AnandToday
AnandToday
Tuesday, 11 Jun 2024 00:00 am
AnandToday

AnandToday

આજની 10 મહત્વની ખબર

સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો

NEET UG 2024 પરીક્ષાના પરિણામો અંગે વિવાદ ચાલુ છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે આ કેસમાં દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન પરિણામોના આધારે કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે.અરજદારે દલીલ કરી હતી કે સમગ્ર મામલે પારદર્શિતા જાળવવામાં આવી નથી અને અમને આ અંગે જવાબ જોઈએ છે. આ અંગે કોર્ટે કહ્યું કે અમે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો છે અને જવાબ મળ્યા બાદ કેસની આગામી સુનાવણી 8મી જુલાઈએ હાથ ધરાશે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 26 તાલુકાઓમાં વરસાદ 

જરાતમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ અમરેલી જિલ્લામાં વાવણીલાયક વરસાદ થઇ જતાં ખેડૂતોએ બળદ જોતરી વાવણીનાં શ્રીગણેશ કર્યાં છે.

ગોધરા: NEETની પરીક્ષામાં ગેરરીતીને લઈ ખુલાસો, 11 વિદ્યાર્થીઓએ 3 કરોડથી વધું ચૂકવ્યા

ગોધરા ખાતે NEETની પરીક્ષામાં ગેરરીતીને લઈ એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે.સમગ્ર મામલે 16 વિદ્યાર્થીઓ પૈકી 12 વિદ્યાર્થીઓના નામની યાદી સામે આવી છે. પોલીસ તપાસ દરમિયાન 12 વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓએ ગોધરા અને 10 વિદ્યાર્થીઓ પડાલ થર્મલ ખાતે આવેલા નીટના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપી હતી.12 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીએ વર્ષ 2023માં વડોદરાના પરશુરામ રોયની કંપનીના અને પરશુરામ રોયના બેંક ખાતામાં રૂપિયા 66 લાખ રોકડા જમા કરાવ્યા હતા.7 વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને રૂ.2.82 કરોડના ચેક આપ્યા 


સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર 300થી વધારે ટ્રકોના પૈંડા થંભી ગયા

ગીર સોમનાથના સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર પૂરપાટા ચાલતા ડમ્પરે બાઇકને અડફેટે લેતા યુવાન ચાલકનું મોત નીપજ્યુ છે. છેલ્લા ત્રણ દિવસમાં આ હાઇવે પર અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ હાઇવે પર બેસીને ચક્કાજામ કરી દીધો છે.આ હાઇવે પર 300થી વધારે ટ્રકોના પૈંડા થંભી ગયા છે. આ સાથે સ્થાનિકો મૃતકનો મૃતદેહ લઇને હાઇવેની વચ્ચે જ બેસી ગયા છે. આ લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી મૃતકનો મૃતદેહ અહીંથી નહીં હટાવીએ અને તેમનો અગ્નિ સંસ્કાર પણ નહીં કરીએ. તો બીજી બાજુ હાઇવે પર આટલો ચક્કાજામ થયાના કલાકો સુધી તંત્રનો કોઇ અધિકારી અહીં ફરક્યો નથી.

દિલ્હીથી બંગાળ સુધી ભીષણ ગરમીની ચેતવણી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના હાલ અણસાર નથી. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરથી લઈને પંજાબ-બંગાળ, મધ્યપ્રદેશ, ઝારખંડ સુધી લૂની આગાહી કરી છેહવામાન વિભાગના જણાવ્યા મુજબ આખુ સપ્તાહ આ સ્થિતિમાં રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ત્રણ-ચાર દિવસ સુધી ભીષણ ગરમીથી રાહતના કોઈ અણસાર નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ પણ હીટવેવ આગામી કેટલાક દિવસ હીટવેવ પરેશાન કરી શકે છે, હાલ તો આ સપ્તાહે વરસાદની કોઈ સંભાવના નથી.

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત કૂલ 10 લોકોના મોત

માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત કૂલ 10 લોકોને લઇ જતું પ્લેન ક્રેશ થઇ જવાના કારણે તમામ લોકોનાં મોત નિપજ્યાં છે. માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત કૂલ 9 લોકોને લઇ જઇ રહેલું પ્લેન સોમવારે ચિકાંગાવાની પહાડીઓમાં ક્રેશ થયું હતું. ત્યાર બાદ સતત સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું હતું. સતત 24 કલાક કરતા પણ વધારેના સર્ચ ઓપરેશન બાદ પ્લેનનો કાટમાળ ચિકાંગાવાની પહાડીઓમાંથી મળી આવ્યો હતો.

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો

સોના અને ચાંદીના ભાવમાં મંગળવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં સોમવારની સરખામણીમાં ચાંદી લગભગ 1400 રૂપિયા સસ્તી થઈ છે અને 88,600 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ છે. MCX માં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે ગઈકાલની સરખામણીમાં લગભગ 250 રૂપિયા સસ્તું થઈ ગયું છે અને 71,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયું છે.


અમદાવાદમાં સ્કૂલ વાન અને રીક્ષા ભાડામાં વધારો ઝીંકાયો

વાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને આજે સ્કૂલ વાન અને રીક્ષા ભાડામાં વધારો ઝીંકી દીધો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાનના ₹200 અને કુલ રિક્ષામાં ₹100 નો વધારો કર્યો છે. ત્રણ વર્ષ બાદ રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. હવેથી વાલીઓએ મિનિમમ રિક્ષા ભાડું ₹650ને બદલે 750 જ્યારે સ્કૂલ વાનનું મિનિમમ ભાડું 1,000 ને બદલે 1200 રૂપિયા ચૂકવવાના થશે. જો કે કિલોમીટર દીઠ ભાડામાં વધારો નક્કી કરાયો છે. આરટીઓના ખર્ચ વીમો સ્પેરપાર્ટ તેમજ મોંઘવારીના કારણે વધારો કરાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બેંક કર્મચારીઓના DAમાં વધારાની જાહેરાત 

ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ તેના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે બેંક કર્મચારીઓના DAમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. મે, જૂન, જુલાઈ 2024 માટે બેંક કર્મચારીઓ અને અધિકારીઓનું મોંઘવારી ભથ્થું તેમના પગારના 15.97 ટકા હશે. આ સાથે પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે 08 માર્ચ 2024ના રોજ થયેલા 12મા દ્વિપક્ષીય કરારના ક્લોઝ 13 અને સંયુક્ત નોંધના ક્લોઝ 2 (i) મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. 

જમીન કૌભાંડ મામલે વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ 

સુરતના ડુમસમાં બે હજાર કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતમાં કલેક્ટર હતા ત્યારે બેદરકારી દાખવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આયુષ ઓક પર સરકારી જમીન બિલ્ડરના નામે કર્યાનો આરોપ લાગ્યો છે. જેના કારણે સરકારને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. 23 જૂન 2021થી 1 ફેબ્રુ. 2024 સુધીના કાર્યકાળમાં ગોટાળાનો આરોપ છે.