AnandToday
AnandToday
Sunday, 23 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

આજની 10 મહત્વની ખબર

26મીએ લોકસભા સ્પીકર માટે સરકાર અને વિપક્ષ વચ્ચે ટક્કર થશે !

18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થઈ ગયું છે. સરકાર અને વિપક્ષે પોતપોતાની તૈયારી કરી લીધી છે. દસ વર્ષમાં પહેલીવાર, આ વખતે એક મજબૂત વિપક્ષ મોદી સરકારને ઘેરવા માટે શરૂઆતથી જ ભરચક પ્રયાસ કરી રહ્યો છે. પ્રોટેમ સ્પીકરની નિમણૂકને લઈને સંઘર્ષની શરૂઆત થઈ છે. સત્રના પ્રથમ બે દિવસમાં સાંસદોના શપથ ગ્રહણ દરમિયાન ગૃહમાં બહુ કંઈ થશે નહીં, પરંતુ 26 જૂને સ્પીકરની ચૂંટણીમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થઈ શકે છે.

આવતીકાલે રાજકોટની શાળા-કોલેજો બંધ રાખવા કોંગ્રેસ NSUI ની અપીલ

રાજકોટના અગ્નિકાંડ મુદે કોંગ્રેસ આક્રમક મૂડમા જોવા મળી રહી છે અને આવતીકાલે એટલે 25મી જૂન અને મંગવાળે બંધનુ એલાન આપ્યું છે ત્યારે રાજકોટની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહે તે માટે કોંગ્રેસના શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલ આગેવાનો- NSUIના પ્રદેશ અગ્રણીઓ ખાનગી શાળા સંચાલક મંડળના અગ્રણીઓને આ મુદે સમર્થન આપવા અપીલ કરી હતી.

રશિયામાં આતંકવાદી હુમલો 17 લોકો માર્યા ગયા અને 25 ઘાયલ ,ચાર આતંકવાદીઓ ઠાર

રશિયાના દાગેસ્તાન ક્ષેત્રના બે શહેરોમાં રવિવારે મોટો આતંકવાદી હુમલો થયો, જેમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા અને 25 ઘાયલ થયા. રશિયાની તપાસ સમિતિએ કહ્યું કે તેણે આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. આ હુમલાઓ લગભગ ફક્ત ચર્ચો, પૂજા સ્થાનો અને ડર્બેન્ટ અને મખાચકલા શહેરોમાં પોલીસ ચોકીઓ પર થયા હતા.સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં સાત અધિકારીઓ, એક પાદરી અને એક ચર્ચ સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે.રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, ચાર આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા

18મી લોકસભાના પ્રથમ સંસદ સત્રમાં સોમવારે (24 જૂન) સાંસદોએ શપથ લીધા છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા છે. 18મી લોકસભાના પ્રથમ સત્રની પ્રથમ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના મંત્રી પરિષદના સભ્યો તેમજ અન્ય નવા ચૂંટાયેલા સભ્યોએ ગૃહના સભ્યો તરીકે શપથ લીધા હતા.

અમરેલીના ખાંભામાં વીજ કરંટ લાગવાથી 3 લોકોના મોત 

અમરેલીના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં મકાનનું સમારકામ ચાલતુ હતુ. તેવામાં રેતી વોશિંગ કરતા સમયે 3 લોકોને વીજ કરંટ લાગતા 2 સગા ભાઈ અને ભત્રીજીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકોની પ્રાથમિક વિગત મુજબ, પથુભાઈ જીલુભાઈ બોરીચા (ઉ.વ.32), માનકુભાઇ જીલુભાઈ બોરીચા (ઉ.વ.30), મૃતક ભૌતિકભાઈ બાબુભાઇ બોરીચા આ ત્રણેય હનુમાનપૂર ગામના રહેવાસી હોવાની વિગતો સામે આવી છે.

દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઈંથી વધુ વરસાદ પડશે.મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 1 ઈંચ સુધીનો પડશે ખાબકશે. આગામી 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે.

સુરતમાં સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક ડોક્ટર સામે દુષ્કર્મ અને ધાકધમકીની ફરિયાદ

સુરતમાં ફરી એકવાર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.  સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. વિગતે વાત કરવામાં આવે તો ડૉ.કેતન પરમાર સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. એવી વિગતો સામે આવી રહીં છે કે, યુવતી શહેરના જાંજરડા રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ઈનટરશીપ કરતી હતી. પોલીસે ડૉ. કેતન પરમાર સામે દુષ્કર્મ અને ધાકધમકીની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યા

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક દુકાનમાં લૂંટારુઓએ 32 વર્ષીય ભારતીય નાગરિકની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે. મૃતકની ઓળખ દશારી ગોપીકૃષ્ણ તરીકે થઈ છે અને તે આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લાનો રહેવાસી હતો. ટેક્સાસ પોલીસના જણાવ્યા અનુસાર ભારતીય નાગરિક 8 મહિના પહેલા જ અમેરિકા આવ્યો હતો.

એક જ પરિવારના પાંચ લોકોને ટ્રકે કચડી નાખ્યાં

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સોમવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરથી એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. સરયમરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના રસીપુર ગામમાં આ અકસ્માત થયો હતો, પોલીસે ટ્રકનો કબજો લઈ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો હતો.જેમાં પતિ, પત્ની અને બે બાળકો સહિત પાંચના મોત થયા હતાસરયામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના રસીપુર ગામમાં સોમવારે સવારે લગભગ 10 વાગ્યે એક ટ્રકે બાઇકને ટક્કર મારી હતી.જેના કારણે બાઇક પર સવાર પતિ-પત્ની, બે નાના બાળકો અને અન્ય એક મહિલા રોડ પર પડી ગયા હતા અને ટ્રકે તમામને કચડી નાખ્યા હતા.

અમદાવાદ એરપોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

તાજેતરમાં જ વડોદરા સહિત દેશના 15 જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો હતો. આ ઘટનાના 6 દિવસ બાદ આજે અમદાવાદ એરપોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને પગલે અમદાવાદ એરપોર્ટ ઉપર CISFની ડોગ સ્કવોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ પહેલા ગત 12 મે, 2024ના રોજ પણ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.