આણંદ ટુડે | ચાંગા
ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સ (BDIPS)ના ઓપ્ટોમેટ્રી વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર દેવાંશી દલાલને તાજેતરમાં વડોદરામાં બરોડા ચિલ્ડ્રન આઈકેર એન્ડ સ્ક્વિન્ટ ક્લિનિકના ડો. જીતેન્દ્ર જેઠાણીના નેતૃત્વ હેઠળ આયોજિત નેશનલ લેવલની પ્રતિષ્ઠિત વર્કશોપ માયોપિયા માસ્ટરક્લાસ 2.0 માં ‘Compliance of Low Concentration Atropine (LCA) eye drops’ વિશે એક્સપર્ટ ટોક આપવાનું સન્માન પ્રાપ્ત થયું હતું.
આ વર્કશોપનો હેતુ પીડીયાટ્રીક ઓપ્થેલ્મોલોજીસ્ટ અને ઓપ્ટોમેટ્રિસ્ટ્સને માયોપિયા કંટ્રોલ વિષે માહિતગાર કરવાનો હતો.
આ વર્કશોપમાં પીડીયાટ્રીક આઈ કેર અને ઓપ્ટોમેટ્રી ફિલ્ડના અગ્રણી પ્રેકટીશનર્સ, BDIPSની ઓપ્ટોમેટ્રીની ઇન્ટર્નશીપ વિદ્યાર્થીની ખદીજા દૂધિયાવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને માયોપિયા મેનેજમેન્ટમાં પ્રગતિ અને વર્તમાન પ્રવાહોની ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પર આવ્યા હતા.
માયોપિયા, જેને સામાન્ય રીતે દૂરની દૃષ્ટિની ખામી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે આંખના ડાયમેન્શન બદલાય, જેના કારણે આંખના પડદાને વધુ નુકશાન થઈ શકે છે. માયોપિયા, ખાસ કરીને બાળકો અને કિશોરોમાં વધુને વધુ પ્રચલિત છે અને ભવિષ્યમાં આંખના સ્વાસ્થ્ય માટે જોખમ ધરાવે છે, જેમાં રેટિના ડિટેચમેન્ટ, ઝામર અને માયોપિક મેક્યુલોપથી વગેરેનો સમાવેશ થાય છે. તેની લાંબા ગાળાની પ્રતિકૂળ અસરોને ઘટાડવા માયોપિયાને વધતો અટકાવવો જરૂરી છે. શરૂઆતમાં અસરકારક પગલા લેવાથી માયોપિયા અને તેની સાથે સંકળાયેલ તકલીફોને અટકાવી શકાય છે. એક સર્વે અનુસાર જો માયોપિયાને અંકુશમાં રાખવામાં નહિ આવે તો વર્ષ 2050 સુધીમાં દુનિયાની 50 ટકા વસ્તી માયોપિયાથી અસરગ્રસ્ત થઇ જશે.
માયોપિયાને લીધે થતી તકલીફોને અંકુશમાં રાખવામાં લો-ડોઝ એટ્રોપીનનો વધારે ઉપયોગ અસરકારક અભિગમ સાબિત થશે. તદુપરાંત, બાળકો અને કિશોરોમાં માયોપિયા વિષે વધતી જતી ચિંતાને દૂર કરવા ચાલી રહેલા પ્રયાસોમાં દેવાંશી દલાલ રિસર્ચ થકી યોગદાન આપી રહ્યા છે.