AnandToday
AnandToday
Friday, 21 Jun 2024 00:00 am
AnandToday

AnandToday

આજની 10 મહત્વની ખબર

બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીએ આણંદ BAPS સ્વામી નારાયણ મંદિરે શીશ ઝુકાવ્યું

બોલીવુડ ફિલ્મ અભિનેતા, ફિલ્મ પ્રોડ્યુસર અને વિખ્યાત ઉદ્યોગપતિ શ્રી સુનીલ શેટ્ટીએ આજ રોજ ૨૧ જૂન સવારે આણંદ બી.એ.પી.એસ. સ્વામી નારાયણ મંદિરે મુલાકાત લીધી હતી. જ્યાં ઠકોરજીના દર્શન બાદ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી મહંત સ્વામી  મહારાજના નિવાસસ્થાનના દર્શન કરી ત્યાં આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા. પૂજ્ય ભગવદ્ચરણ સ્વામીએ પ્રાસાદિક હાર પહેરાવી તેઓનું અભિવાદન કર્યું હતું. શ્રી હરિકૃષ્ણ મહારાજના ચંદનના વાઘા નિહાળી તેઓ વિશેષ અભિભૂત થયા હતા અને રોબિન્સવિલ સ્થિત અક્ષરધામ મંદિરની સ્મૃતિઓ યાદ કરી હતી.પૂજ્ય સંતોએ આ મંદિરની વિશેષતા વર્ણવીને સંસ્થાના નિર્માણમાં આ સ્થાનના મહિમાથી તેઓને અવગત કર્યા હતા.

પીએમ મોદીએ શ્રીનગરમાં યોગ કર્યો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે યોગાભ્યાસ કર્યો હતો.યોગાભ્યાસ કર્યા બાદ વડાપ્રધાન મોદી યોગ સાથે જોડાયેલા લોકોને મળ્યા અને તેમની સાથે સેલ્ફી પણ લીધી. વડાપ્રધાનને તેમની વચ્ચે જોઈને લોકો પણ ઉત્સાહિત થઈ ગયા. લોકોએ તાળીઓ પાડીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું.

પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

21 મી જૂનને વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના ઝીરો પોઇન્ટ, નડાબેટ, બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

હજયાત્રામાં 90 ભારતીયો સહિત 900થી વધુ લોકોના મોત 

હજ 2024 દરમિયાન વિશ્વભરના મુસ્લિમો સાઉદી અરેબિયાના મક્કા અને મદીના પહોંચ્યા હતા. પરંતુ કાળઝાળ ગરમી અને ગરમીના મોજાને કારણે અહીં 90 ભારતીયો સહિત 900થી વધુ લોકોના મોત થયા હતા. 

22 મેમુ, ડેમુ ટ્રેન 1 જુલાઈથી ફરી દોડશે

કોરોનામાં બંધ કરાયેલી અમદાવાદ-વડોદરા,સાબરમતી-મહેસાણા સહિત 22 મેમુ, ડેમુ ટ્રેન 1 જુલાઈથી ફરી શરૂ થશે,અત્યાર સુધી સ્પેશિયલ ટ્રેનના નામે દોડાવાતી આ તમામ ટ્રેન નિયમિત નંબર સાથે દોડાવવાનો નિર્ણય કરાયો છે.કોરોના મહામારી શરૂ થયા બાદ અમદાવાદ સહિત દેશમાં તમામ ટ્રેનોનું સંચાલન રદ કરી દેવાયું હતું.

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા

જમીન પર દબાણની નોટિસ મામલે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. યુસુફ પઠાણે હાઈકોર્ટમાં સરકારી તંત્ર સામે મોટો આરોપ લગાવ્યો છે.યુસુફ પઠાણે કહ્યું કે, અલગ પક્ષમાંથી ચૂંટાયો હોવાથી મને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્રએ નોટિસ મોકલીને કહ્યું કે દબાણ દૂર નહીં કરો તો બુલડોઝર લઈને આવીશું.

ગોધરા-ટીંબા રોડ પર ગુડ્સના 10 જેટલા ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતર્યાં

પંચમહાલ  જિલ્લાના ગોધરા ટીંબા રોડ પર સિમેન્ટનો જથ્થો ભરેલી એક ગુડ્સ ટ્રેનને અકસ્માત નડ્યો છે. માહિતી મુજબ, ગુડ્સ ટ્રેનનાં 10 જેટલા ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી જતાં ડબ્બા ખડી પડ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતા રેલવે વિભાગ દોડતું થયું હતું અને કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી.

સુરતમાં ચાર્જિંગમાં મુકેલા ઈ-બાઈકમાં બ્લાસ્ટ એકનું મોત 

સુરતમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. જેમાં એક યુવતીનું મોત નીપજ્યું છે. લીંબાયતના મહારાણા પ્રતાપ ચોક પાસેની સોસાયટીમાં ચાર્જિંગમાં મુકેલા ઈ-બાઈકમાં આગ લાગી હતી. આગ પ્રસરીને ગેસ સિલિન્ડર પાસે પહોંચી હતી, જેના કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આગની ઘટનામાં અફરા-તફરી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગ પહોંચ્યું હતું અને 5 લોકોને રેસ્ક્યુ કર્યા હતા.

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

સુરતના સિંગણાપુર વિસ્તારમાં આવેલા તરણકુંડમાં રાત્રે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ કરતા હતા. આવા સમયે એક જાગૃત નાગરિકે તેમને રંગેહાથે ઝડપી લીધા હતા. તેણે અચાનક જ ઓફિસની અંદર પહોંચી અધિકારીઓ અને કર્મચારીઓનો દારૂ પીતા હોવાનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. મોબાઈલથી વીડિયો રેકોર્ડિંગ થતું હોવાનું જોઈને અધિકારીઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. જો કે, પોલીસને જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતની 10 સહિત દેશની 157  યુનિવર્સિટીઓ ડિફોલ્ટર જાહેર

UGC એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગુરુવારે ગુજરાત 10 સહિત દેશની 157 ડિફોલ્ટર યુનિવર્સિટીઓ જાહેર કરી છે. UGCએ તેની યાદી પણ બહાર પાડી છે. જેમાં 108 સરકારી યુનિવર્સિટી, 47 ખાનગી યુનિવર્સિટી અને બે ડીમ્ડ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. UGC અનુસાર, આ તમામ યુનિવર્સિટીઓએ લોકપાલની નિમણૂક કરી નથી, જેથી તેમને ડિફોલ્ટર યુનિવર્સિટીની યાદીમાં સામેલ કરવામાં આવી છે.