આણંદ શહેરના ડો.મહેન્દ્ર શાહ હોસ્પિટલ નજીક પેટ્રોલ પંપ પાસે એક વર્ષ જૂનું અને ઉંચુ લીમડાનું ઝાડ જમીન પર પડ્યું હતું. જેના કારણે ઝાડ નીચે ઉભેલા યુવાનનું દર્દનાક મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે થોડીવાર માટે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ શહેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પ્રાથમિક તપાસમાં મૃતકની ઉંમર 40 થી 45 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે અને તે અહીં નાસતો-ફરતો રહેતો હતો. જો કે પોલીસે તેની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. પરંતુ મોડી સાંજ સુધી મૃતકની ઓળખ થઈ શકી ન હતી. હાલ આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદની સહાય ચુકવવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચુકવવામાં આવશે. આ ખેડૂતોને એસડીઆરએફ નોર્મ્સ પ્રમાણે સહાય ચુકવવામાં આવશે. આ સિવાય વાત કરવામાં આવે તો મે મહિનામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું હતું. હવે રાજ્ય સરકારે નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1369 ખેડૂતોને સહાય ચુકવવાનો નિર્ણય લીધો છે. આ બધા ખેડૂતોને સરકારી નિયમ પ્રમાણે સહાય મળશે.
અમદાવાદમાં આજે વહેલી સવારે દારૂ ભરેલી ફોર્ચ્યુનર અને થાર કાર એસ પી રીંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.ફોર્ચ્યુનર કાર વિદેશી દારૂથી ખીચોખીચ ભરેલી હતી. ત્યારે થાર કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કારમાં બેઠેલા 3 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. કહેવાય છે કે આ અકસ્માત ગત વર્ષે સર્જાયેલા તથ્ય પટેલ કેસ કરતાં પણ મોટો છે. મોતનો આંકડો હજી વધવાની આશંકા જણાઈ રહી છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવરની ઉંચાઈ મામલે અનેક વર્ષો લડત ચલાવી અને નર્મદા નદીનાં વિસ્તાપિતોને વહારે ઉભા રહી દેશ - દુનિયામાં નામનાં મેળવનાર સમાજ સુધારક અને સેવક પ્રસ્તાપિત થનાર મેધા પાટકરને પણ જેલમાં જવાનો વારો આવી ગયો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને બદનામ કરવા બદલ મેધા પાટકર સામે દિલ્હીની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો તેનો ચુકાદો આવી ગયો છે અને કોર્ટ દ્વારા મેધા પાટકરને 5 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.દિલ્હીની સાકેત કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં સામાજીક કાર્યકર્તા મેધા પાટકરને આ સજા આપી છે. 5 મહિનાની જેલની સજાની સાથે સાથે કોર્ટે તેઓને 10 લાખ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
હવે ભારતીય મહિલા ટીમે પણ દક્ષિણ આફ્રિકાને ઝટકો આપ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર જીત ચેન્નાઈમાં રમાયેલી બંને દેશ વચ્ચેની એક માત્ર ટેસ્ટમાં મેળવી છે. ભારતીય ટીમે એક તરફી જીત મેળવતા 10 વિકેટથી વિજય મેળવ્યો છે. આ પહેલા ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ મહિલા ટીમે પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવીને 603 રન નોંધાવીને દાવ ડિક્લેર કર્યો હતો. જ્યારે ભારતીય ટીમ સામે બીજા દાવમાં આસાન લક્ષ્ય હતુ અને જેને વિના વિકેટે પાર કરી 37 રન નોંધાવી જીત મેળવી હતી.ફોલોઓન થઈને દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા દાવમાં ભારત સામે સ્કોર બોર્ડ પર 373 રન ખડકી દીધા હતા. પરંતુ ભારતીય ટીમને માત્ર 37 રનનું જ લક્ષ્ય હતું. જેને સરળતાથી ભારતીય ટીમે વિના વિકેટે જ પાર કરી લીધું હતું
ભારતીય ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપ જીત્યા પછી જલદીથી પોતાના દેશ પરત ફરવા માંગે છે, પરંતુ બાર્બાડોસના હવામાને તેમને રોકી દીધા છે. હવામાન વિભાગે બાર્બાડોસમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરી છે અને આ સંદર્ભે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે ત્યાંના તમામ એરપોર્ટ હાલમાં બંધ છે. બાર્બાડોસથી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સ્થાનિક લોકોને પણ તેમના ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ચક્રવાતી તોફાનના કારણે સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ છે.રોહિત શર્માની ટીમે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને રોમાંચક મેચમાં હરાવીને આ ટ્રોફી જીતી હતી. ભારતમાં રહેતા ટીમ ઇન્ડિયાના ચાહકો તેમની ચેમ્પિયન ટીમની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમને ભારત પરત ફરવામાં વિલંબ થઈ રહ્યો છે. બાર્બાડોસમાં ખરાબ હવામાનને કારણે જ્યાં T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી, ત્યાં આખી ભારતીય ટીમ ખરાબ રીતે ફસાઈ ગઈ છે. ત્યાંની સ્થિતિ એટલી ખરાબ છે કે, તમામ ખેલાડીઓને હોટલના રૂમમાં બંધ રહેવાની ફરજ પડી છે.
ગુજરાતમાં આવતીકાલથી પાંચ દિવસ સુધી ધમાકેદાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર પાંચ દિવસમાં ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ભારે વરસાદની સૂચના આપવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી, ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
માતરના મહેલજ ગામમાં વીજ કરંટ લગતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.માતરના મહેલજમાં બહારપુરા વિસ્તારમાં રહેતા સાજીદખાન પઠાણની કરિયાણાની દુકાન આવેલી છે.રવિવારે બપોરે સાજીદખાનનો પુત્ર ઓવેશ ઘરમાં આવેલી દુકાન ખોલવા માટે જતા શટલ ભીનું હોવાથી કરંટ લાગ્યો હતો. ઓવેશ છોડાવા જતા માતા યાસ્મીનબાનુ અને પાડોસીમાં રહેતા સોહેલને પણ કરંટ લાગતા મોત નિપજ્યાં હતા. એક વ્યક્તિને પણ કરંટ લાગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
લોકસભામાં સ્પીકર પદ માટે ઓમ બિરલા ચુંટાયા છે. પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ હજુ પણ ખાલી છે. એક અહેવાલ મુજબ ડેપ્યુટી સ્પીકરપદ માટે સમાજવાદી પાર્ટીના નેતા અવધેશ પ્રસાદના નામ પર વિપક્ષે સહમતિ દર્શાવી છે.વિપક્ષ ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદને ડેપ્યુટી ચેરમેન પદ માટે મેદાનમાં ઉતારશે. કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે મતભેદો સામે આવતા સ્પીકરપદની ચુંટણી દરમિયાનના અનુભવમાંથી શીખીને વિપક્ષોએ આ પદ માટે એક થઈને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સીએમ કેજરીવાલે આને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે.દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈની ધરપકડ અને રિમાન્ડ સામે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ 26 જૂને મુખ્યમંત્રીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ કોર્ટે તેમને ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધા હતા.સીએમ કેજરીવાલે આને હાઈકોર્ટમાં પડકાર્યો છે.