વડોદરામાં હરણી લેક દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે મહાનગરપાલિકાના કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે અને સરકારને આ 2 અધિકારી સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. મહાનગરપાલિકાના બંને કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે. સાથે જ બંને અધિકારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા સરકારને સૂચના આપી છે. હાઈકોર્ટે વિનોદ રાવ અને એસ.એચ.પટેલ સામે કાર્યવાહી કરવા માટે સરકારને આદેશ આપ્યા છે.સાથે જ બંને કમિશનર-સ્થાયી સમિતી અને ઠરાવ પાસ કરનારા તમામ કાઉન્સીલરને પણ જવાબદાર ઠેરવ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ને એક મોટો ઝટકો લાગ્યો છે. AAP ના ધારાસભ્ય કરતાર સિંહ તંવર અને દિલ્હી સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી રાજકુમાર આનંદ આજે ભાજપ માં જોડાયા છે. રાજકુમાર આનંદે લોકસભા ચૂંટણી પહેલા કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.આ પછી તેમણે કોઈપણ પાર્ટીમાં જવાની ના પાડી હતી. પણ હવે સામે આવી રહ્યું છે કે, તેઓ ભાજપમાં જોડાઇ ગયા છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે 10 જુલાઈ, 2024 ના રોજ મુસ્લિમ મહિલાઓને લઈને મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ફરી સ્પષ્ટ કર્યું છે કે સીઆરપીસીની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. એક મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.બુધવારે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે ભરણપોષણ ભથ્થાને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. મોહમ્મદ અબ્દુલ સમદ નામના વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
જૂનાગઢમાં પલાસવા ગામે શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા ગ્રામજનો રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષકને માર માર્યો હતો. શિક્ષક વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો હતો.ત્યારે આ મામલે રોષે ભરાયેલા વાલીઓ પલાસવા શાળામાં તાળાબંધી કરીને શિક્ષકની ધોલાઈ કરી હતી.આ મામલો વધુ ઉગ્ર બનતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વાલીઓના નિવેદન પણ લીધા હતા.
યુપીના ઉન્નાવમાં લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને ડબલ ડેકર બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 18 મુસાફરોના મોત થયા હતા. મૃતકોમાં 14 પુરૂષ મુસાફરોનો સમાવેશ થાય છે. આ સિવાય બે મહિલાઓ અને બે બાળકોના પણ અકસ્માતમાં મોત થયા હતા. 30 મુસાફરો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.
અમેરિકામાં માનવ તસ્કરીના આરોપમાં ભારતીય મૂળના ચાર નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અમેરિકાના ટેક્સાસમાં બની છે, જ્યાં પોલીસને એક ઘરમાંથી લગભગ 15 મહિલાઓ મળી આવી હતી, જેઓ કામ કરવા માટે મજબૂર હતી. ધરપકડ કરાયેલા લોકોમાં મહિલાની ઓળખ દ્વારકા ગુંડા તરીકે કરવામાં આવી છે અને બાકીના ત્રણ પુરુષોની ઓળખ અનિલ પુરૂષ, ચંદન દાસીરેડ્ડી અને સંતોષ કટકુરી તરીકે કરવામાં આવી છે.
થાણે જિલ્લાના ભિવંડીમાં રખડતા કૂતરાઓનો આતંક મચ્યો છે અને છેલ્લા બે દિવસમાં રસ્તા પરથી પસાર થતા આશરે ૨૪૯ લોકોને કૂતરા કરડ્યાની ઘટના બની છે. ૭ જુલાઈએ ૧૧૪ અને ૮ જુલાઈએ ૧૩૫ લોકોને કૂતરા કરડ્યા હતા. આ ૨૪૯ લોકોને ભિવંડીની ઇન્દિરા ગાંધી હૉસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ૪ વર્ષનાં નાનાં બાળકોથી લઈને ૭૦ વર્ષના વૃદ્ધોને કૂતરાઓએ તેમના શિકાર બનાવ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની બે દિવસીય મુલાકાત દરમિયાન નવી દિલ્હી અને મોસ્કોએ વેપાર, ઉર્જા, આબોહવા અને સંશોધન સહિત વિવિધ ક્ષેત્રોમાં 9 કરારો પર કર્યા આ દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર સમજૂતી થઈ હતી, જેમાં રશિયાના સહયોગથી ભારતમાં 6 નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા પર પણ ચર્ચા થઈ હતી. રશિયાની પરમાણુ ઉર્જા એજન્સી રોસાટોમ ભારતને આ પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનાવવામાં મદદ કરશે.
રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પરંતુ બીજી બાજુ સતત શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવમાં વધારો થવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ટામેટાંના 100 રૂપિયા કિલો અને વટાણામાં 160 રૂપિયા કિલોને પાર પહોંચ્યા છે.સામાન્ય રીતે શાકભાજીના ભાવ ચોમાસમાં ઘટતા જોવા મળતા હોય છે.પરંતુ આ વર્ષે બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા યુવા ચહેરાઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ભારતીય મૂળના રચિન રવિન્દ્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રચિન રવિન્દ્રને માટે આ પ્રથમ વાર કોન્ટ્રેક્ટ મળ્યો છે. ડાબોડી બેટર રચિન રવિન્દ્રનું અંતિમ એક વર્ષનું પ્રદર્શન ખૂબ જ સારુ રહ્યું છે. રચિને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર રમત દર્શાવી છે.રવિન્દ્ર 2023 ODI વર્લ્ડ કપનો સ્ટાર ખેલાડી હતો. આ દરમિયાન તેણે 578 રન બનાવ્યા હતા. ત્યારબાદ રચિને દક્ષિણ આફ્રિકા સામે માઉન્ટ મૌંગાનુઈ ખાતે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી, જે પણ બેવડી સદીમાં તેણે ફેરવી દીધી હતી. તે માર્ચમાં સર રિચર્ડ હેડલી મેડલ જીતનાર ન્યૂઝીલેન્ડનો સૌથી યુવા ખેલાડી બન્યો હતો.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેના આગમનની સામાન્ય તારીખ કરતાં ગુજરાતમાં ચાર દિવસ વહેલું 11 જૂને આવી ગયું હોવા છતાં વાવણીની તુલનાત્મક રીતે ધીમી ગતિ છે.ગુજરાતના કૃષિ નિયામક કચેરી પાસે ઉપલબ્ધ તાજેતરના ડેટા દર્શાવે છે કે રાજ્યમાં ચોમાસું આવ્યાના લગભગ એક મહિના પછી, ખેડૂતોએ 8 જુલાઈ સુધીમાં 40.26 લાખ હેક્ટર જમીનમાં વાવણી પૂર્ણ કરી હતી. જ્યારે ગયા સમાન સમયગાળા દરમિયાન આ આંકડો 52.32 લાખ હેક્ટર હતો.
અમદાવાદમાં પાલડીના મહાલક્ષ્મી ફ્લેટમાં GLS કોલેજના પ્રોફેસર મૈત્રેય ભગતે પોતાની સગી માતાની છરીથી હત્યા કરી નાખીને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પડોશીઓએ જાણ કરતાં પોલીસ મહાલક્ષ્મી ફ્લેટમાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.પાડોશીઓનું કહેવું હતું કે પ્રોફેસર મૈત્રેય ભગત દરરોજ વહેલી સવારે નોકરી પર જાય છે પરંતુ બુધવારે સવારે દરવાજો બંધ હોવાથી શંકાને આધારે પોલીસને જાણ કરી અને પોલીસ આવીને કોઈક રીતે દરવાજો ખોલ્યો ત્યારે માતા અને પુત્રની લાશ મળી આવી હતી. આ પછી એફએસએલ ટીમને પણ ઘટના સ્થળે બોલાવાઈ હતી.
BMW હિટ-એન્ડ-રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ કરવામાં આવી છે. શાહ કથિત રીતે દારૂના નશામાં લક્ઝરી કાર ચલાવી રહ્યો હતો. તે જે કાર ચલાવી રહ્યો હતો તેનાથી તેણે મુંબઈના વરલીમાં એક ટુ-વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં 45 વર્ષીય મહિલાનું મોત થયું અને તેના પતિને ઈજા થઈ હતી. શાહ મુખ્યમંત્રી એકનાથ શિંદેના શિવસેના જૂથના નેતા રાજેશ શાહના પુત્ર છે.
ગાંધીનગરના કલોલમાં કોલેરા વધુ ચાર કેસ મળી આવતાં કલેકટર દોડી આવ્યા હતા. ગાંધીનગર કલેકટર મેહુલ દવેએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કલોલમાં દૂષિત અને ગટર મિશ્રિત પાણીના કારણે કોલેરાના કેસ નોંધાયા હતા.કલોલના 2 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. કલોલની મહેન્દ્રમિલ ચાલી અને તેની આસપાસનો 2 કી.મી.નો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો. આ ઉપરાંત ગાયનો ટેકરો અને તેની આસપાસનો 2 કી.મી.નો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. કલેકટરની મુલાકાત બાદ કલોલના 2 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે ૩૨ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી આ રકમ ફાળવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ આપી છે.