષોત્તમ પ્રાગડાની ધરપકડ કરી હતી.

દાહોદમાં DSFએ ખાનગી રિવોલ્વરથી કરી આત્મહત્યા

દાહોદ જીલ્લામાં DSF R.M.પરમારે રિવોલ્વરથી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. અગમ્ય કારણોસર આત્મહત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આપઘાતનું કારણ હાલ અકબંધ છે. વન વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારને આ સમાચાર સાંભળી આઘાત પહોંચ્યો છે.ડીએસએફ આર.એમ. પરમારે ઘરના બેડરૂમમાં પોતાની ખાનગી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયર કરી કરી જીવન ટૂંકાવ્યું છે.

પોલીસ વાનમાં આરોપી સાથે પોલીસકર્મીએ  બિયર ઢીચ્યું

રિવરફ્રન્ટ પર પોલીસની વાનમાં હત્યાનાં ગુનાનો આરોપી તેમજ પોલીકર્મી વાનમાં બિયર પીતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં અમદાવાદ પોલીસની વાનમાં બેસી આરોપી તેમજ પોલીસ કર્મચારી બિયર પીતા હોવાનું દેખાઈ રહ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ આ વીડિયો સાબરમતી રિવરફ્રન્ટનો હોવાનો ખુલાસો થવા પામ્યો હતો. આ વીડિયોનાં વાયરલ થતા પોલીસે આ વીડિયોનાં આધારે તપાસ શરૂ કરી છે.

નેપાળમાં ભૂસ્ખલન 7 ભારતીયોના મોત

પાડોશી દેશ નેપાળમાં આજે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. નેપાળમાં ભૂસ્ખલનને કારણે બે બસો અકસ્માતનો ભોગ બની છે. આ અકસ્માતમાં 7 ભારતીયોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. નેપાળના મદન-આશિર હાઈવે પર વચ્ચેની બે બસો લગભગ 63 મુસાફરોને લઈને જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

દેશ અને દુનિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત-રાધિકા આજે લગ્નના સાત ફેરા લેશે

દેશ અને દુનિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ રાત્રે 9:30 વાગ્યે લગ્નના સાત ફેરા લેશે. છેલ્લા ત્રણ દિવસથી ઈવેન્ટ્સ ચાલી રહી છે. તમામ ઈવેન્ટ્સ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કરવામાં આવી છે.આ લગ્નમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ, સ્પોર્ટ્સ જગતની પ્રખ્યાત હસ્તીઓ, દેશના મોટા નેતાઓ અને રાજનેતાઓ, વિદેશના મોટા સીઈઓ, હોલીવુડ સ્ટાર્સ સહિત ઘણા VVIP મહેમાનો હાજર રહેશે.અનંત-રાધિકાના લગ્નના તમામ ફંક્શન મુંબઈમાં 3 દિવસ ચાલશે.એક અહેવાલ અનુસાર અંબાણી પરિવાર આ ભવ્ય લગ્ન પર 4000-5000 કરોડ રુપિયાનો ખર્ચ કરી રહ્યો છે. આ ખર્ચ અંબાણી પરિવારની કુલ સંપત્તિના માત્ર 0.05 ટકા છે.

ગુજરાતમાં બુલેટ ટ્રેનના 8 સ્ટેશનોમાં પાયાનું કામ પૂર્ણ

અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના 508 કિ.મી.ના અંતરમાં 12 સ્ટેશનનું નિર્માણ કરવામાં આવનારું છે. જેમાંથી ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપી એમ 8 સ્ટેશન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાં બોઇસર, વિરાર, ઠાણે અને મુંબઇ એમ ચાર બુલેટ સ્ટેશન બનશે. તમામ સ્ટેશનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાતમાં 8 સ્ટેશનોમાં રેલ લેવલ સ્લેબનું કામ પૂર્ણ થઇ ગયું છે અને સુપરસ્ટ્રક્ચરનું કામ પ્રગતિમાં છે.