AnandToday
AnandToday
Wednesday, 03 Jul 2024 18:30 pm
AnandToday

AnandToday

આજની 10 મહત્વની ખબર

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા નો વધારા થશે.

ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે સારો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની જાહેરાત કરવામાં આવી છે.નોંધનીય છે કે, આ લાભ તારીખ 01 જાન્યુઆરી, 2024થી આપવાની જાહેરાત કરવામાં આવી છે.મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 01 જાન્યુઆરી, 2024 થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસે જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ ઈટાલીના પ્રવાસે ગયા હતા. ત્યારે હવે રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસે જશે. પીએમ મોદી 8 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાશે જશે. જ્યાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે.આખી દુનિયાની નજર પીએમ મોદીના પ્રવાસ પર રહેશે. કેમ કે, યુક્રેન યુદ્ધ બાદ પહેલી વાર રશિયા જવાના છે.જેમાં બંને નેતાઓ વચ્ચે થનારી ચર્ચા પર સૌ કોઈની નજર રહેશે.

યુપીના હાથરસ કાંડમાં બે મહિલાઓ સહિત છ લોકોની ધરપકડ

હાથરસ નાસભાગના બે દિવસ બાદ યુપી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણી મહત્વની માહિતી આપી છે. પોલીસે જણાવ્યું કે નાસભાગમાં 122 લોકોના મોત થયા છે, જેમાંથી 112 મહિલાઓ છે. તમામ મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને તેમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 105, 110, 126(2), 223 અને 238 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.આઈજીએ કહ્યું કે આ કેસમાં ચાર પુરૂષ અને બે મહિલાઓ સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ તમામ આયોજન સમિતિના સભ્યો છે અને ‘સેવાદાર’ તરીકે કામ કરે છે. આ તમામ લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.મુખ્ય આરોપી પ્રકાશ મધુકરની ધરપકડ કરવા પર 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવશે. આ ઘટના કોઈ કાવતરાના ભાગરૂપે બની છે કે કેમ તેની પણ તપાસ કરીશું.

ટીમ ઇન્ડિયાનું ભવ્ય સ્વાગત,મોદી સાથે મુલાકાત, મુંબઈમાં ભવ્ય વિજયોત્સવ

ટી20 ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પીયનનો ખિતાબ જીતેલી ભારતીય ટીમ આજે વહેલી સવારે સ્વદેશ પરત ફરી હતી ત્યારે એરપોર્ટથી હોટલ સુધી અભૂતપૂર્વ સ્વાગત થયુ હતું. ઈન્ડિયા-ઈન્ડિયાની ગુંજ વચ્ચે સેંકડો ક્રિકેટ ફેન્સ ઉમટી પડયા હતા.હોટલમાં રોકાણ બાદ ટીમના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સાંજે મુંબઈમાં મરીન ડ્રાઈવથી ભવ્ય 'વિજય સેલીબ્રેશન' યોજાયું હતું

દેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ ડિસેમ્બરથી કાર્યરત થઇ શકે છે.

દેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ ડિસેમ્બરથી કાર્યરત થઇ શકે છે. આ હાઇવે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદૃેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે મુસાફરીના અનુભવને નોંધપાત્ર રીતે વધારવા માટે તૈયાર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં આ એક મોટી પ્રગતિ છે.૧,૩૮૬ કિમીમાં ફેલાયેલ અને નવ તબક્કામાં વહેંચાયેલો આ વિશાળ પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થવા પર છે. જેમાં આ વર્ષના અંત સુધીમાં આઠ તબક્કાઓ કાર્યરત થવાની ધારણા છે.

ભાજપના યુવા નેતાએ ગુજરાતની દારૂબંધી પર ગંભીર સવાલો ઉઠાવ્યા 

અમરેલીમાં ભાજપના યુવા નેતાએ ગુજરાતની દારૂબંધી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભાજપના આ નેતાએ સોશિયલ મીડિયામાં દારૂ પીનારાઓનો પુરાવો આપતો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોથી પોલીસ બેડા તથા ભાજપ વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.અમરેલીમાં વિપુલ દુધાતએ ગુજરાતમાં દારૂબંધી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય વિપુલ દુધાતે લીલીયામાં દેશી દારૂ સાથે 2 યુવાનોને પકડી પાડ્યા હતા. બંને યુવકો પાસેથી બાઈકમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. અમરેલીના લીલીયા તાલુકામાં છાશની માફક દારુનું વેચાણ થતુ હોવાનો મેસેજ પણ વિપુલ દુધાતે જાહેર કર્યો છે.

હવે કાપડની બેગ ATM મશીન માંથી  મેળવી શકશો

"આંતરરાસ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી" દિવસ ની ઉજવણી અન્વેય ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ઓછો થાય તથા કાપડની બેગનો ઉપયોગ વધે તે હેતુથી રાધેક્રીષ્ના મંદિર, ભાડ્જ, અમદાવાદ ખાતે  અધ્યક્ષ ગુજરાત પ્રદૂષણ નિયત્રંણ બોર્ડ તથા ગુજરાત અમ્બુજા એક્સ્પોટ્ર્ર્ર્ર્ના સહયોગથી કાપડની બેગના એટીએમ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ એટીએમ મશીનથી દસ રુપિયામાં કાપડની મોટી થેલી પ્રાપ્ત થાય છે. વધુમાં  મણિનગર અમદાવાદ તથા ખેડબ્રહ્મા ખાતે નાના અંબાજીમાં પણ આ પ્રકારના મશીનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશના અનેક રાજ્યોમાં વરસાદ 

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થયો છે. ઉત્તરાખંડ, પૂર્વ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ નોંધાયો હતો. તે જ સમયે, હરિયાણા, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને વિદર્ભમાં અલગ-અલગ સ્થળોએ સારો વરસાદ થયો હતો. દિલ્હી-એનસીઆરમાં દિવસભર આકાશ વાદળછાયું રહ્યું હતું અને ઘણી જગ્યાએ હળવોથી ભારે વરસાદ થયો હતો. કેટલાક સ્થળોએ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

ગોંડલ આશાપુરા મંદિરમાં ચોકીદારને બંધી બનાવી રૂ .3.15 લાખની લૂંટ

ગોંડલના 350 વર્ષ જુના રાજવી પરિવાર હસ્તકના આશાપુરા માતાજીના પુરાતન મંદિરમાં ગત રાત્રીના ત્રણ જેટલા તસ્કરોએ મંદિરના ચોકીદારને તેની ઓરડીમાં પુરી દઇ આશાપુરા મંદિર તથા બાજુમાં આવેલા ગણેશ મંદિરને નિશાન બનાવી ચોકીદારને બંધી બનાવી માતાજીના આભુષણો તથા રોકડ મળી કુલ રૂ.3.15 લાખની માલમતાની લૂંટ કરી જતા સનસનાટી મચી ગઈ હતી.

રેફ્રિજરેટરમાં વીજ કરંટ લાગવાથી માતા-પુત્રીનું ઘટનાસ્થળે મોત

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં રેફ્રિજરેટરમાં વીજ કરંટ લાગવાથી માતા-પુત્રી બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 55 વર્ષની શાયદા ફ્રીજમાં રાખેલી કેરીઓ કાઢવા ગઈ હતી અને દરવાજો ખોલતા જ તેને વીજળીનો કરંટ લાગ્યો હતો. માતાને ફ્રિજમાં ફસાયેલી જોઈ પુત્રી અફસાના ખાતૂન (30) તેને બચાવવા દોડી હતી પરંતુ તે પણ વીજ શોકનો ભોગ બની હતી.એક જ મિનિટમાં બંનેના મોત થઈ ગયા. બનાવથી પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી.