AnandToday
AnandToday
Saturday, 29 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 30 જૂન : 30 June 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ 

વિશ્વ સોશિયલ મીડિયા ડેની શરૂઆત 30 જૂન, 2010 ના રોજ મેશેબલ દ્વારા કરવામાં આવી હતી. આ દિવસનો જન્મ સોશિયલ મીડિયાની અસરને ઓળખવા અને ઉજવવા માટે દુનિયાને એક  સાથે લાવવાની રીત તરીકે થયો હતો. દરેક વ્યક્તિ દરરોજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે; આ રીતે આપણે દુનિયાભરના લોકો સાથે એક સરળ અને ઝડપી રીતે જોડાઈએ છીએ. સોશ્યલ મીડિયા આજે દરેકના જીવનનો એક અભિન્ન અંગ બની ગયુ છે. આજના સમયમાં સોશિયલ મીડિયાએ આપણે એકબીજા સાથે જોડાવાની રીત બદલી નાખી છે. સોશિયલ મીડિયાએ લોકોને તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે એક સ્વતંત્ર મંચ આપવા ઉપરાંત બધી ભૌગોલિક સીમાઓને ઓળંગીને સમગ્ર વિશ્વના લોકોને પણ એક બીજા સાથે જોડ્યા છે. નહી તો તમે ક્યારેય વિચાર્યુ હતુ કે તમે તમારા ઘરમાં બેસ્યા બેસ્યા તમારા મનની વાત દૂર રહેતા તમારા સ્વજન સુધી પહોચાડી શકો છો ? 

* પદ્મશ્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત સંગીતકાર જોડી કલ્યાણજી-આણંદજી પૈકીના કલ્યાણજીભાઈનો કચ્છમાં જન્મ (1928)
લગભગ 250થી વધુ ફિલ્મોમાં સંગીત આપનાર પ્રસિદ્ધ સંગીતકાર બાંધવબેલડી કલ્યાણજી-આણંદજીએ હિમાલય કી ગોદ મૈ, બૈરાગ, જબ જબ ફૂલ ખીલે, હાથ કી સફાઈ, કોરા કાગઝ, ઉપકાર, વિધાતા, ગંગા કી સૌગંધ, સચ્ચા જૂઠા, ધર્માત્મા, સરસ્વતીચંદ્ર, ડોન, કુરબાની, મુકદ્દર કા સિકંદર, લાવારીસ, ત્રિદેવ વગેરેનો ફિલ્મો માટે સંગીત આપ્યું છે.

* નવસારીમાં જન્મ, "ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન" તરીકે ઓળખતા રાષ્ટ્રવાદી નેતા અને સમાજસુધારક દાદાભાઈ નવરોજીનું મુંબઈ ખાતે અવસાન (1917)
તેઓ ગણિત અને ભૌતિકશાસ્ત્રનાં મુખ્ય પ્રાધ્યાપકનું પદ મેળવનાર તેઓ પ્રથમ હિન્દી હતાં અને દાદાભાઈ ઇંગ્લેન્ડનાં ઉદારમતવાદીઓનાં ટેકાથી બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિંદી સભ્ય તરીકે ચૂંટાયાં હતાં
ઈ.સ.1874માં વડોદરા રાજ્યનું દીવાનપદ સ્વીકારી તેમણે રાજ્યનો વહીવટ સુધાર્યો

* ભારતરત્ન, પદ્મવિભૂષણ, પદ્મશ્રીથી સન્માનિત ડૉ.સી.એન.આર.રાવ તરીકે જાણીતાં ભારતીય રસાયણશાસ્ત્રી ચિંતામણી નાગેશ રામચંદ્ર રાવનો કર્ણાટક રાજ્યનાં બેંગ્લોરમાં જન્મ (1934)
ભારતના વડાપ્રધાનની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના પ્રમુખ પણ રહી ચુકેલ રાવ પાસે વિશ્વભરની 60 યુનિવર્સિટીઓમાંથી માનદ ડોકટરેટ છે અને તેમણે લગભગ 1,600 સંશોધન પ્રકાશનો અને 51 પુસ્તકો લખ્યા છે
તેમને છેલ્લા પાંચ દાયકાથી નક્કર રાજ્ય અને ભૌતિક રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા વૈજ્ઞાનિકોમાં માનવામાં આવે છે

* જેઠવા વંશના પોરબંદરના છેલ્લા મહારાજા લેફ્ટનન્ટ-કર્નલ મહારાજા રાણા શ્રી સર નટવરસિંહજી ભાવસિંહજી સાહેબ બહાદુરનો પોરબંદર ખાતે જન્મ (1901)
જેમણે 10 ડિસેમ્બર 1908ના રોજ પોરબંદરના રજવાડાની ગાદી પર આરોહણ કર્યું અને 15 ફેબ્રુઆરી 1948ના રોજ તેમનું રાજ્ય ભારતમાં વિલીન થયું ત્યાં સુધી શાસન કર્યું

* ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી - સાહિત્ય ગૌરવ પુરસ્કાર, ૫ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પુરસ્કારો, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી - જીવન ગૌરવ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી સાહિત્યકાર દિનકર જોષીનો ભાવનગરમાં જન્મ (1937)

* દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે (1996-98) અને કેન્દ્રીય શ્રમ મંત્રી તરીકે સેવા આપનાર ભાજપના ભૂતપૂર્વ વરિષ્ઠ ઉપાધ્યક્ષ સાહિબ સિંહ વર્માનું રાજસ્થાનમાં અવસાન (2007)

* રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના આગેવાન રાજકારણી લોકસભામાં 3 વખત સંસદસભ્ય સુપ્રિયા સુલેનો પુના ખાતે જન્મ (1969)
તેમના પિતા શરદ પવાર મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય નેતા છે 

* ડોગરા વંશના સ્થાપક અને બ્રિટિશ રાજ હેઠળના બીજા સૌથી મોટા રજવાડા જમ્મુ અને કાશ્મીરના ટોપા રાજપૂત રજવાડાના પ્રથમ મહારાજા ગુલાબ સિંહ જામવાલનું શ્રીનગર ખાતે અવસાન (1857)

* ભારતની સૌથી જૂની કોમર્શિયલ સિન્ડિકેટ બેંકના સ્થાપક-નિર્દેશક વી.એસ. (વામન શ્રીનિવાસ) કુડવાનું મેંગલુરું ખાતે અવસાન (1967)

* આદમજી ગ્રુપ અને પાકિસ્તાનની સૌથી મોટી એમસીબી બેન્કના સ્થાપક પાકિસ્તાની ઉદ્યોગપતિ અને પરોપકારી સર આદમજી હાજી દાઉદ બાવાનો ગુજરાતના જેતપુર ખાતે જન્મ (1880)

* શ્રીલંકાના મહાન ક્રિકેટ ખેલાડી (110 ટેસ્ટ, 445 વનડે અને 31 ટી-20 રમનાર) સનથ જયસૂર્યાનો જન્મ (1969)
વનડેમાં 323 વિકેટ લેવા ઉપરાંત 13430 રન પણ ફટકર્યા છે 

* બોલતી ફિલ્મોનાં શોધક અને અવાજને મોટો કરનાર એમ્પ્લીફાયરની શોધ માટે પ્રખ્યાત લી. ડી. ફોરેસ્ટનું હોલીવૂડમાં અવસાન (1961) 
ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં તેમણે લગભગ 180 જેટલી શોધો કરેલી અને વાયરલેસ ટેલિગ્રાફી ક્ષેત્રે આપેલાં યોગદાન બદલ અનેક સન્માન અને એવોર્ડ પણ મળવા સાથે વિશ્વમાં પ્રથમ રેડિયો બ્રોડકાસ્ટનો યશ ફોરેસ્ટને ફાળે જાય છે

* બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં પટકથા લેખક અને દિગ્દર્શક સઈદ અખ્તર મિર્ઝાનો મુંબઈમાં જન્મ (1943)
તેમની નોંધપાત્ર સમાંતર ફિલ્મોમાં મોહન જોશી હજીર હો!, આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યૂન આતા હૈ, સલીમ લંગડે પે મત રો અને નસીમ વગેરે છે 

* "આયર્ન માઈક" અને "કિડ ડાયનામાઈટ" (પછીથી "ધ બેડેસ્ટ મેન ઓન ધ પ્લેનેટ") હુલામણા નામથી ઓળખાતા, (1985 થી 2005 સુધી સ્પર્ધા કરનાર) અત્યાર સુધીના સૌથી મહાન હેવીવેઇટ બોક્સરોમાંથી એક અમેરિકન ભૂતપૂર્વ વ્યાવસાયિક બોક્સર અને અભિનેતા માઈક ટાઈસનનો અમેરિકામાં જન્મ (1966)

* રોજા અને બોમ્બે ફિલ્મથી હિન્દી સિનેમામાં લોકપ્રિય તામિલ અભિનેતા અરવિંદ સ્વામીનો ચેન્નાઇ ખાતે જન્મ (1970)

* નિવૃત્તિ પહેલા તેમનું છેલ્લું પદ ચીન માટે બ્રિટિશ સુપ્રીમ કોર્ટના સહાયક ન્યાયાધીશ તરીકે હતું તે બ્રિટિશ ન્યાયાધીશ ગિલ્બર્ટ વોલ્ટર કિંગનો મુંબઈમાં જન્મ (1871)

* ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમની કેપ્ટન રહેલ બાસ્કેટબોલ ખેલાડી ગીથુ અન્ના જોસનો કેરળ રાજ્યમાં જન્મ (1985) 

* અભિનેતા, કવિ, પટકથા લેખક, નાટ્યકાર અને સ્વાતંત્ર્ય સેનાની બાલિજેપલ્લી લક્ષ્મીકાંત કવિનું આંધ્ર પ્રદેશ રાજ્યમાં અવસાન (1953)

* મુંબઈમાં પહેલી કાપડ મિલ સ્થાપનાર સર દિનશા માણેકજી પીટીટનો મુંબઈમાં જન્મ (1823)

* નવકેતન ફિલ્મસના સંચાલક અને સુપરસ્ટાર દેવ આનંદના અભિનેતા પુત્ર સુનિલ આનંદનો સ્વીટઝર્લેન્ડ ખાતે જન્મ (1956)

* હિન્દી અને તેલુગુ ફિલ્મો તથા ટેલિવિઝન અભિનેત્રી અવિકા ગોરનો જન્મ (1997)
જે બાલિકા વધુમાં 'આનંદી' અને સસુરાલ સિમર કામાં 'રોલી'ના પાત્ર માટે જાણીતી છે 

* યુપીના મૌ મતવિસ્તારમાંથી વિક્રમી પાંચ વખત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયેલ બીએસપી નેતા મુખ્તાર અંસારી ગાઝીપુર ખાતે જન્મ (1963)

* મોડલ અને હિન્દી ટીવી અભિનેતા (મહાભારતમાં દુર્યોધન) અર્પિત રંકાનો રાજસ્થાનના ભીલવાડા ખાતે જન્મ (1983)

>>>> સાર્થકતા જીવનના પ્રયોજન, મહત્વ, સંતુષ્ટિ અને ધરપતમાંથી આવે છે. સુખમાં જાતને લાડ-પ્યારથી પંપાળવાનો ભાવ છે. સાર્થકતામાં જીવનના પડકારોને પાર કરવાનો સંઘર્ષ, જીવનને બહેતર બનાવવાનો સ્ટ્રેસ હોય છે. સુખમાં માત્ર ભોગવવાનું હોય છે. સાર્થકતામાં સર્જન હોય છે. પોતાના વિચારો, કલ્પનાઓ, જિજ્ઞાસાઓ જેમાં વ્યક્ત થાય તેવું કામ કરવું એ સાર્થકતાની નિશાની છે. કોઈ ભલે ગરીબ હોય, પણ તે પ્રયોગ કરે અને નવું જ્ઞાન એકઠું કરે તો તેમાં સુખ ભલે ન હોય, પણ સાર્થકતા જરૂર હોય છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)