આણંદ ટુડે | આણંદ,
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત ૧૬- આણંદ લોકસભા બેઠકનું મતદાન ગત મે મહિનાની ૭ મી તારીખના રોજ યોજાયું હતું. આ ઉપરાંત ૧૦૮- ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન પણ યોજાયું હતું.
આ ચૂંટણીની મતગણતરી આગામી તા. ૪ થી જુનના રોજ વલ્લભ વિદ્યાનગર સ્થિત નલીની આર્ટસ કોલેજ અને બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ ખાતે સવારે ૮-૦૦ કલાક થી શરૂ કરવામાં આવનાર છે.
જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર વિદ્યાનગર ખાતે મતગણતરી સેન્ટર ખાતે બે કાઉન્ટિંગ ઓબ્ઝર્વર શ્રીઓ હાજર રહેશે અને મત ગણતરી ઉપર દેખરેખ રાખશે. જેમાં શ્રી ટી.આનંદ (આઈ.એ.એસ.) કાઉન્ટિંગ ઓબ્ઝર્વર તરીકે ૧૦૮-ખંભાત વિધાનસભા, ૧૧૧-ઉમરેઠ વિધાનસભા અને ૧૧૨-આણંદ વિધાનસભા મતવિસ્તારની મતગણતરી જયાં થનાર છે, તે નલીની આર્ટસ કોલેજ ખાતે ઉપસ્થિત રહી મતગણતરીની કામગીરી ઉપર દેખરેખ રાખશે. આ ઉપરાંત ૧૦૮-ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં થયેલ પોસ્ટલ બેલેટની મતગણતરી અને આણંદ લોકસભા મતવિસ્તારમાં થયેલ પોસ્ટલ બેલેટની મતગણતરી ઉપર પણ દેખરેખ રાખશે. કાઉન્ટિંગ ઓબ્ઝર્વર શ્રી ટી.આનંદ નો મોબાઇલ નંબર ૮૭૯૯૨ ૦૨૯૩૯ છે, આ નંબર ઉપર મત ગણતરી સંબંધી ફરિયાદ કરી શકાશે.
જ્યારે એ. વિજયાકુમારી (એસ.સી.એસ.) ૧૦૯-બોરસદ વિધાનસભા, ૧૧૦-આંકલાવ વિધાનસભા, ૧૧૩-પેટલાદ વિધાનસભા અને ૧૧૪-સોજીત્રા વિધાનસભા મતદાર વિભાગની જ્યાં મતગણતરી થનાર છે, તે બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ ખાતે ઉપસ્થિત રહી મતગણતરી સમગ્રતયા કામગીરી ઉપર દેખરેખ રાખશે. તેમનો મોબાઈલ નંબર ૭૯૯૦૬ ૮૫૦૯૧ છે, આ મોબાઈલ નંબર ઉપર મતગણતરી સંબંધી ફરિયાદ કરી શકાશે.
આ ઉપરાંત બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે, જેનો નંબર ૦૨૬૯૨ - ૨૯૯૧૪૬ છે, જેના ઉપર મતગણતરી સંબંધી જાણકારી મેળવી શકાશે અને કોઈ ફરિયાદ હોય તો પણ કરી શકાશે, તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.
*****