આણંદ જિલ્લામાં નદી, નાળા, કેનાલ સહિતના જળસ્થળોમાં વ્યક્તિઓના ડુબવાની ઘટનાને લઈ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે . જિલ્લામા એક માસમાં ઘણા વ્યક્તિઓનું ડૂબવાથી મોત થયું છે.સલામતી અને સાવચેતીના ભાગરૂપે ભયજનક જળસ્થળોએ લોકો ન પ્રવેશે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટનો આદેશ કર્યો છે અને પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને જીલ્લાના જળસ્થળોમાં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવાયો છે .જાહેરનામા મુજબ જિલ્લાના તમામ વિસ્તારના નદી નાળામા ન્હાવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે . ૩૧ જુલાઈ સુધી જાહેરનામું અમલમાં રહેશે .
દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે લાલકૃષ્ણ અડવાણીને મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ્સના યુરોલોજી વિભાગના પ્રોફેસર ડો. અમલેશ શેઠ તેમની સારવાર કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે.પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર તે સ્વસ્થ છે. 96 વર્ષના લાલકૃષ્ણ અડવાણી ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમની ઉંમર સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે તેમને દાખલ કરવામાં આવ્યા છે.
દેશભરમાં ખળભળાટ મચાવનાર મેડિકલમાં એન્ટ્રેન્સ માટે લેવાતી 'નીટ' પરીક્ષાની પેપર લીક કૌભાંડમાં સીબીઆઈએ પહેલી ધરપકડ પટણાથી કરી છે. સીબીઆઈએ મનીષ પ્રકાશ નામના શખ્સની ધરપકડ કરી છે.મનીષ પ્રકાશની પુછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે તેણે ઉમેદવારો માટે સ્કુલ બુક કરાવી હતી.
પાકિસ્તાનમાં હીટવેવને કારણે મોતનો સિલસિલો યથાવત છે. કરાચીમાં છેલ્લા ચાર દિવસમાં ગરમીને કારણે 450 લોકોનાં મોત થયા છે તેમ એક અગ્રણી એનજીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઇદી ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું છે કે તેને શનિવારથી મંગળવાર સુધીમાં 427 મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત સિંધ સરકારે મંગળવારે ત્રણ સરકારી હોસ્પિટલોમાંથી 23 મૃતદેહો જારી કર્યા હતાં.
રાજસ્થાનના જયપુરમાં મેડિકલ કોલેજના MBBS સ્ટુડન્ટને રેગિંગને કારણે કિડનીમાં ઈન્ફેક્શન થયું હતું, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો અને 4 વખત ડાયાલિસિસ કરાવવું પડ્યું હતું. આ કિસ્સામાં, મેડિકલ કોલેજ એન્ટી રેગિંગ કમિટીએ તપાસમાં રેગિંગની પુષ્ટિ કર્યા બાદ કોલેજમાંથી બીજા વર્ષના 7 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હતા.આ સિવાય મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે 7 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક યુવતી સાથે લગ્નના નામે 19 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. તે જેની સાથે લગ્નકરીને લંડનમાં સ્થાયી થવા માંગતી હતી. તે યુવકે જ તેની સાથે છેતરપિંડી કરી. છેતરપિંડી કરનારે યુવતી સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કરી હતી. તેણે લખનૌમાં રહેતા તેના પરિવાર સાથે વાત પણ કરાવી. બાદમાં એવી રમત રમી કે તેઓએ દુલ્હન પાસેથી 19 લાખ રૂપિયા પડાવી લીધા. જ્યારે કન્યાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ પછી મહિલા પોલીસ સ્ટેશન ગઈ અને છેતરપિંડી કરનાર વર સામે કેસ નોંધાવ્યો.
અમદાવાદમા રિવરફ્રન્ટ હોય કે કાંકરિયા લેક ખાતે મુલાકાતીઓ અને બહારથી આવતા પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઉભું કરવામાં આવે છે. કાંકરિયામાં બયરફ્લાય પાર્ક પાસે પરીની પાંખ જેવું સેલ્ફી પોઇન્ટ ઉભો કરવામાં આવ્યો છે. જે હાલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભુલકાઓથી લઇને મોટેરાઓ અહીં સેલ્ફી પાડીને મુલાકાતને યાદગાર બનાવી રહ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લાની લખતરના બજરંગપુરા અણીન્દ્રા નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે યુવકો ડૂબ્યા હતા. જેમાં એક યુવકની લાશ મળી આવી છે. જ્યારે અન્ય એક લાપતા થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બંને યુવકો કેનાલમાં પાણી પીવા માટે ઉતર્યા બાદ અકસ્માતે ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે.આ બન્ને યુવકો સુરેન્દ્રનગરના રતનપરના હોવાનું ખુલવા પામ્યુ છે.ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતક યુવકોના પરિવારને જાણ કરવામાં આવી હતી. જેમા આ ગોઝારી ઘટનાને લઈ પરિવાર શોકમગ્ન બન્યો છે.
ગોધરા NEET પરીક્ષા ષડયંત્ર રચવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. NEETની પરીક્ષાની તપાસનો રેલો ગોધરા બાદ હવે ખેડા જિલ્લાના થર્મલ ગામે પહોંચ્યો. થર્મલમાં આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં CBI દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.ગોધરા ખાતે લેવાયેલ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG)માં કથિત ગેરરીતિઓ આચરવામાં આવી હતી.
સરકાર નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. પહેલી જુલાઈથી ભારતીય દંડ સંહિતા, ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા સમાપ્ત થઈ જશે. આના બદલે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) લાગુ થઈ જશે. પોલીસ સ્ટેશનથી લઈ કોર્ટમાં અત્યાર સુધી અંગ્રેજો દ્વારા વર્ષ-1860માં બનાવવામાં આવેલા કાયદા આઈપીસીનો જ અમલ થઈ રહ્યો હતો. આને લઈ રિપોર્ટ નોંધવામાં આવતો અને કોર્ટમાં સુનાવણી થતી હતી. કોઈપણ એફઆઈઆઈઆરને જોવામાં આવે તો સૌથી પહેલા ભારતીય દંડસંહિતા 1860 જ લખેલું આવતું હતું. હવે પહેલી જુલાઈથી આના બદલે એફઆઈઆઈરમાં ભારતીય ન્યાય સંહિતા લખેલું જોવા મળશે. આઈપીસીમાં 511 કલમો અને બીએનએસમાં 358 કલમો છે.