ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગના સમાપન દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 100 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં ઘણી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. દરેકની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સિકંદરા રાઉના ફુલરાઈ ગામમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મૃત્યુઆંક વધી શકે છે. મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.સંસદ સત્ર દરમિયાન પીએમ મોદીએ હાથરસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો તેમજ મૃતક અને ઘાયલો માટે સહાયની પણ જાહેરાત કરી હતી
રાજકોટ અગ્નિકાંડને લઈને અધિકારીઓના એક બાદ એક આકંદ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે તત્કાલીન TPO મનસુખ સાગઠીયાની પણ સંડોવણી પણ સામે આવ્યા બાદ એસીબીએ પણ કાર્યવાહી કરી હતી. TPO સાગઠિયાની ઓફિસનું સીલ ખોલતાં જ કરોડોનો ખજાનો મળી આવ્યો છે. સાગઠીયાની ઓફિસનું સીલ ખુલતા ACBને રૂપિયા ત્રણ કરોડની રોકડ રકમ હાથ લાગી છે. 15 કરોડથી વધુની કિંમતનું સોનું પણ હાથ લાગ્યું છે.
આણંદ જિલ્લાના બોરસદ શહેરની ભોભાફળી શાકમાર્કેટ પાસે કચરામાંથી 2 EVM યુનિટ મળી આવ્યા છે.જેમાં બોરસદમાં ચૂંટણી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. 2018 ચૂંટણીના EVM મશીન કચરામાંથી મળ્યા છે. જેમાં વર્ષ 2018માં ગ્રામ પંચાયતની ચૂંટણીના EVM મળ્યા છે. તેમાં EVMનો ગ્રા.પં.ની પેટા ચૂંટણીમાં ઉપયોગ થયો હતો.હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં હવે તે EVM ત્યાં કેવી રીતે આવ્યા કે જાણી જોઈને ફેંકી દેવામાં આવ્યા છે તેને લઈને મોટા સવાલો લોકો કરી રહ્યાં છે.
પૂણેના લોનાવાલામાં ભૂસી ડેમ દુર્ઘટનામાંથી અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક બાળક હજુ પણ ગુમ છે. NDRFની ટીમ સોમવારે સવારથી ગુમ થયેલા બાળકને શોધી રહી છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને પ્રવાસન સ્થળો પર સતર્ક રહેવાની અપીલ કરી છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ની એક જેલમાં સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. સુરક્ષા ગાર્ડ પર હુમલો કરીને 19 ખતરનાક કેદીઓ અહીંની જેલમાંથી ભાગી ગયા હતા. સોમવારે ઘટનાક્રમના આ ક્રમ વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ફરાર કેદીઓમાંથી છને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે.સાથે જ ભારતમાં મોસ્ટ વોન્ટેડ એક આતંકી પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની જેલમાં બંધ હતો.હવે તે જેલ તોડીને ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. 'જેલ બ્રેક'ની આ ઘટના મંગળવારે પુંછની રાવલકોટ જિલ્લા જેલમાં બની હતી. આ ઘટનામાં 19 કેદીઓ નાસી છૂટ્યા હતા, જેમાંથી કેટલાક ગંભીર ગુનાઓમાં સજા કાપી રહ્યા હતા.આ મામલો PoKના રાવલકોટનો છે. PoK પોલીસે જેલમાંથી ફરાર આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. આ સાથે આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 19 આતંકવાદીઓની શોધ ચાલી રહી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જો કે હજુ સુધી કોઈ આતંકવાદી પકડાયાના સમાચાર નથી.
આણંદમાં ટેક્સ મુદ્દે નગરપાલિકા તંત્ર એ કડક વલણ અપનાવ્યું છે. ટેકસ ભર્યા વિના ચલાવતી મિલકતોના માલિકો સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે. જો કોઈ મિલકત માલિકો સમયસર ટેક્સ નહી ભરે તો નગરપાલિકા તંત્ર તેની મિલકતને સિલ કરશે. શહેરમાં નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની ઝુંબેશ હાથ ધરાઈ છે જે અંતર્ગત શહેરના વિધાનગર રોડ પર આવેલ ટાઈમ સિનેમા અને એક દુકાનને પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું છે. આ અંગે પાલિકા સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટાઈમ સિનેમાનો 3 લાખથી વધું ટેક્સ બાકી છે અને સીલ કરાયેલ દુકાનનો 30 હજાર જેટલો વેરો બાકી છે.તંત્રની અપાયેલી નોટિસો બાદ પણ બાકીનો ટેક્સ ન ભરતા મિલકતોને પાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી. ટેક્સ મુદ્દે નગરપાલિકા તંત્રના કડક વલણોથી હવે કોઈ બચી શકશે નહીં. આગામી દિવસોમાં પણ ટેક્સ વિભાગ દ્વારા મિલકત સીલીંગ ઝુંબેશ યથાવત રહેશે. તંત્ર હવે માલિકોને પોતાની જવાબદારીનું ભાન કરાવશે.
આંધ્રપ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી અને તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર પવન કલ્યાણે જન પ્રતિનિધિ તરીકેનું વેતન લેવા ઈન્કાર કરી દીધો છે.તેઓ પ્રખ્યાત અભિનેતા ચિરંજીવી અને નાગેન્દ્ર બાબુનાં નાનાભાઈ છે.તથા જનસેવા પક્ષનાં અધ્યક્ષ છે.પવન કલ્યાણ ઉપ મુખ્યમંત્રી ઉપરાંત પંચાયતી રાજ વિભાગનાં પણ પ્રધાન છે. રાજયની ખરાબ આર્થિક સ્થિતિનાં કારણે વેતન નહિ લેવાનું જાહેર કર્યુ છે.કોઈ ભથ્થા પણ લેશે નહિં.ઉલ્લેખનીય છે કે 55 વર્ષનાં સુપરસ્ટારની કુલ સંપતી 164.53 કરોડ છે.
રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ રોષ ફેલાયો છે. જેમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બજરંગ દળનો વિરોધ શરૂ થયો છે. રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસક કહેતા વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવાર, 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે ભગવાન શિવનો ફોટો બતાવીને ભાષણની શરૂઆત કરી હતી. 90 મિનિટના ભાષણમાં રાહુલે હિન્દુત્વ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, અયોધ્યા અને મોદીનો ડર જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમજ ડરો મત અને ડરાવો મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને પણ કેટલીક વાતો કરી હતી. તેમજ અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને ટાંક્યા હતા. તેણે આપેલા નિવેદનથી હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.રાહુલ ગાંધીના પોસ્ટરો ઉપર કાળી શાહી લગાવી વિરોધ કરાયો હતો
ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. સરકારે સ્ટુડન્ટ વિઝા ફીમાં બમણો વધારો કર્યો છેઓસ્ટ્રેલિયાએ 1 જુલાઈથી વિદેશી વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે રૂ. 39,527) થી વધારીને 1,600 ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે રૂ. 89,059) કરી છે. ઉપરાંત, વિઝિટર વિઝા ધારકો અને કામચલાઉ સ્નાતક વિઝા ધારકો વિદ્યાર્થી વિઝા માટે અરજી કરી શકશે નહીં. ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રી ક્લેર ઓ'નીલે કહ્યું કે આ ફેરફારોથી હાઉસિંગ માર્કેટ પર દબાણ ઘટશે. માર્ચના ડેટા અનુસાર, 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં સ્થળાંતર 60 ટકા વધીને 5,48,800 થઈ ગયું હતું.નવી સિસ્ટમ બાદ ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા મેળવવો અમેરિકા અને કેનેડા કરતા મોંઘો થઈ ગયો છે. હાલમાં અમેરિકામાં ફી 185 કેનેડિયન ડોલર છે અને કેનેડામાં તે 150 કેનેડિયન ડોલર છે.
અમદાવાદમાં 7 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે તેને લઈને તમામ વ્યવસ્થાઓમાં તંત્ર લાગ્યુ છે, પોલીસ પણ સુરક્ષાને લઈ સતત ચેકિંગ અને સંદિગ્ધ લોકો પર નજર રાખી રહી છે.ત્યારે શહેરમાં રથયાત્રા પહેલા જ 2 લોકોની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. હિંમતનગરથી ચિલોડા તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં વાહન ચેકિંગ દરમિયાન ચિલોડા પોલીસે બે લોકોની પિસ્ટલ અને દેશી બનાવટના તમંચા સાથે ધરપકડ કરી છે અને આ મામલે પોલીસે હથિયાર મંગાવનાર સામે તપાસ શરૂ કરી છે.