વડોદરા શહેરના સમા ખાતે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. શહેરમાં રસ્તે ચાલી રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે આવતી કારે દંપતીને અડફેટે લીધા હતા. જેમાં પત્નીનું ઘટનાસ્થળે મોત થયું હતું. જોકે, દુર્ઘટના બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. કારની સ્પીડ એટલી બધી હતી કે અકસ્માત સર્જાયા બાદ કાર એમ્પાયર હોસ્પિટલમાં જઈને ઘૂસી હતી. પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા, તેમાં ઘટના કેવી રીતે ઘટી તે જાણવા મળ્યું હતું. વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી છે.
ઓડિશામાં વિધાનસભાની થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ પહેલી વાર સત્તા મેળવી છે અને હવે નવી સરકારનો શપથવિધિ સમારોહ ૧૦ના બદલે ૧૨ જૂને થવાનો છે. વિધાનસભાની ચૂંટણીમાં પચીસ વર્ષથી સત્તામાં રહેલી બીજુ જનતા દળ (BJD) પાર્ટીનો પરાજય થયો હતો.સરકાર રચવાની તારીખમાં બદલાવ વિશે બોલતાં BJPના નેતાઓ જતીન મોહંતી અને વિજયપાલ સિંહ તોમરે જણાવ્યું હતું કે 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રવિવારે શપથવિધિના કારણે આ ફેરફાર કરાયો છે.
ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો થયો છે. જેમાં રૂપિયા 20એ કિલો મળતા ટામેટાનો ભાવ રૂ.60 થયો છે. ટામેટાની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. ત્યારે વેપારીએ જણાવ્યું છે કે ટામેટાની આવક 50 ટકા ઘટી ગઈ છે.
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો છે. આમાં 10 લોકોનાં મોતના સમાચાર છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ આતંકવાદી હુમલો નવી દિલ્હીમાં પીએમ મોદી અને નવા મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહ દરમિયાન થયો હતો.આ હુમલો રિયાસી જિલ્લાના કંદા વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો, જેમાં ડ્રાઈવર ઘાયલ થયો અને તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો, જેના કારણે બસ ખાઈમાં પડી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ મેળવનારા તેઓ પ્રથમ બિન કોંગ્રેસી નેતા અને જવાહરલાલ નેહરુ પછી બીજા નેતા છે. તેમની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 71 મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. આ મંત્રીઓમાં બે એવા મંત્રીઓ હતા જેઓ આ વખતે લોકસભાની ચૂંટણીમાં હાર્યા હતા, તેમ છતાં મંત્રીપદ મેળવ્યું હતું. તેમાં તમિલનાડુના દલિત ચહેરા એલ મુરુગન અને પંજાબના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી બિઅંત સિંહના પૌત્ર રવનીત સિંહ બિટ્ટુનો સમાવેશ થાય છે.
ગાંધીનગર શહેર નજીક ચિલોડા હાઇવે ઉપર દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા ચિલોડા બ્રિજ નીચેથી વિદેશી દારૂની સ્કૂલબેગમાં હેરાફેરી કરતા રાજસ્થાનના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ પૂછપરછમાં ખેરવાડાના એલીસ દિનેશજી ડામોર, અજય નારણલાલ અસોડા અને બલવીરસિંહ રાજેન્દ્રસિંહ ભગોરા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વિદેશી દારૂની ૩૫ બોટલ કબજે કરીને દારૂ મોકલનાર બે શખ્સો સામે પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ કરી છે
સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સે 323.64 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત 77,000ની સપાટીને પાર કરી હતી.તે 77,017ના સ્તરે ખુલ્યો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ બજાર ખુલતાની સાથે જ 105 પોઈન્ટ ઉછળ્યો હતો. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 1618.85 પોઈન્ટ અથવા 2.16 ટકાના ઉછાળા સાથે 76,693.41 પર બંધ થયો.
સામાન્ય માણસથી લઈને રાજકારણીઓ સુધી, દેશ લોકસભા ચૂંટણી 2024ના હેંગઓવરમાં છે. ત્યારે ચૂંટણી પંચે ફરીથી ચૂંટણીનું બ્યુગલ વગાડતા 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આ બેઠકો પર 10 જુલાઈએ મતદાન થશે અને 13 જુલાઈએ મતગણતરી થશે.જે રાજ્યોમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
બનાસકાંઠામાં સ્પા સંચાલક વિધર્મીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગત સામે આવી છે. દિલ્હીની યુવતી સાથે ધાનેરામાં સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી નાણા પડાવીને દુષ્કર્મ કર્યું હતું. યુવતીને લગ્નની લાલચો આપીને તેની પાસેથી નાણા પડાવી લીધા હતા. એટલું જ નહિ, યુવક દ્વારા પીડિત યુવતીને ગળે ટૂંપો આપતા સીસીટીવી પણ સામે આવ્યા છે.
ગુજરાત પ્રદેશ ભાજપના સૌથી સફળ અધ્યક્ષ એવા સી.આર.પાટીલનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવતા હવે ગુજરાત ભાજપને નવા અધ્યક્ષ મળે તે ફાઈનલ થઈ ગયું છે.આગામી એકાદ પખવાડિયામાં ભાજપ દ્વારા નવા પ્રમુખનું નામ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવશે હાલ ત્રણથી ચાર નામો ચર્ચામાં છે.શંકર ચૌધરી, મયંક નાયક, પ્રદિપસિંહ જાડેજા, જગદીશ વિશ્ર્વકર્મા સહિતના આગેવાનો પ્રબળ દાવેદારો મનાઈ રહ્યા છે.