AnandToday
AnandToday
Sunday, 16 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

આજની 10 મહત્વની ખબર

પશ્ચિમ બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના 15 ના મોત,60થી વધુ મુસાફરો ઘાયલ

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સોમવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. કંચનજંગા એક્સપ્રેસને ન્યૂ જલપાઈગુડીના રંગપાની સ્ટેશન પાસે પાછળથી આવતી માલગાડીએ ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 15ના મોત થયા હતા અને 60થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. કંચનજંગા એક્સપ્રેસ આસામના સિલચરથી સિયાલદહ જઈ રહી હતી.

ગરીબ લોકો માટે બકરી ઇદનો તહેવાર ફિક્કો બન્યો

પાકિસ્તાનમાં મોંઘવારીએ તહેવારમાં માઝા મૂકી છે.બકરીદ પહેલા પાકિસ્તાનમાં ટામેટાની કિંમત વધીને 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.  અહીં ટામેટા બાદ ડુંગળી અને બટાકા પણ મોંઘા થયા છે. તહેવાર સમયે આ વસ્તુઓના ભાવમાં મોટો વધારો થતાં લોકોનો તહેવાર ફિક્કો બની રહ્યો છે. અહીં A-ગ્રેડના બટાકાની કિંમત 75-80 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવી છે, પરંતુ તે 130-140 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ડુંગળીના સરકારી ભાવમાં ઘટાડો થયો છે, એ-ગ્રેડની ડુંગળીનો ભાવ 100-105 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ સમગ્ર મહાનગરોના બજારોમાં તે 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. 

દેશભરમાં બકરી ઈદ તહેવારની ઉજવણી

આજે દેશભરમાં ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર,દિલ્હી, હૈદરાબાદથી લઇને દેશભરમાં ધામધૂમથી તેની ઉજવણી થઇ રહી છે. દિલ્હીની જામા મસ્જિદમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું છે. લોકોએ નમાઝ અદા કર્યા બાદ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસો નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

ગુજરાતમાં 18 જૂનથી ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ પડશે

આવતીકાલથી એટલે કે 18 જૂનથી ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ પડશે તો 24 જૂન સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ યથાવત રહેશે.17 થી 22 જૂન સુધીમાં આંધી વંટોળથી કાચા છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે.ખંભાત, કઢવડા, કપડવંજ, ખેડામાં પવન ગતિ વધુ રહેશે.કેટલાક ભાગોમાં પવન ગતિ 30 કિમી જેટલી રહશે,કેટલાક ભાગમાં 40-50 કિમી પવન ફૂંકાશે.હવામાન વિભાગે18 જૂન 2024 મંગળવાર માટે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે

સાવરકુંડલાની ત્રણ પ્રાથમિક શાળાની માન્યતા રદ કરવા આદેશ

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં શિક્ષણનાં નામે ધમધોકાર વેપાર કરતી શાળાઓની તપાસ દરમ્યાન અનેક પ્રકારની ગેરરીતિઓ બહાર આવતા ત્રણ પ્રાથમિક શાળાઓની ધો. 1 થી 8ની માન્યતા રદ કરવાનો હુકમ રાજ્યનાં પ્રાથમિક શિક્ષણ નિયામકનાં આદેશ અનુસાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ 

પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ પાવાગઢમાં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતાં વિવાદને લઈ રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા. જ્યાં સમાજના આગેવાનોએ પોલીસ મથકે આવેદન પત્રક આપ્યું હતું. પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થયા બાદ સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી

શોર્ટકટમાં રૂપિયા કમાઈ લેવાની લાલચે સોનાની લૂંટના પ્લાનને અંજામ આપ્યો

અમદાવાદના ગીતામંદિર પાસે એક કિલો સોનાની લૂંટ થઈ હોવાના સમાચાર શનિવારે સામે આવ્યા હતા. ચાર વાગ્યાની આસપાસ ગીતામંદિર વિસ્તારમાં સોનાની લૂંટ થયો હોવાની સમાચાર વહેતા થયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. પરંતુ આ દરમિયાન મોટો ખુલાસો થયો છે. લૂંટની ફરિયાદ કરનાર યુવક ધર્મ ઠક્કર જ આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધર્મ ઠક્કર સહિત અન્ય બે શખ્સોની અટકાયત કરીને તપાસ શરુ કરી છે.

રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 2 બાળકીના મોત

રાજકોટથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 2 બાળકીના મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં આ દુર્ઘટના બની હતી. અત્યાર સુધીની વિગતો મુજબ આ બંને બાળકી નેપાળી પરિવારની હોવાનું ખૂલ્યું છે.

ભારતીય રેલવેની સિદ્ધિ,દુનિયાનો સૌથી ઉંચો રેલવે પુલ તૈયાર

જમ્મુ કાશ્મીરમાં રેલવેનો દુનિયાનો સૌથી ઉંચો પુલ બનીને તૈયાર થઈ ગયો છે. તેના નિરીક્ષણ માટે પહોંચેલા રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ પુલની સમીક્ષા કરી. દુનિયાના સૌથી ઉંચા પુલ પર આજે ટ્રાયલ ટ્રેન ચલાવવામાં આવી. ઉત્તરી રેલવે આ પુલ પર ટ્રેન સેવાઓ શરુ કરવાની તૈયારીમાં છે. આ પુલ સંગલદાનને રામવન જિલ્લાથી જોડે છે. રેલવેના એક એન્જિનિયર દીપક કુમારે સમાચાર એજન્સીને વાત કરતા જણાવ્યું કે પુલ પર ટ્રેન સર્વિસ ટૂંક સમયમાં જ શરુ થઈ જશે.