AnandToday
AnandToday
Saturday, 06 Jul 2024 18:30 pm
AnandToday

AnandToday

આજની 10 મહત્વની ખબર

સાપુતારામાં મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત 45 મુસાફરો ઘાયલ

સુરતથી સાપુતારાના પ્રવાસે આવેલી એક ખાનગી બસના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. જેમાં બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે 45 મુસાફરો ઘાયલ થયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી જારી છે.જોકે આ અકસ્માતમાં મૃત્યુ આંક વધે તેવી સંભાવના છે.

ગુજરાતમાં ધોરણ 9થી 12માં વર્ષમાં પાંચ એકમ કસોટી લેવા નિર્ણય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ દરમિયાન લેવાનારી ધો.9થી 12ની પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન પદ્ધતિ દ્વારા લેવાનારી એકમ કસોટીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 25 જુલાઈના રોજ પ્રથમ એકમ કસોટી યોજવામાં આવશે. જ્યારે વર્ષ દરમિયાન પાંચ એકમ કસોટી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી  7 લોકોના મોત 

ગુજરાતના સુરતમાં શનિવારે ભારે વરસાદને કારણે એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. છેલ્લા 12 કલાકથી અહીં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.અકસ્માત બાદ તરત જ એક મહિલાને બચાવી લેવામાં આવી હતી, જ્યારે મોડી રાત્રે અન્ય ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા

દેશ ના 7 રાજ્યોની 13 વિધાનસભાની બેઠકો પર 10 જુલાઈએ પેટા ચૂંટણી યોજાશે.

લોકસભા ચૂંટણી પછી દેશના અલગ અલગ રાજ્યોની 13 વિધાનસભાની બેઠકો પર 10 જુલાઈએ પેટા ચૂંટણી યોજાશે જેમાબિહારની 1, બંગાળની 4, તમિલનાડુની 1, મધ્ય પ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1, હિમાચલની 3 સીટો પર મતદાન થશે. આ સીટો પર પેટા ચૂંટણીનું નોટિફિકેશન 14 જૂને જાહેર થયું હતુ, ઉમેદવારીની છેલ્લી તારીખ 21 જૂન અને સ્ક્રુટની 24 જૂને થઈ ચૂકી છે. ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ 26 જૂન રાખવામાં આવી હતી. આ તમામ પ્રક્રિયા પછી હવે 10 જુલાઈએ મતદાન થનાર છે. જેનું પરિણામ 13 જુલાઈએ આવશે.

કેન્દ્રીય નાણામંત્રી 23 જુલાઈએ લોકસભામાં બજેટ રજૂ કરશે.

22 જુલાઈથી શરૂ થનાર સંસદનું આગામી સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારનું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ લોકસભામાં બજેટ રજૂ કરશે. દેશના સામાન્ય નાગરિકોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. માનવામાં આવે છે કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બજેટમાં ઘણી ભેટ આપી શકે છે.

કોંગ્રેસ ઓગસ્ટ મહિનામાં ન્યાયયાત્રા યોજવાનું આયોજન

કોંગ્રેસે આગામી ઓગસ્ટ મહિનામાં ન્યાયયાત્રા યોજવાનું આયોજન કર્યું છે. આ ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી સામેલ થશે. આ ન્યાયયાત્રા ગુજરાતમાં થોડા મહિનાઓમાં બનેલી ઘટનાઓના સ્થલોને જોડતી યાત્રા હશે.આ ન્યાયયાત્રા મોરબીથી સુરત સુધીની હશે અથવા ગાંધીનગર સુધીની યાત્રા હશે.કોંગ્રેસની આ ન્યાયયાત્રા મોરબી દુર્ઘટના સ્થલેથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ન્યાયયાત્રા રાજકોટ ટીઆરપી ગેમઝોન, ઉના થાણ અને અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરતના દુર્ઘટના સ્થળોને જોડતી યાત્રા હશે.

સગા દીકરાએ માતાને ચપ્પુના ઘા મારીને રામ રમાડી દીધા

અંકલેશ્વરમાં કળિયુગી શ્રવણનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.જેમાં સગા જ દીકરાએ તેની માતાની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં રહેતા રણસિંહ ચૌધરીના 27 વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રાવતીની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી.ગતરોજ બપોરના સમયે સિદ્ધાંત અને તેની માતા ઘરે હતા તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેમાં આવેશ આવી ગયેલા સિદ્ધાંતે તેની માતાને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી નાંખી હતી.

મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસે ફરી એક વાર માથું ઊંચક્યું,4 દર્દીઓ પોઝિટિવ નોંધાયા

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઝીકા વાઈરસના 4 દર્દીઓ પોઝિટિવ આવ્યા.આ સાથે દેશના તમામ રાજ્યોમાં ઝીકા વાઈરસને લઈને એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત રાજ્યે પણ ઝીકા વાઈરસ ગંભીર બીમારી હોવાનું ધ્યાનમાં રાખતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું. અને રાજ્યના તમામ CDHO અને MOH સાથે તાત્કાલિક વીડિયો કોન્ફરન્સ કરી મીટિંગ કરી. આ મીટિંગમાં બીમારીને લઈને કેવા પગલાં લેવા તેને લઈને ચર્ચા કરવામાં આવી. ઉપરાંત સામાન્ય નાગરિકો આ બીમારીના લક્ષણોથી માહિતગાર થાય તેને લઈને સૂચનો આપવામાં આવ્યા.

જમ્મુ-કાશ્મીરમાં બે જગ્યાએ એન્કાઉન્ટર પાંચ આતંકવાદીઓ ઠાર,બે જવાન શહીદ થયા

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આજે થયેલા એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ અથડામણમાં બે જવાન શહીદ થયા હતા. જિલ્લામાં બે જગ્યાએ એન્કાઉન્ટર થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે કુલગામના ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ત્યારે આતંકવાદીઓ સાથે અથડામણ થઈ.અન્ય ચાર આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે.તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે.

ગુજરાતના વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

ગુજરાતના વિવિધ શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રાજા રણછોડની 252મી રથયાત્રા ખૂબ ધામ પૂર્વક નીકળી હતી.મોડાસામાં બાલકદાસજી મંદિરથી 42મી રથયાત્રા,
ભાવનગરમાં 39મી રથયાત્રા,માણસામાં 51મી,મહુવામાં ભગવાનની 26મી રથયાત્રાઆ સિવાય આણંદ વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શ્રદ્ધાભેર નીકળી હતી .ભક્તોએભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી તેમજ ભાઈ બળદેવજીના દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.