આણંદ ટુડે | આણંદ
તા.૧૪ મી જૂન “વિશ્વ રક્તદાતા દિવસ” ની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી,આણંદ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, આણંદના સહયોગથી આણંદના સરદાર પટેલ બેંકવેટ હોલ ખાતે બ્લડ ડોનેશન (રક્તદાન) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
નિયમિત રીતે રક્તદાન કરતાં જિલ્લાના રક્તદાતાઓ આ રક્તદાન કેમ્પમાં જોડાઈને સમાજસેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યાં હતાં. જે પૈકી પેટલાદ તાલુકાના વડદલા ખાતે આવેલ આર.એફ.પટેલ હાઈસ્કૂલના ૫૭ વર્ષીય આચાર્યશ્રી વિનયભાઈ પટેલે આ રક્તદાન કેમ્પમાં સહભાગી બની ૪૩ મી વખત રક્તદાન કરીને જણાવ્યું હતું કે સમાજસેવા પૈસાથી જ કરી શકાય તેમ નથી પરંતુ રક્તદાન કરીને પણ ઉત્તમ સમાજસેવા કરી શકાય છે.
આણંદ ખાતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં અને ૨૦ વખત રક્તદાન કરનાર સાગર યાદવે જિલ્લાના યુવાઓને નિર્ભિક થઈને રક્તદાન કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિ સમાજસેવા કરવા માંગતા હોય તેઓએ રક્તદાન કરીને સમાજ પ્રત્યે પોતાની સેવા આપીને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું જોઈએ.
ઉલ્લેખનિય છે કે નિયમિત રીતે રક્તદાન કરીને સમાજસેવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા અત્યારસુધીમાં ૪૩ વખત રક્તદાન કરનાર વિનયભાઈ પટેલ અને ૨૦ વખત રક્તદાન કરનાર સાગર યાદવને જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
*********